વિપક્ષી ગઠબંધન INDIAની નવી ટેગલાઈન ‘જીતશે ભારત’ બની શકે

બેંગલુરુઃ વિરોધ પક્ષોના ગઠબંધન ભારત માટેની ટેગલાઈન ‘જીતેગા ભારત’ બની શકે છે. આ પહેલા વિપક્ષી પાર્ટીઓએ તેમના ગઠબંધનનું નામ ‘INDIA’ જાહેર કર્યું હતું. આ ટેગલાઈન 2024ના લોકસભા પ્રચાર માટે પસંદ કરવામાં આવી શકે છે. આ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને લખ્યું કે, ‘ભારત જોડાશે, INDIA જીતશે’.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આ હિન્દી ટેગલાઈન અનેક પ્રાદેશિક ભાષાઓમાં બને તેવી શક્યતા છે. બે દિવસ પહેલા બેંગલુરુમાં બેઠક દરમિયાન ઘણા નેતાઓને લાગ્યું કે ગઠબંધનના નામમાં ‘ભારત’ શબ્દનો સમાવેશ થવો જોઈએ. એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આને ટેગલાઈનમાં સામેલ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સૂચવ્યું કે વિપક્ષી ગઠબંધનની હિન્દી ટેગલાઇન હોવી જોઈએ. INDIAનું નામ ગઈકાલે બેંગલુરુમાં સમાપ્ત થયેલી બેઠક દરમિયાન નક્કી કરવામાં આવ્યું હતું.
વિપક્ષી દળોએ મળીને INDIA નામના નવા ગઠબંધનની જાહેરાત કરી દીધી છે. ત્યારે NDAએ પણ તેનું શક્તિ પ્રદર્શન કરી દીધું છે. આ દરમિયાન એવા ઘણાં મોટા પક્ષો છે જેમણે હજુ સુધી આ બંને ગઠબંધનમાંથી કોઈને સમર્થન જાહેર કર્યું નથી. તેમાં માયાવતીની બહુજન સમાજ પાર્ટી (BSP) પણ સામેલ છે. આ દરમિયાન માયાવતીએ તેમનું વલણ સ્પષ્ટ કરી દીધું હોય તેમ કહી દીધું કે અમે રાજસ્થાન અને છત્તીસગઢમાં ચૂંટણી એકલા જ લડીશું. કોંગ્રેસ જાતિવાદી પક્ષો સાથે ગઠબંધન કરી રહી છે. અમે બંને ગઠબંધનના સમર્થનમાં નથી.
માયાવતીએ કહ્યું કે પંજાબ અને હરિયાણામાં અમારી પાર્ટી સાથી પક્ષો સાથે મળીને લડશે. બસપાએ લોકસભા ચૂંટણી પણ એકલા લડવાની જાહેરાત કરી દીધી છે. તેમણે કોંગ્રેસ સામે નિશાન તાકતાં કહ્યું કે તે ચૂંટણી જીત્યા બાદ તેના વાયદાઓની જેમ હવા હવાઈ થઈ જાય છે. વિપક્ષી ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો ચૂંટણી જીતવાના સપના જોઈ રહ્યા છે.
INDIA નામથી નારાજ નીતિશને મોટી ભેટ મળી શકે છે. વિપક્ષી દળોના ગઠબંધન INDIAની આગામી બેઠકમાં નીતિશ કુમારને સંયોજક બનાવવાની જાહેરાત થઈ શકે છે. સુત્રોમાંથી મળતા સમાચાર મુજબ નીતિશને સંયોજક બનાવવાની વાતને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ માટેની જાહેરાત મુંબઈમાં કરવામાં આવશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પણ કહ્યું છે કે 11 સભ્યોની કો-ઓર્ડિનેશન ટીમ બનાવવામાં આવશે, જેમાં એક સંયોજક હશે. બેંગલુરુમાં બે દિવસ વિરોધ પક્ષોની બીજી બેઠક યોજાઈ હતી, જેમાં 26 પક્ષોએ ભાગ લીધો હતો. આ પહેલા પટનામાં યોજાયેલી પ્રથમ બેઠકમાં 15 વિપક્ષી દળોએ ભાગ લીધો હતો.
નીતિશ કુમારને INDIA શબ્દ પર નહીં, પરંતુ ભારતમાં ડેમોક્રેટિક શબ્દ પર વાંધો હતો. વિપક્ષી દળોની બેઠકમાં તેમણે વાંધો ઉઠાવ્યો અને કહ્યું કે NDAમાં ડેમોક્રેટિક શબ્દ આવે છે, તેથી ડેમોક્રેટિકને બદલે વિકાસ શબ્દ રાખવો જોઈએ. લગભગ અડધો કલાક સુધી આ અંગે ચર્ચા ચાલી અને અંતે નીતિશના સૂચનને સ્વીકારવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ નીતિશ કુમારે NDA અક્ષરો ધરાવતા સંક્ષેપ પર પણ વાંધો ઉઠાવ્યો હતો. ડાબેરી નેતાઓ પણ ખચકાયા હતા અને અનેક વિકલ્પો સૂચવ્યા હતા ત્યારે મોટાભાગના પક્ષોએ INDIA નામને મંજૂરી આપી હતી, તેથી નીતીશ કુમારે તેને સ્વીકાર્યું હોવાનું કહેવાય છે. બિહારના મુખ્યમંત્રીએ કહ્યું, ઠીક છે જો તમે બધા તેની સાથે સંમત છો તો INDIA ઠીક છે. વિપક્ષ ગઠબંધનનું આ INDIA નામ આપવાનો શ્રેય ઉદ્ધવ ઠાકરે, મમતા બેનર્જી અને રાહુલ ગાંધીને આપવામાં આવ્યો છે. નામ માટે તમામ વિપક્ષી નેતાઓ પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી ચીફ થોલ થિરુમાવલવને કહ્યું કે મમતા બેનર્જીએ નામ સૂચવ્યું હતું. વિપક્ષી ગઠબંધનનું નામ INDIA પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રસ્તાવિત કર્યું હતું. લાંબી ચર્ચાઓ બાદ તેને ‘ભારતીય રાષ્ટ્રીય લોકશાહી સર્વસમાવેશી જોડાણ’ કહેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here