અમેરિકાની નવી સરકારનું ભારતના સપોર્ટમાં નિવેદન ચીનને આપ્યો ઝટકો

 

વોશિંગ્ટનઃ અમેરિકાની નવી સરકારે સ્પષ્ટ કરી દીધુ છે કે ચીનઅંગે તેમની રણનીતિ પહેલા કરતા વધુ આક્રમક રહેશે અને ચીનના પડકારોને પહોંચી વળવા માટે તેઓ ભારત સાથે ખભેથી ખભો મેળવીને ચાલશે. નવા ચૂંટાઈ આવેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન દ્વારા પોતાની ટીમમાં સામેલ કરાયેલા એન્ટની બ્લિન્કેને મંગળવારે ચીનને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી. 

બ્લિન્કેને કહ્યું કે ભારત અને અમેરિકા વિસ્તારવાદી ચીનના રૂપમાં એકસરખા પડકારનો સામનો કરી રહ્યા છે. આથી આ મુદ્દે ભારતે અમેરિકાના એક મહત્ત્વના ભાગીદાર હોવું જોઈએ. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે ભારત અને ચીન સરહદ વિવાદમાં ગૂંચવાયેલા છે. અત્રે જણાવવાનું કે જો બાયડેને બ્લિન્કેનને વિદેશમંત્રી બનાવ્યા છે અને સેનેટની વિદેશ સંબંધિત સમિતિની મંજૂરી મળી ગયા બાદ બ્લિન્કેન માઈક પોમ્પિઓનું સ્થાન લેશે.

ભારતમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રિચર્ડ વર્માના એક સવાલના જવાબમાં બ્લિન્કેને કહ્યું કે રાષ્ટ્રપતિ તરીકે બાયડેન અમારા લોકતંત્રને નવીનકૃત કરવા માટે તથા ભારત જેવા નીકટના ભાગીદારો સાથે કામ કરશે. તેમણે વધુમાં કહ્યું કે, ‘ઓબામા-બાયડેન પ્રશાસન દરમિયાન અમે ભારતને હિન્દ પ્રશાંત રણનીતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનાર સભ્ય બનાવવા માટે આકરી મહેનત કરી હતી. હિન્દ પ્રશાંતમાં નિયમ-આધારિત વ્યવસ્થા જાળવી રાખવા અને મજબૂત કરવા માટે સમાન વિચારધારાવાળા દેશો સાથે કામ કરવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની છે. અમે ચીન સહિત કોઈ પણ દેશને પોતાના પાડોશીઓને ધમકાવવા દઈશું નહીં.’

એન્ટની બ્લિન્કેને કહ્યું કે બાયડેનના પ્રશાસનમાં અમે ઈચ્છીશું કે ભારત આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભૂમિકા અદા કરે, તેનાથી તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સભ્યપદ મેળવવામાં મદદ મળશે. તેમણે વધુમાં કહ્યું કે અમે ભારતની રક્ષાને મજબૂત કરવા માટે મળીને કામ કરીશું અને એક આતંકવાદી વિરોધી ભાગીદાર તરીકે તેની ક્ષમતાઓને વધારીશું. 

તેમણે કહ્યું કે બાયડેન ભારત સાથે મધુર સંબંધોના પક્ષધર છે અને તેમની પાસે એક વ્યાપક રણનીતિ છે. બાયડેનના ૨૦૦૬માં અપાયેલા એક નિવેદનનો તેમણે હવાલો આપ્યો જેમાં કહ્યું હતું કે ૨૦૨૦ સુધીમાં અમેરિકા અને ભારત સૌથી નીકટના મિત્ર હોવા જોઈએ. બ્લિન્કેને કહ્યું કે આવું હજુ સુધી બન્યું નથી. પરંતુ હવે થશે. બાયડેન પ્રશાસનમાં ભારત અને અમેરિકાના સંબંધો એક નવી ઊંચાઈ પર હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here