સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ નવી ચેતના,  નવા જોમ, નવી શક્તિનો ઉદ્દીપક બન્યો છે

0
1335

 

મોઢેરાઃ અનેકતામાં એકતાની આપણી ભારતીય સંસ્કૃતિ તો પહેલેથી જ સૂર્ય તથા દેવી-દેવતાઓનાં માધ્યમથી પરસ્પર જોડાયેલી છે. અનેક ભાષા-પ્રાંત-બોલીઓ, પહેરવેશ અને સંસ્કૃતિ હોવા છતાં એક ભારત શ્રેષ્ઠ ભારત એ જ ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે, એવું મોઢેરા સૂર્યમંદિર પરિસર સમીપે આયોજિત ઉત્તરાર્ધ મહોત્સવનો આરંભ કરાવતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું. અંબાજીથી સન સોલ અને દ્વારકાથી દિબ્રુગઢ સુધીના ભારતનાં બધાં જ પ્રાંત-પ્રદેશો-રાજ્યો એકબીજાં સાથે સાંસ્કૃતિક તાદાત્મ્યથી જોડાયેલાં છે એવું જણાવીને તેમણે કહ્યું હતું કે પશ્ચિમ ભારતના આ મોઢેરા સૂર્યમંદિરના ઉત્તરાર્ધ જેમ પૂર્વમાં કોણાર્ક સૂર્યમંદિરમાં ડાન્સ ફેસ્ટિવલ યોજાય છે. શક્તિ સ્વરૂપા  આદ્યશક્તિનો ઉત્સવ નવરાત્રિ ગુજરાતની વૈશ્વિક ઓળખ છે તો બંગાળની દુર્ગાપૂજા શક્તિ આરાધનાનો સમન્વયકારી ઉત્સવ છે. પોરબંદરના મોહનદાસ ગાંધી મહાત્માનું બિરુદ પણ બિહારના ચંપારણ્ય સત્યાગ્રહે અપાવેલું છે. દ્વારિકાના મોહનના અરુણાચલ પ્રદેશના રુક્મિણીવિવાહ પણ એ ઐતિહાસિક ધરોહરના ઉત્તમ ઉદાહરણ છે. તેમણે જણાવ્યું હતું કે આધુનિક અને વિકસતા યુગમાં સૂર્યઉપાસના માટે સૂર્યશક્તિના મહત્તમ વિનિયોગ માટે સૌર ઊર્જા સોલર એનર્જીનું હબ હવે ગુજરાત બન્યું છે અને એ સૂર્યપ્રકાશને સૌર ઊર્જા સોલર એનર્જીમાં રૂપાંતરિત કરીને ગુજરાતે બિનપરંપરાગત સ્રોત વિકસાવ્યા છે. આ જિલ્લાની સમીપે આવેલું ચારણકા તો એશિયાના સૌથી મોટા સોલર પાર્કનું ગૌરવ ધરાવે છે એમ તેમણે ઉમેર્યું હતું. સૌરઊર્જા એટલે કે સૂર્યની શક્તિઓથી માનવજીવનમાં ઋતુચક્ર મુજબ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ઊર્જાનો સંપર્ક પણ થતો હોય છે એવું જણાવી તેમણે કહ્યું હતું કે શિયાળાની ઠંડીમાં સૂર્યનાં કિરણોનો સ્પર્શ તાજગી સાથે હૂંફનો પણ અહેસાસ કરાવે છે. ઉત્તરાયણ પછી સૂર્યનારાયણ જ્યારે ઉત્તર તરફ પ્રયાણ કરે ત્યારે શિયાળાના અંત અને વસંતના  આરંભની શરૂઆત ઉત્સવરૂપે નવી ચેતનાનો અનુભવ આપણને કરાવે છે.

સૂર્યમંદિરના પરિસરમાં ઉત્તરાર્ધ નૃત્ય ઉત્સવ પણ એવી જ નવી ચેતના-નવા જોમ, નવી શક્તિનો ઉદ્દીપક બન્યો છે. ગુર્જરધરા પહેલેથી જ નસીબવંતી ધરા છે એવું કહી તેમણે જણાવ્યું હતું કે રાજવીવંશ તરફથી એક એકથી ચડિયાતાં અજોડ અને બેજોડ સ્થાપત્યો, શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ નજરાણાં મળ્યાં છે. મુનસર તળાવ, મલાવ તળાવ, બિંદુ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ, રૂદ્ર મહાલય જેવાં અનેક ઐતિહાસિક સ્થાપત્યો છે. સલ્તનત યુગમાં આપણને સરખેજ રોજા, જામા મસ્જિદ, ચાંપાનેરનાં અમૂલ્ય સ્થાપત્યો મળ્યાં અને આ સ્થળોએ ગુજરાતના ઇતિહાસમાં આગવું સ્થાન મેળવ્યું છે. ઉત્તરાર્ધ ઉત્સવમાં વિજય રૂપાણીએ મુંબઈનાં કલાગુરુઓ સુધા ચંદ્રન, (ભરત નાટ્યમ્), ગ્રેસીસિંઘ (ઓડીસી), વિનીતા શ્રીનંદન (મોહિનીઅટ્ટમ) અને આંધ્રપ્રદેશના કે. વી. સત્યનારાયણ (કુચીપુડી બેલે)નું સાલ ઓઢાડી અને સ્મૃતિચિહ્ન આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિના મંત્રી ઈશ્વરભાઈ પટેલ, અગ્ર સચિવ સી. વી. સોમ, ધારાસભ્યો, મહેસાણા જિલ્લા કલેક્ટર એચ. કે. પટેલ સહિત નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.