દિકરીના વેવિશાળ પ્રસંગને સાદાઈથી ઉજવી બચત થયેલી રકમ ગૌ-સેવામાં વાપરી

0
1342

 

 

નખત્રાણાઃ કચ્છના જાણીતા બિલ્ડર અને રઘુવંશી સમાજના નવીનભાઈ આઈયાએ ઉત્તમ સામાજિક ઉદાહરણ પુરૂ પાડયું દિકરીના વેવિશાળ પ્રસંગને સાદાઈથી ઉજવી બચત થયેલી રકમને ગૌ-સેવામાં વાપરી વાગડથી નારાયણ સરોવર સુધીની પાંજરોપોળમાં દર વર્ષે દાન આપવાનું ભૂલતા નથી. કચ્છમાં જન્મેલા અને કચ્છને જ કર્મભૂમિ બનાવ્યા બાદ કચ્છના અનેક નામી અનામી દાતાઓ, શ્રેષ્ઠીઓ આજે પણ કચ્છનું ઋણ ચૂકવવાનું ભુલતા નથી. મૂળ નખત્રાણાના મોટી વિરાણી ગામના અને હાલે ભુજમાં રહેતા નવીનભાઈ મનજીભાઈ આઈયાને પણ કેમ ભુલી શકાય. તેમની પણ સામાજિક કાર્યોની કદર કરીએ તેટલી ઓછી છે. આવા દાતાઓના સંઘર્ષમય જીવનમાંથી ઘણું શીખવા જેવું છે. વર્તમાન સમયમાં જયારે સામાજિક પ્રસંગોમાં લાખો કરોડો રૂપિયાનો ધુમાડો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ નવીનભાઈ આઈયાના ઘરે નાની દિકરી રિદ્ધિનો વેવિશાળ પ્રસંગ હતો. તેઓ ઈચ્છે તો વેવિશાળમાં પણ લાખોનો ખર્ચ કરી શકે પરંતુ આવા પ્રસંગોમાં ખોટા ખર્ચ કરવાને બદલે વેવિશાળમાં થતો ખર્ચ અબોલ જીવો પાછળ કેમ ન કરી શકાય. અને, નવીનભાઈએ એવું જ કર્યું, દિકરીના વેવિશાળ પાછળનો ખર્ચ અબોલ જીવો પાછળ વાપરીને એક સામાજિક ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. અબોલ જીવો પ્રત્યે કરૂણા દાખવનારા નવીનભાઈ જીવદયા ઉપરાંત શૈક્ષણિક, મેડિકલ તેમજ વિવિધ સામાજિક કાર્યોમાં પણ અગ્રેસર છે. આવા પુણ્યશાળી આત્માઓનું એક ભુતકાળ અને ભવિષ્ય પણ હોય છે. મૂળ મોટી વિરાણી અને હાલે ભુજમાં રહેતા નવીનભાઈ મનજીભાઈ આઈયા ભુજમાં રહે છે અને તેઓ જાણીતા બિલ્ડર પણ છે. વાલદાસજી મહારાજ, ગુરુ ઓધવરામ મહારાજ તેમજ અન્ય સાધુ સંતોની પ્રેરણાથી તેમનામાં સેવા કાર્યો કરવાની તલપ જાગી અને આજે પણ અનેક નાના-મોટા સેવા કાર્યો કરતા રહે છે. અબોલ જીવો માટે તેમને અપરંપાર પ્રેમ છે. તેમના પરિવારમાં વડીલોથી સેવા કાર્ય ચાલુ છે અને આ સેવાકાર્યોની ધુણી તેમણે જગાવી રાખી છે. સેવાના અનેક પ્રકાર હોય છે ત્યારે નવીનભાઈ અઈયા પણ અન્નદાન અને જીવદયાના કાર્યો ઉપરાંત શૈક્ષણિક અને મેડિકલમાં સેવારત રહે છે.

તેમના મોટા ભાઈ સુભાષભાઈ પણ સેવાકીય પ્રવૃતિમાં અગ્રેસર છે. તેમની આવનારી પેઢી પણ આ રીતે સેવાકીય પ્રવૃતિઓ કરતી રહે તેવી તેમની અંતરની ઈચ્છા છે. ગત વર્ષે કુદરતી કૃપા ન થતા કચ્છમાં મેઘમહેર થઈ ન હતી અને વરસાદ ન થવાના કારણે ઘાસચારાની તીવ્ર તંગી સર્જાઈ તો તેમણે આ કપરા કાળમાં ૧૦૦થી વધુ પાંજરાપોળમાં ઘાસચારો મોકલી આપ્યો હતો. એટલું જ નહિ, કચ્છમાં નારાયણ સરોવરથી વાગડ સુધીની મોટા ભાગની પાંજરાપોળમાં દર વર્ષે માતબર રકમનું દાન તેમજ ઘાસચારો આપે છે. આવી રીતે સેવાકીય કાર્યો કરીને મન તેમજ આત્માને શાંતિ આપતા રહે છે. માયાબેન મનજીભાઈના કુખે જન્મેલા નવીનભાઈને પત્ની વીણાબેન તેમજ પરિવારના તમામ સદસ્યોનો સહકાર મળતો રહે છે. તેઓ કચ્છી આશ્રમ-હરીદ્વાર, ભુજ લોહાણા મહાજનના ઉપપ્રમુખ, નિલકંઠ આશ્રમ પિયોણી, ઈશ્વર આશ્રમ-વાંઢાય, રામ મંદિર વાંઢાય જેવી સંસ્થાઓ આશ્રમ સાથે જોડાયેલા છે. આવી સેવાકીય પ્રવૃતિ કરવા બદલ તેઓ અનેક વખત સન્માનિત થઈ ચુક્યા છે. બચત કરીને સેવા કાર્યો કરવા તેમની નેમ છે.

ખાસ તો પોતાના ઘરે આવેલા નાના દિકરીના વેવિશાળ પ્રસંગે ખોટા ખર્ચ કરવાને બદલે બચત થયેલી રકમ ગૌ-સેવામાં વાપરીને ઉત્તમ કાર્ય કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here