ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ ગેમ્સનું ઉદ્ઘાટનઃ 71 દેશોના 4500 ખેલાડીઓ

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટ શહેરમાં 21મી કોમનવેલ્થ ગેમ્સનો રંગારંગ અને સંગીતમય સમારંભમાં પ્રારંભ થયો હતો. ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માર્ક ટર્નબુલ સહિત કોમનવેલ્થના સભ્યો આ પ્રસંગે હાજર રહ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રાચીન સંસ્કૃતિથી માંડીને કલાત્મક ઝાંખી રજૂ કરી હતી. જાણીતા વિવિધ પરફોર્મર્સે ગીત-સંગીતની રજૂઆત કરી હતી. લાઇટિંગ અને આતશબાજીના સમન્વયના કારણે નયનરમ્ય દશ્યો સર્જાયાં હતાં. કોમનવેલ્થ ગેમ્સના સભ્યદેશો અને ખેલાડીઓ પોતાના રાષ્ટ્રધ્વજની આગેવાનીમાં સ્ટેડિયમમાં આવ્યા હતા. રિયો ઓલિમ્પિકની સિલ્વર મેડલિસ્ટ બેડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુએ તિરંગા સાથે ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું. પ્રિન્સ ચાર્લ્સે ગેમ્સને ખુલ્લી મૂકવાની જાહેરાત કરી હતી. પરેડ ઓફ નેશન્સમાં કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહેલા તમામ 71 દેશોના ખેલાડીઓ જોવા મળ્યા હતા. આગામી 15મી એપ્રિલ સુધી ભારતના 218 એથ્લીટ્સ 19 ગેમ્સમાં મેડલ માટે રમશે. કોમનવેલ્થ ગેમ્સમાં 71 દેશોના 4500થી વધુ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. વિવિધ 19 રમતોમાં 275 સ્પર્ધા યોજાશે. સૌથી મોટી 474 ખેલાડીઓની ઓસ્ટ્રેલિયાની ટીમ છે. કોમનવેલ્થ ગેમ્સની 12.4 લાખ ટિકિટ વેચાઈ ગઈ છે.