કોરોના વૈશ્વિક સ્તરે માનસિક બીમારીઓનું જોખમ વધારશે

ન્યુ યોર્કઃ અમેરિકામાં ૨૪ કલાકમાં ૧૮૧૩ લોકોનાં મોત નીપજ્યાં છે અને નવા ૨૧,૭૧૨ લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. અમેરિકામાં હાલમાં કોરોનાનો કુલ આંકડો ૧૪,૩૦,૩૪૮ પર પહોંચી ગયો છે. બુધવાર સુધીમાં અહીં કુલ ૮૫,૧૯૭ લોકોએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. દેશનું સૌથી અસરગ્રસ્ત રાજ્ય ન્યુ યોર્ક છે, જયાં કોરોનાના ૩.૫ લાખથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ૨૭,૦૦૦ લોકોનાં મોત નીપજ્યાં છે. બીજી તરફ અમેરિકામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ લોકડાઉનને દૂર કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે તે ચેપી એન્થોની ફોસીના પક્ષમાં નથી. ફોસીએ કહ્યું હતું કે અમેરિકામાં અર્થવ્યવસ્થા ખોલીને ચેપનું જોખમ વધી શકે છે. ટ્રમ્પે કહ્યું કે હું તેમની સાથે સહમત નથી.
અમેરિકાએ પોતાની પરીક્ષણની ક્ષમતામાં વધારો કર્યો છે. અહીં ટૂંક સમયમાં એક કરોડના પરીક્ષણ કરવામાં આવશે. ટ્રમ્પે બુધવારે કહ્યું કે, અમે ૧ કરોડ પરીક્ષણો કરવાની ખૂબ નજીક છીએ અને તે થોડા દિવસોમાં પૂર્ણ કરીશું.
વિશ્વમાં અત્યાર સુધીમાં ૪૪,૨૮,૨૩૬ લોકોને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે. ૧૬,૫૭,૯૦૫ લોકો આ ચેપમાંથી સાજા થયા છે. તે જ સમયે વૈશ્વિક મૃત્યુઆંક ત્રણ લાખની નજીક પહોંચી ગયો છે.
ઇટલીની વાત કરીએ તો ઇટલીમાં અત્યાર સુધીમાં ૩૧ હજાર લોકોએ કોરોનાના ચેપથી પોતાનો જીવ ગુમાવ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રિટન પછી ઇટલીમાં મોતનું પ્રમાણ સૌથી વધુ છે. તે જ સમયે, અહીં કોરોનાના ચેપની કુલ સંખ્યા ૨,૨૨,૧૦૪ પર પહોંચી ગઇ છે. બુધવારે અહીં ૧૯૫ લોકોનાં મોત નીપજ્યાં હતા. ઇટલીની સરકારે ગુરુવારે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા ૫૯.૬ અબજ ડોલરના આર્થિક પેકેજની દરખાસ્ત પસાર કરી. વડા પ્રધાન જ્યુસેપ્પી કોન્ઝે કહ્યું હતું કે, આ નાણાકીય પેકેજ બે બજેટની ઘોષણા સમાન છે. અમે જાણીએ છીએ કે દેશ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો. એપ્રિલના અંતમાં તેની ઘોષણા કરવામાં આવી હતી, પરંતુ ગઠબંધન ભાગીદારોમાં ચાલી રહેલા તણાવને કારણે તેમાં વિલંબ થયો હતો.
રશિયા કે જેણે પાછલા અઠવાડિયાથી કોરોનાના કેસની સંખ્યામાં મોટો ઉછાળો નોંધાવ્યો હતો, ત્યાં મોસ્કો શહેરમાં પાછલા ૨૪ કલાકમાં ૫૮ લોકોના મોત થયા છે. અહીં મૃતકોની સંખ્યા વધીને ૧૨૯૦ થઈ ગઈ છે. ગુરુવારે મોસ્કોના કોરોનાવાઇરસના વિભાગે આ માહિતી આપી હતી. રશિયામાં આ રોગથી કુલ ૨,૪૨,૨૭૧ લોકોને ચેપ લાગ્યો છે. દેશમાં મૃત્યુની સંખ્યા ૨૨૦૦ પર પહોંચી ગઈ છે, જ્યારે ૪૮,૦૦૦ દર્દીઓ સ્વસ્થ થયા છે. મેક્સિકોમાં કોરોનાના કુલ ૩૮,૩૨૪ કેસ અને ૩૯૨૬ લોકોનાં મોતની પુષ્ટિ થઈ હોવા છતાં ૧૮ મેથી લોકડાઉનમાં હળવાશ મૂકવાની યોજનાઓ સરકાર વિચારી રહી છે. બ્રાઝિલ જેવા દેશમાં કોરોનાથી થતા મોતનો આંકડો ૧૩ હજારથી વધી ગયો છે. અહીં કોરોનાના ચેપથી ૨૪ કલાકમાં ૭૪૯ લોકોનાં મોત નીપજ્યાં છે. હવે તે કોરોનાથી વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ બન્યો છે. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્રએ ચેતવણી આપી છે કે રોગચાળો વૈશ્વિક સ્તરે માનસિક બીમારીઓનું જોખમ વધારશે. જનરલ સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે વિશ્વના તમામ દેશોની સરકારો, સંસ્થાઓ અને મનોવૈજ્ઞાનિકોને આ સમસ્યાઓનો સામનો કરવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.