સંત શિરોમણી પૂ. હરિચરણદાસજી મહારાજનું મહાપ્રયાણ

 

રાજકોટઃ સેવા પરમો ધર્મ આજીવન જીવન મંત્ર અપનાવી માનવસેવાની સાધના કરનાર ગોંડલ રામજી મંદિરના મહંત, મહામંડલેશ્વર સદગુરૂદેવ હરિચરણદાસજી મહારાજે સો વર્ષની વયે ફાગણી એકાદશીના સપરમા દિવસે મહાપ્રયાણ કર્યું હતું. તેમના દેહોત્સર્ગની ભાવિકોને જાણ થતા સમગ્ર રાજયમાંથી ભક્તોનો પ્રવાહ ગોંડલ પહોંચી ગયો હતો. ત્યાં તેમના દિવ્યદેહને અંતિમ દર્શને રખાયો હતો. સાંજે રાજકોટના રણછોડદાસજી આશ્રમે અંતિમ દર્શન કરાવ્યા બાદ ૩ બસો અને ૨૦૦ જેટલા અન્ય વાહનો સાથે સદગુરૂદેવના પાર્થિવદેહને ગોરા નર્મદાતટે અંતિમ સંસ્કાર કરવા માટે રવાના થયા હતાં. જયાં ૧૧ વેદપાઠી બ્રાહ્મણોના વેદોક્ત મંત્રોચ્ચાર, રામાયણની ચોપાઈઓના ગાન સાથે ૧૫૦ કિલો ચંદન કાષ્ટ સાથે સવારે૯થી ૧૦.૩૦ દરમિયાન તેમના અનુગામી, રામજી મંદિરના જેરામદાસજી મહારાજના હસ્તે મુખાગ્નિ આપવામાં આવશે.

શતાયુ સદગુરૂદેવનો દેહોત્સર્ગ થતા ગોંડલના રામજી મંદિરે ભાવિકો એકત્ર થઈ ગયા હતાં. તેઓના મૃત્યુને પણ ચિરયાત્રા ગણી ગોંડલના એસ.આર.પી. બેન્ડની ધાર્મિક સૂરાવલીઓ, રસ્તા પર પુષ્પોની પથારીઓ, ધાન્ય રંગોળીઓ સાથે પાર્થિવ દેહને ગોંડલથી રાજકોટ જવા સૌ એ સજળ નયને ભાવભરી ભાવુક વિદાય આપી હતી. રાજકોટમાં પણ મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા પોલીસે વ્યવસ્થા બંદોબસ્ત ગોઠવવો પડયો હતો. સદગુરૂદેવના પાર્થિવ દેહને ખાસ અંતિમ રથમાં ગોઠવી ગોરા જવા રવાના થયા હતાં.

હરિચરણદાસજી મહારાજનું સાંસારિક નામ હરિન્દ્ર આનંદ મિશ્રા હતું. તેઓ બિહારના મોતીહારી જિલ્લાના વતની હતા. સંસારત્યાગ કરીને કાશી, પ્રયાગમાં વેદાભ્યાસ કર્યો હતો. ૧૯૫૫માં તેઓ ગોંડલ આવ્યા હતાં. ત્યારથી ગોંડલને કર્મભૂમિ બનાવી હતી અને રણછોડદાસજી મહારાજે કંડારેલી કેડી પર ચાલી માનવસેવાયજ્ઞો શરૂ કર્યા હતાં. સામાન્ય રીતે ધાર્મિક ધર્મગુરૂઓનો ધ્યેય ભગવાનનું કલાત્મક મંદિર બનાવવાનો હોય છે. પરંતુ હરિચરણ દાસજીએ ગોંડલમાં શિષ્યોના સહયોગથી ૧૨ કરોડના ખર્ચે માનવમંદિર સમી હોસ્પિટલનું નિર્માણ કર્યું જેનું ઉદ્ઘાટન ૧૮-૭-૨૦૦૪ ના રોજ તત્કાલીન મૂખ્યમંત્રી, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. આ હોસ્પિટલ હવે મલ્ટી સ્સ્શ્યાલિટી હોસ્પિટલ બની રહી છે. જેમાં હિન્દુ – મુસ્લિમો આરોગ્ય સેવાઓ લઈ રહ્યાં છે. આ હોસ્પિટલમાં જ રામ પંચાયતની સ્થાપના કરી છે. આ રામભૂમિમાં અનેક દર્દીઓને લાભ મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here