બિહાર અને ઉત્તર પ્રદેશમાં શેલ્ટર હોમમાં યુવતીઓ પર બળાત્કાર, 18 ગુમ


બિહાર અને ઉત્તર પ્રદેશના શેલ્ટર હોમમાં સગીરાઓ પર થયેલા બળાત્કારના કેસ પછી ચારેબાજુ વિરોધ ઊભો થયો છે અને દેખાવો – પ્રદર્શનો થયાં છે. બિહારના પટનામાં મહિલાઓનાં વિવિધ જૂથો દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શન અને કૂચ કરવામાં આવી હતી. (ફોટોસૌજન્યઃ પીટીઆઇ)

દેવરિયા-લખનૌઃ બિહારમાં એક શેલ્ટર હોમમાં 35 યુવતીઓ પર બળાત્કાર થયાની ઘટનાએ સમગ્ર ભારતમાં મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. ભાજપશાસિત ઉત્તર પ્રદેશના એક શેલ્ટર હોમમાં 42 યુવતીઓ પર બળાત્કાર થયો હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. આ ઘટના ઉત્તર પ્રદેશના દેવરિયામાં આવેલા શેલ્ટર હોમમાં બની છે. સમગ્ર મામલો બહાર આવ્યા પછી આ શેલ્ટર હોમમાંથી યુવતીઓને છોડાવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં શેલ્ટર હોમ ચલાવતાં એક દંપતી સહિત ત્રણની ધરપકડ થઈ છે. આ શેલ્ટર હોમમાં રાખવામાં આવેલી 24 યુવતીઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે બાકીની 18 હજી ગુમ છે, જેની તપાસ ચાલી રહી છે. આ શેલ્ટર હોમમાં મોટા ભાગે સગીર યુવતીઓને જ રાખવામાં આવતી હતી. દસ વર્ષની બાળકી આ શેલ્ટર હોમમાંથી ભાગી છૂટવામાં સફળ થઈ હતી, જે નજીકના મહિલા પોલીસમથકમાં પહોંચી હતી અને પોલીસને આ તમામ માહિતી આપી હતી. આ બાળકીએ જણાવ્યું હતું કે આ શેલ્ટર હોમમાં ઘણી વાર મોટી ગાડીઓ આવતી હતી અને યુવતીઓને લઇ જવાતી હતી.
દરમિયાન બિહારના શેલ્ટર હોમમાં 34 સગીરા પર બળાત્કારના કેસ પછી બિહારનાં સામાજિક કલ્યાણમંત્રી મંજુ વર્માએ રાજીનામું આપ્યું છે. બિહારના મુઝફ્ફરનગરના શેલ્ટર હોમમાં પણ કિશોરીઓ પર બળાત્કારની ઘટના અંગે સુપ્રીમ કોર્ટે નીતિશ કુમાર સરકારની આકરી ઝાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે દેશમાં ચારેબાજુ જમણે, ડાબે અને મધ્યમાં કિશોરીઓ અને મહિલાઓ પર બળાત્કાર થઈ રહ્યા છે. દેશમાં દર કલાકે એક મહિલા બળાત્કારનો ભોગ બને છે. 2016માં ભારતમાં 38,947 મહિલા પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. દેશમાં વર્ષે 38 હજારથી વધુ બળાત્કાર થઈ રહ્યા છે અને સૌથી વધુ બળાત્કાર મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં થઈ રહ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here