ભારત-યુએઈ વચ્ચે મજબૂત સંબંધોઃ પ્રધાનમંત્રી મોદીએ બિઝનેશ ડીલ પર હસ્તાક્ષર કર્યા

યુએઈઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુએઈની આ 7મી મુલાકાત હતી. ભારતે UAE સાથે ખૂબ જ મજબૂત સંબંધો વિકસાવ્યા છે. UAE ભારત માટે ખાસ કરીને આર્થિક રીતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં પ્રધાનમંત્રીની આ UAE મુલાકાત ઘણું મહત્વ ધરાવે છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE)એ દ્વિપક્ષીય રોકાણ કરાર અને પ્રાદેશિક જોડાણને પ્રોત્સાહન આપવા માટે એક ફ્રેમવર્ક ડીલ સહિત આઠ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.
ભારતના વિદેશ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર બંને નેતાઓએ આઠ કરારો પર હસ્તાક્ષર કર્યા હતા, જેમાંથી પ્રથમ દ્વિપક્ષીય રોકાણ કરાર છે. ભારત તરફથી જણાવાયું કે આ કરાર બંને દેશોમાં રોકાણને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ભારતનો ચોથો સૌથી મોટો વિદેશી રોકાણકાર સંયુક્ત આરબ અમીરાત છે અને બંને દેશો વચ્ચે 2016થી રોકાણ કરાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. મે 2022માં, UAE સાથે ભારતનો વ્યાપક આર્થિક કરાર અમલમાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર અપાયું. સંયુક્ત અરબ અમીરાત (UAE)ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહ્યાને વડાપ્રધાન મોદીને ગળે લગાવી સ્વાગત કર્યું હતું. ભારતના UPIનો ડંકો વાગી રહ્યો છે. ત્યારે હવે UAEમાં પણ UPI RuPay કાર્ડ પેમેન્ટ થઈ શકશે. વડાપ્રધાને યુએઈ પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ અલ નાહ્યાન સાથે ત્યાં UPI અને RuPay કાર્ડ લોન્ચ કર્યું હતું. બંને પક્ષોએ ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર પર ભારત અને યુએઈ વચ્ચે આંતર-સરકારી ફ્રેમવર્ક કરાર પર પણ હસ્તાક્ષર કર્યા હતા જે પ્રાદેશિક જોડાણને આગળ વધારવામાં સહકારને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત, તેઓએ ઉર્જા સુરક્ષાને મજબૂત કરવાના હેતુથી ઇલેક્ટ્રિકલ ઇન્ટરકનેક્શન અને વેપાર આધારિત એમઓયુ પર પણ હસ્તાક્ષર કર્યા. બંને નેતાઓની વાતચીત દરમિયાન ઊર્જા ભાગીદારીને મજબૂત કરવાના મહત્વ પર ભાર મૂકાયો હતો. આ ઉપરાંત ડિજિટલ પબ્લિક ઈન્ફ્રા, ફાઈનાન્સિયલ પેમેન્ટ સહિતના પાંચ કરાર કરવામાં આવ્યા હતા.
રોકાણ મંત્રી મોહમ્મદ હસન અલસુવૈદીએ ભારતીય વડા પ્રધાનની મુલાકાતના પ્રસંગે જણાવ્યું હતું કે એપ્રિલ 2022થી માર્ચ 2023ના સમયગાળા દરમિયાન UAE અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વેપારનું પ્રમાણ 84.5 બિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે. વર્ષ 2027 સુધીમાં તે વધીને 100 અબજ ડોલર થવાની ધારણા છે. ખાસ વાત એ છે કે UAE ભારતમાં સાતમું સૌથી મોટું રોકાણકાર છે. યુએઈના વિદેશ વ્યાપાર રાજ્ય મંત્રી ડો. થાની બિન અહેમદ અલ ઝાયોદીના જણાવ્યા અનુસાર, 2022ના આંકડા અનુસાર, બંને દેશો વચ્ચે બિન-તેલ વેપાર 51.4 બિલિયન ડોલરે પહોંચી ગયો હતો. જે 2021ની સરખામણીમાં 15 ટકા અને 2019ની સરખામણીમાં 24 ટકા વધુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here