ફ્રાંસમાં સતત ચોથા દિવસે હિંસાઃ 45000 પોલીસકર્મીઓ તૈનાત

ફ્રાંસઃ ફ્રાંસમાં 17 વર્ષના કિશોરની ટ્રાફિક પોલીસના ફાયરિંગમાં મોત નિપજ્યા બાદ ફ્રાંસમાં શરુ થયેલી હિંસા રોકાવાનુ નામ નથી લઈ રહી. દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલુ રહ્યા છે. સતત ચોથી રાતે પણ ફ્રાંસમાં રમખાણો થયા હોવાના અહેવાલો મળ્યા છે. આ દરમિયાન દેશભરમાંથી 1300 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તોફાનોમાં કુલ ધરપકડનો આંક 2500 પર પહોંચ્યો છે. ચોથા દિવસની રાતે પણ દેખાવકારો અને પોલીસ વચ્ચે સતત અથડામણો થતી રહી હતી. અલગ અલગ જગ્યાએ 2500 દુકાનોને આચંપી કરવામાં આવી હતી. તોફાનીઓ પર કાબૂ મેળવવા માટે દેશમાં 45000 પોલીસ કર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ મેક્રોંએ લોકોને અપીલ કરી છે કે, તમારા સંતાનો રસ્તા પર હિંસા કરવા માટે ના ઉતરે તેનુ ધ્યાન રાખો. હિંસા ભડકાવવા માટે તેમણે સોશિયલ મીડિયાને જવાબદાર ઠેરવ્યુ હતુ.
ફ્રાંસની નેશનલ ફૂટબોલ ટીમે પણ લોકોને હિંસાથી દુર રહેવા માટે અપીલ કરી છે. આ ખેલાડીઓમાં સ્ટાર પ્લેયર એમબાપે પણ સામેલ છે. ખેલાડીઓએ કહ્યુ હતુ કે, અમે માર્યા ગયેલા કિશોરના પરિવારનુ દુખ દર્દ સમજીએ છે પણ હિંસાથી કોઈ સમસ્યાનુ સમાધાન નહીં થાય.
દરમિયાન 17 વર્ષીય કિશોર નાહેલની અંતિમ વિધિ ગઈકાલે રાત્રે કરવામાં આવી હતી અને તેમાં હજારો લોકો ઉમટ્યા હતા. માર્યા ગયેલા કિશોરની માતાએ એક ટીવી ચેનલને કહ્યુ હતુ કે, મારો પુત્ર આરબ બાળક જેવો થોડો થોડો દેખાતો હતો અને તેને ગોળી મારનાર પોલીસ અધિકારીનો ઈરાદો તેનો જીવ લેવાનો જ હતો. એક પોલીસ અધિકારી આ રીતે અમારા બાળકોનો જીવ લઈ શકે નહીં. ફ્રાંસમાં નાહેલના મોતની ઘટના મંગળવારે બની હતી અને એ પછી ભડકી ઉઠેલા દેશવ્યાપી રમખાણો શાંત થવાનુ નામ નથી લઈ રહ્યા છે.2005માં આ જ પ્રકારની સ્થિતિ સર્જાઈ ત્યારે સરકારે ઈમરજન્સી લાગુ કરી હતી.જોકે મેક્રોંએ હજી સુધી ઈમરજન્સી લાગુ કરવાની જાહેરાત કરી નથી.
તોફાનીઓના કારણે શુક્રવારે દેશમાં સાર્વજનિક બસો તેમજ ટ્રામોને રાત્રે નહીં ચલાવવા માટે આદેશ અપાયો છે.સાથે સાથે ગૃહ મંત્રીએ કહ્યુ છે કે, સોશિયલ મીડિયાની મદદથી હિંસા ભડકાવનારા લોકોની ઓળખ માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.આ લોકોને છોડવામાં નહીં આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here