વડાપ્રધાને ભોપાલમાં પાંચ નવી વંદે ભારત ટ્રેનની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભોપાલમાં રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી દેશની પાંચ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. પ્રધાનમંત્રીએ અગાઉ રાંચી-પટના, ધારવાડ-કેએસઆર, બેંગલુરુ અને ગોવા (મડગાંવ)-મુંબઈનું વર્ચ્યુઅલ લોન્ચ કર્યું હતું. ત્યારબાદ મધ્યપ્રદેશની બે વંદે ભારત ભોપાલ-ઈન્દોર અને રાણી કમલાપતિ-જબલપુર ટ્રેનોને લીલી ઝંડી બતાવી રવાના કરવામાં આવી હતી. આ બંને ટ્રેનો રાણી કમલાપતિ રેલવે સ્ટેશનથી એકસાથે રવાના થઈ હતી.
વડાપ્રધાન ભોપાલથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢની ચૂંટણી અને 2024ની લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરવા આવ્યા છે. ભોપાલના મોતીલાલ નહેરુ સ્ટેડિયમમાં મારું બૂથ, સૌથી મજબૂત અભિયાન હેઠળ 543 લોકસભાના 10 લાખ અને મધ્યપ્રદેશમાં 64,100 બૂથના કાર્યકરોને ડિજિટલી સંબોધન કર્યું હતું. રાજ્યના તમામ વિધાનસભા વિસ્તારોમાંથી હજારો કાર્યકરો હાજર રહ્યા હતા.
વડાપ્રધાને ‘મારું બૂથ-સૌથી મજબૂત’માં પાર્ટીના એક કાર્યકરના સવાલના જવાબમાં કહ્યું, આંગણવાડીમાં જન્મદિવસની ઉજવણી કરો, પિતાજીની પુણ્યતિથિ પણ આંગણવાડીમાં મનાવો, લગ્નની વર્ષગાંઠ પણ આંગણવાડીમાં ઊજવોે, ઘરેથી ખાવાનું બનાવીને આ બાળકોને ખવડાવો. આનાથી તમે તેનો આનંદ માણશો અને આ બાળકોનું કુપોષણ પણ દૂર થશે.
‘મારું બૂથ, સૌથી મજબૂત’ના મંચ પરથી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, અમે ભાગ્યશાળી છીએ કે અમે ભારતમાં જન્મ લીધો છે અને એવા સમયે ભાજપના કાર્યકર્તા છીએ જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નેતૃત્વ કરી રહ્યા છે. મોદી નામ એક મંત્ર બની ગયો છે. આજે દરેક દેશ આ મંત્રનો જાપ કરી રહ્યો છે. ઊભરતા ભાજપને વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બનાવવામાં કાર્યકરોની ભૂમિકા સૌથી મોટી છે.
આ આધુનિક વંદે ભારત ટ્રેનની કનેક્ટિવિટી માટે હું મધ્યપ્રદેશ, ઝારખંડ, બિહાર, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રના લોકોને અભિનંદન આપું છું. મધ્યપ્રદેશને ખાસ અભિનંદન. અહીં એકસાથે બે વંદે ભારત ટ્રેન મળી આવી છે. અત્યાર સુધી મુસાફરો ભોપાલ અને દિલ્હી વચ્ચે વંદે ભારતની યાત્રાનો આનંદ માણી રહ્યા હતા. હવે ભોપાલથી ઈન્દોર અને રાણી કમલાપતિથી જબલપુરની સફર ઝડપી, આધુનિક અને સુવિધાજનક હશે.
વડાપ્રધાને કહ્યું, ‘ભાજપની સૌથી મોટી તાકાત કાર્યકર્તાઓ છે. તમે માત્ર ભાજપ જ નથી, તમે માત્ર એક પક્ષ જ નથી, દેશના સંકલ્પોની સિદ્ધિ માટે તમે મજબૂત સૈનિક પણ છો. ભાજપ સાશનને નવ વર્ષ પૂરાં થવા પર દેશભરમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તમે કરેલી મહેનતની માહિતી સતત મારા સુધી પહોંચી રહી છે. જ્યારે, અમેરિકા અને ઇજિપ્તમાં હતો ત્યારે પણ માહિતી મળતી રહી હતી. તેથી જ ત્યાંથી મારા આગમન પર તમને સૌ પ્રથમ મળવાનું મારા માટે વધુ સુખદ અને આનંદદાયક છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંચ પર કહ્યું કે તેઓ આજે કાર્યકરોના પ્રશ્નોના જવાબ આપશે, ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા અને રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું, ‘જ્યારે પાર્ટીની વાત આવે છે ત્યારે વડાપ્રધાન ક્યારેય અમને સમય આપવાનો ઇનકાર કરતા નથી. તેઓ કુશળ વહીવટકર્તાની સાથે સંસ્થાના સારા આયોજક પણ છે. પક્ષ અને દેશને વિશ્વના નકશા પર મૂકવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. નડ્ડાએ કહ્યું, ‘અમે દરેક લોકસભામાં 100 બૂથ અને દરેક વિધાનસભામાં 25 બૂથ લીધા જ્યાં અમે નબળા હતા. આ બૂથના સશક્તિકરણનો વિચાર પણ વડાપ્રધાન પાસેથી આવ્યો હતો. નડ્ડાએ કહ્યું, ‘આજે ભારત બ્રિટનને પછાડીને 5 નંબરનું અર્થતંત્ર બની ગયું છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારતની અર્થવ્યવસ્થા મજબૂત બની છે. ઈન્ટરનેશનલ મોન્ટેરી ફંડ જણાવે છે કે ભારતની ગરીબી 22 ટકાથી ઘટીને 10 ટકા થઈ ગઈ છે. અત્યંત ગરીબી ઘટીને 1 ટકા કરતાં પણ ઓછી થઈ ગઈ છે.’ નડ્ડાએ ઉજ્જ્વલા યોજના, આયુષ્માન યોજના, પ્રધાન મંત્રી આવાસ યોજના, પીએમ ગરીબ કલ્યાણ યોજના, અન્ન યોજના, કિસાન કલ્યાણ યોજનાનો ઉલ્લેખ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here