HDFCનું HDFC બેંક સાથે મર્જર

નવી િદલ્હીઃ હાઉસિંગ ફાઇનાન્સ અગ્રણી HDFC લિમિટેડે શુક્રવારે તેની પેટાકંપની અને ખાનગી ક્ષેત્રની સૌથી મોટી ધિરાણ આપનાર HDFC બેન્ક સાથેના વિલીનીકરણનો માર્ગ મોકળો થઇ ગયો છે. બંને કંપનીઓના બોર્ડની મંજૂરી સાથે આજથી એટલે કે પહેલી જુલાઇથી આ મર્જર લાગુ થઇ ગયું છે.
ગઇ કાલે મોડી સાંજે સ્ટોક એક્સચેન્જોને આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે બંને કંપનીઓના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની અલગ બેઠકમાં મર્જરની દરખાસ્તને અંતિમ મંજૂરી આપવામાં આવી હતી. આ માહિતી આપતા HDFC બેંકે જણાવ્યું હતું કે, “મર્જરની આ યોજના 1 જુલાઈથી લાગુ થશે.” આ હેઠળ, HDFC લિમિટેડને HDFC બેંક સાથે મર્જ કરવામાં આવશે અને HDFC લિમિટેડ સ્વતંત્ર એન્ટિટી તરીકેનું અસ્તિત્વ બંધ કરશે. આ મર્જર દેશના કોર્પોરેટ જગતનો સૌથી મોટો સોદો છે. તેનું કદ 40 અબજ ડોલર છે.
HDFC બેંક 4 એપ્રિલ, 2022ના રોજ દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઇનાન્સ કંપની HDFCને પોતાની સાથે મર્જ કરવા સંમત થઈ હતી. આ મર્જર પછી HDFC બેંક દેશની એક મોટી નાણાકીય સેવા કંપની બનશે, જેની કુલ સંપત્તિ 18 લાખ કરોડ રૂપિયાથી વધુ હશે. BSE ઈન્ડેક્સમાં નવી સામેલ થયેલી કંપનીનું વેઈટેજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કરતા વધારે હશે. હાલમાં, રિલાયન્સનું વેઇટેજ 10.4 ટકા છે, પરંતુ મર્જર પછી HDFC બેન્કનું વેઇટેજ 14 ટકાની નજીક હશે. આ ડીલ હેઠળ એચડીએફસીના દરેક શેરધારકને 25 શેરો પર એચડીએફસી બેંકના 42 શેર મળશે.