મુકેશ અંબાણીએ ગુજરાતની અરરવિંદ ફેશન કંપનીને ખરીદી લીધી

અમદાવાદઃ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી રિટેલ સેક્ટરમાં પોતાનો બિઝનેસ સતત વધારી રહ્યા છે. રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલ તેના પોર્ટફોલિયોમાં એક પછી એક કંપનીઓ ઉમેરી રહી છે. હવે અન્ય એક ફેશન કંપની અંબાણીની કીટીમાં જોડાવા જઈ રહી છે. તેના બ્યુટી બ્રાન્ડ ડિવિઝનને ખરીદવાની ડીલ પર મહોર મારવામાં આવી છે. અમદાવાદ સ્થિત લાલભાઈ પરિવારની પ્રમોટ થયેલી કંપની અરવિંદ ફેશને તેના સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં આ અંગેની માહિતી શેર કરી છે. અરવિંદ ફેશન દ્વારા શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં એવું કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની કંપનીના બ્યુટી પ્રોડક્ટ્સ વિભાગ સેફોરાનો સંપૂર્ણ હિસ્સો રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રિલાયન્સ બ્યુટી એન્ડ પર્સનલ કેર લિમિટેડને વેચવા અને ટ્રાન્સફર કરવા માટે સંમત થયા છે. આ અંગેના કરાર થઇ ગયા છે. આ કરાર વિશે માહિતી શેર કરતી વખતે, ફેશન કંપની અરવિંદ ફેશને કહ્યું છે કે આ ડીલની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ થયા પછી, અરવિંદ બ્યુટી બ્રાન્ડ્સ રિટેલ તેમની કંપની નહીં રહે. કંપની દ્વારા ફાઇલિંગમાં આ ડીલની રકમનો પણ ખુલાસો કરવામાં આવ્યો છે. અરવિંદ ફેશનના જણાવ્યા અનુસાર, કંપનીના બ્યુટી પ્રોડક્ટ્સ વિભાગનો સમગ્ર ઇક્વિટી હિસ્સો મુકેશ અંબાણીની રિલાયન્સ રિટેલ દ્વારા રૂ. 99.02 કરોડ અથવા $11.89 મિલિયનમાં ખરીદવામાં આવશે. નાણાકીય વર્ષ 2022-23માં અરવિંદ બ્યુટી બ્રાન્ડ્સ રિટેલનું ટર્નઓવર રૂ. 336.70 કરોડ હતું. અરવિંદ ફેશનની કુલ આવકમાં બ્યુટી સેગમેન્ટ બિઝનેસનો ફાળો 7.60 ટકા હતો. અરવિંદ ફેશનની બ્યુટી બ્રાન્ડ્સને રિલાયન્સ દ્વારા ખરીદી લેવામાં આવી હોવાના સમાચાર વહેતા થયા હતા. આ ખરીદીના સમાચારને કારણે તેના શેરમાં ઉછાળો આવ્યો હતો.નોંધનીય છે કે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી રિલાયન્સ રિટેલની ડિરેક્ટર છે અને તેમના નેતૃત્વમાં કંપનીનો બિઝનેસ સતત વધી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here