શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ડલાસમાં જન્માષ્ટમી ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી

ડલાસઃ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ યુએસએ – ડલાસ દ્વારા જન્માષ્ટમી ઉત્સવની અતિ ભક્તિભાવ-પૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુરુકુળનું નવું બિલ્ડિંગ બન્યા પછી આ પહેલો ઉત્સવ હતો. એટલે બધા હરિભક્તોમાં ભારે ઉત્સાહ હતા. આ ઉત્સવના પ્રારંભમાં બાલ સંસ્કાર ક્લાસનાં બાળકો શિવમ્ શેલડિયા, માનત બાબરિયા વગેરેએ જન્માષ્ટમીનાં કીર્તનોનું ગાન કર્યું હતું. ભગવતચરણ સ્વામી અને હરિનિવાસ સ્વામીએ કૃષ્ણ જનમોત્સવ પર પ્રવચન આપી ભગવાનની વિશેષ ભક્તિ કરવા પ્રેરિત કર્યા હતા. ત્યાગવલ્લભ સ્વામીએ આ પ્રસંગે આશીર્વચન આપ્યાં હતાં.
બાલ સંસ્કાર વર્ગોનાં બાળકોએ શ્રીકૃષ્ણપ્રાગટ્ય, કાલીનાગ વધ અને કંસ પરાજય વિશે 25 મિનિટની અદ્ભુત નૃત્યનાટિકા પ્રસ્તુત કરીને પ્રેક્ષકોને અભિભૂત કરી દીધા હતા. આજે બાલ સંસ્કાર વર્ગનો પહેલો દિવસ હતો.
નવા શૈક્ષણિક વર્ષ માટે આશરે 100 બાળકોની નોંધણી થઈ હતી. પ્રથમ વાર ગુરુકુલ આવેલાં ઘણાં માતાપિતાએ તેમનાં બાળકોને બાલ સંસ્કાર વર્ગમાં પ્રવેશ અપાવવા માટે રસ દર્શાવ્યો હતો. આશરે 750 હરિભક્તો સત્સંગ સભામાં જોડાયા હતા અને પ્રસાદનો લાભ લીધો હતો. ત્યાર પછી ભાવિક ભક્તોએ રાસનો પણ આનંદ માણ્યો હતો.
યુવા ટીમના શ્યામ ગજેરાએ ફૂડ ડ્રાઇવ અને હેલોવિન ફેસ્ટિવલ માટેની ભવિષ્યની યોજના ઉપર રજૂઆત કરી હતી.
અજયભાઈ શેલડિયા, જયમીનભાઈ પટેલ, નિશાંતભાઈ પટેલ, મુકેશભાઈ બાબરિયા, પરેશભાઈ કાનપરિયા વગેરે ભક્તોએ પાર્કિંગ વિભાગમાં તેમની સેવાઓ પૂરી પાડી હતી. વરસતા વરસાદમાં ખુલ્લામાં સેવા કરી તેમણે બધાનો રાજીપો જીતી લીધો હતો.
રીશી વીરાણી, જિજ્ઞેશ માંગરોલિયા, ચિંતન વોરા, શ્રેયાંશ સાકરિયા અને પાર્થ મીરાની છોકરાઓના વર્ગો માટે તેમની સેવાઓ પૂરી પાડે છે. નિમિષા વીરાણી, અમી પટેલ, ચારુલ પટેલ, દીક્ષા ઝીંઝુવાડિયા, નિકિતા ખેર, કલ્પના મીરાણી વગેરેએ કન્યા વર્ગો માટે તેમની સેવાઓ પૂરી પાડે હતી. ભક્તિ મહિલા મંડળના બહેનોએ ખંતપૂર્વક પૂરી બનાવવાની સેવા આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here