સ્વીડન અને ફિનલેન્ડ માઇનસ 40 ડિગ્રી તાપમાનમાં થીજી ગયા : હિમપવનની ચેતવણી

હેલસિન્કી: સ્વીડન અને ફિનલેન્ડ માઇનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં રીતસરના થીજી ગયા હતા.ઠંડી અને હિમવર્ષાના આ આક્રમણે સમગ્ર નોર્ડિક વિસ્તારને શીતનિંદ્રામાં મૂકી દીધો હોય તેવી સ્થિતિ છે. તેની સાથે નોર્વેમાં પણ બધા પ્રકારનો વાહનવ્યવહાર ઠપ થઈ ગયો છે. સ્વીડીશ ટ્રેન ઓપરેટરોએ પણ જણાવ્યું હતું કે ભારે હિમવર્ષાના લીધે રેલ્વે ટ્રાફિક પર અસર પડી છે. સ્વીડિશ જાહેર પ્રસારણકાર એસવીટીએ જણાવ્યું હતું કે, ઉત્તરી સ્વીડનમાં મૂળ વસાહતીઓ સામી જાતિના વિસ્તારના ગામ નિક્કાલુકોટામાં તાપમાન માઇનસ ૪૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. એસવીટીના હવામાનશાસ્ત્રી નીલ્સ હોલ્મક્વિસ્ટે જણાવ્યું હતું કે, આ ગામમાં નોંધાયેલું તાપમાન શિયાળામાં અત્યાર સુધીમાં નોંધાયેલું નીચામાં નીચું તાપમાન છે. ઉત્તરમાં હજી પણ આવું વિષમ હવામાન થોડા દિવસો સુધી ચાલુ રહે તેમ માનવામાં આવે છે. સ્વીડીશ મટીરિયોલોજિકલ એન્ડ હાઇટ્રોલોજિકલ ઇન્સ્ટિટયુટે ઉત્તરી સ્વીડનના કેટલાય સ્થળોએ માઇનસ ૩૦ ડિગ્રી તાપમાન નોંધ્યું છે. તેની સાથે સેન્ટ્રલ અને સાઉથ સ્વીડમાં હિમપવન ફૂંકાવવાની પણ ચેતવણી જારી કરવામાં આવી છે. પડોશી દેશ ફિનલેન્ડમાં શિયાળાની ઠંડાના રેકોર્ડમાં જોઈએ તો ઉત્તરપશ્ચિમી શહેર લિવિએસ્કામાં માઇનસ ૩૭.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ આ સપ્તાહમાં તાપમાન માઇનસ ૪૦ ડિગ્રી સુધી જઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here