૩૦૦૦ વર્ષ જૂનું મમી તાબૂતમાંથી નીકળી બોલવા લાગ્યું…

 

નવી દિલ્હીઃ પિરામિડનાં રહસ્યો પર બનેલી હોલિવૂડની અનેક ફિલ્મોમાં મમી પોતાના તાબૂતમાંથી બહાર આવે છે, તે બોલે છે, હલનચલન પણ કરે છે એવું બતાવાય છે. કપડામાં લપેટાયેલા મમીનો અવાજ પણ રૂંવાડાં ઊભાં કરી દે એવો હોય છે, પરંતુ હવે ફિલ્મી મમી નહિ, પરંતુ અસલી મમી પણ બોલવા લાગ્યું છે. મિસરના ૩૦૦૦ વર્ષ જૂના એક મમીને ફરીથી બોલતા સાંભળવામાં આવ્યું છે. ૩૦૦૦ વર્ષ પહેલાં તે માણસ જીવંતપણે જેવો બોલતો હતો એવો જ ફરીથી બોલવા લાગ્યો.

આ મમીનું નામ નેસ્યામુ છે. ૩૦૦૦ વર્ષ પહેલાં મિસરના એક પ્રાચીન શહેરમાં નેસ્યામુ નામનો એક પૂજારી હતો. તેના મોત બાદ મિસરના પ્રાચીન લોકો પોતાની પરંપરાનું પાલન કરીને તેનું મમી બનાવ્યું હતું. ૧૮મી શતાબ્દીમાં નેસ્યામુનું મમી લંડનના લીડ્સ સિટી મ્યુઝિયમમાં લાવવામા આવ્યું હતું. 

હજારો વર્ષ પહેલાં નેસ્યામુનું મમીનાં જીભ અને તાળવું સડી ગયાં હતાં. જોકે તેના કંઠમાં રહેલા સ્વર તંત્રના ઉત્તક એકદમ સુરક્ષિત હતા. આ માલૂમ પડવા પર વૈજ્ઞાનિકોએ નેસ્યામુને ફરીથી અવાજ આપવાનો નિર્ણય કર્યો હતો. વૈજ્ઞાનિક રિપોર્ટ અનુસાર, બ્રિટનની એક લેબોરેટરીમાં વૈજ્ઞાનિકોએ ૩-ડી પ્રિન્ટિંગને ટેક્નિક, કોમ્પ્યુટર અને લાઉડ-સ્પીકરની મદદથી ૩૦૦૦ વર્ષ પહેલાં મરી ચૂકેલા પૂજારી નેસ્યામુને અવાજ આપવા સફળતા મળી હતી. આમ, લોકોને ૩૦૦૦ વર્ષ પહેલાંની વ્યક્તિનો અવાજ સાંભળવા મળ્યો હતો. 

આ માટે સિટી સ્કેન અને ૩ડી ટેક્નિકની મદદથી મમીના સ્વરતંત્રનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. આ ૩ડી મોડલને એક લાઉડ-સ્પીકર સાથે જોડી દેવામાં આવ્યું છે. આ મોડલથી એક વૈજ્ઞાનિક ઉપકરણની મદદથી ધ્વનિ તરંગોમાંથી પસાર કરવામાં આવ્યું. મમીના સ્વરતંત્રના મોડલથી જ્યારે એ ધ્વનિતરંગ પસાર થયો તો એમાંથી નેસ્યામુના બોલવાનો અવાજ આવ્યો.

વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે ૩ડી મોડલથી એવો જ અવાજ પેદા થયો, જેવો ૩૦૦૦ વર્ષ પહેલાં એ મમીના સ્વામી પૂજારી નેસ્યામુનો હતો. જોકે આ અવાજ હજી સ્પષ્ટ નથી. ૩ડી મોડલથી અવાજ ઇઇઇઇ… એવું સાંભળવા મળ્યું હતું. નેસ્યામુના મમીના સ્વરતંત્રના મોડલે માત્ર આટલા જ શબ્દો કહ્યા છે. આવું એટલા માટે થયું, કારણ કે નેસ્યામુના મમીમાંથી જીભ પણ ગાયબ હતી. જો જીભ હોત તો વૈજ્ઞાનિકો અવાજને શબ્દોમાં ઢાળી શક્યા હતો, પરંતુ હાલ તો જે અવાજ આવ્યો છે એ ૩૦૦૦ વર્ષ પહેલાં નેસ્યામુનો હતો એવો જ છે. આમ, વૈજ્ઞાનિકો આ મામલાને મોટી સફળતા માને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here