જ્ઞાનવાપી સર્વે પર પ્રતિબંધ મૂકવાનો સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યો

 

નવી દિલ્હીઃ જ્ઞાનવાપી મસ્જિદને લઈને શરૂ થયેલા વિવાદ પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કહ્યું કે જે સ્થાન પર શિવલિંગ મળ્યું છે, તેને સીલ કરી દેવામાં આવે અને સંપૂર્ણ સુરક્ષા આપવામાં આવે. સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે, શિવલિંગવાળા સ્થાનને સુરક્ષા આપવામાં આવે, પરંતુ તેના કારણે નમાઝમાં મુશ્કેલી ન આવવી જોઈએ. 

આ સાથે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધ લગાવવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. સર્વોચ્ચ કોર્ટે કહ્યું કે આ કેસમાં નિચલી કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે, તેવામાં જિલ્લા અદાલતના ચુકાદાની રાહ જોવી જોઈએ. આ દરમિયાન યૂપી સરકાર તરફથી રજૂ સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, યુપી સરકારને કેટલાક મુદ્દા પર તેમની સહાયતાની જરૂર છે. સુપ્રીમ કોર્ટમાં અંજુમન ઇંતેજામિયા મસ્જિદ કમિટીએ વારાણસી કોર્ટ તરફથી સર્વે કરાવવાના આદેશને પડકાર્યો, જે હેઠળ પરિસરની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. 

કોર્ટના આદેશ પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું કે, વજૂખાનામાં શિવલિંગ મળ્યુ છે, જ્યાં હાથ-પગ ધોવાની જગ્યા છે. નમાઝની જગ્યા અલગ હોય છે. તે વાતની આશંકા છે કે શિવલિંગને નુકસાન ન પહોંચે. તેના પર જજે કહ્યું કે અમે સુરક્ષાનો આદેશ આપીશું. મસ્જિદ કમિટીના વકીલે પ્લેસ ઓફ વર્શિપ એક્ટની યાદ અપાવતા કહ્યું કે, તે આ મામલામાં સર્વે અને કોર્ટ કમિશનની નિમણૂંક પર પ્રતિબંધ લગાવે. આ મામલામાં યથાસ્થિતિ બનાવી રાખવાનો આદેશ આપવો જોઈએ.