ફોટોગ્રાફી એ મારા માટે લાગણીઓનું આલેખન છે!

 રતિલાલ બોરીસાગર

એક વાર યુનિવર્સિટીના પદવીદાન સમારંભમાં જવાનું થયું. અમારા એક શિક્ષણશાસ્ત્રી મિત્ર મારા પડોશી શ્રોતા હતા. અમારા આ મિત્ર જે-જે સભામાં જાય છે તે-તે સભાના પ્રમુખપદે પોતે જ હોવા જોઈતા હતા એમ માને અને અમારા જેવા મિત્રોને મનાવવા પ્રયત્ન પણ કરે; પરંતુ દુર્ભાગ્યે (જોકે શ્રોતાઓના સદ્ભાગ્યે) હજી સુધી સભાના આયોજકો એમની યોગ્યતા પ્રમાણી શક્યા નથી. એટલે એમને શ્રોતા તરીકે જ દરેક સભામાં જવું પડે છે, પણ એકાદ વાર એમને પ્રમુખ થવાની તક મળશે તો આજ સુધી સાંભળેલાં ભાષણોનું વેર એ વાળશે એવી અમને એમના મિત્રોને બીક છે.
તમને શું લાગે છે? પદવીદાન સમારંભની કાર્યવાહી શરૂ થઈ એટલે એમણે મને પૂછ્યું.
શેનું? ચીજવસ્તુના ભાવોનું? નહિ ઘટે. માણસોની જેમ ભાવોને પણ ઊંચે ગયા પછી નીચે આવવાનું ગમતું નથી.
અરે યાર! આ શિક્ષણના સમારંભમાં તમને ચીજવસ્તુઓ યાદ આવે છે? એમણે કહ્યું, હું શિક્ષણની વાત કરું છું. આપણા શિક્ષણનું શું થશે?
શિક્ષણનું જે થવાનું હતું તે થઈ ગયું. હવે એને વધુ ઈજા કોઈ પહોંચાડી શકે તેમ નથી. તમે જાણો છો ને કે જેનામાં પ્રાણ હોય એને જ ઈજા પહોંચાડી શકાય.

હું એ જ કહું છું. આપણું શિક્ષણ તદ્દન નકામું થઈ ગયું છે. ઉચ્ચશિક્ષણથી કશો લાભ નથી.
અમારા આ મિત્ર જેવો અભિપ્રાય ઘણાનો છે. જોકે સાવ એવું નથી. ઉચ્ચશિક્ષણથી પ્રોફેસરોને મોટા પગારનો લાભ થયો છે, ટ્યુશન ક્લાસવાળાઓને લાભ થયો છે; પરંતુ, ભણવાવાળાઓને ખાસ લાભ થયો નથી એવું ભણેલા કે અભણ સૌ કોઈ માને છે. આ દેશમાં ડિગ્રી અને નોકરીના વિચ્છેદની શરૂઆત સ્વાતંત્ર્યના પ્રાતઃકાળથી થઈ ગઈ હતી ને ધીરેધીરે ડિગ્રી અને નોકરીનો લગભગ રસપૂર્ણ વિચ્છેદ થઈ ગયો. ડિગ્રી હોય એટલે નોકરી મળે જ એવી કોઈ ગેરંટી નહિ અને જેવી ડિગ્રી હોય એવી નોકરી તો મોટા ભાગે મળે જ નહિ. એમ.એ. થયો હોય એ પ્રોફેસર પણ થાય અને પટાવાળો પણ થાય. પરિણામે ઉચ્ચશિક્ષણથી કશો લાભ નથી એવી માન્યતા દઢ થવા માંડી છે.
પણ ઉચ્ચશિક્ષણથી કશો લાભ નથી એ વાત સાવ સાચી નથી. ઉચ્ચશિક્ષણ કશું શીખવતું નથી એ વાત પણ સંપૂર્ણપણે સાચી નથી. ઉચ્ચશિક્ષણ ચિંતા કરતાં શીખવે છે. ઉચ્ચ પ્રકારની ચિંતા કરતાં શીખવે છે. અલબત્ત, ઉચ્ચશિક્ષણ લીધા પછી પ્રારંભમાં નોકરીની ચિંતા થાય છે અને નોકરીની ચિંતા ઉચ્ચ પ્રકારની ચિંતા ન ગણાય એ સાચું; પણ, નોકરી મળી ગયા પછી કે નોકરી નહિ જ મળે તેની ખાતરી થઈ ગયા પછી ઉચ્ચશિક્ષણ પામેલો માણસ દેશ અને દુનિયાના પ્રશ્નોની ચિંતા કરતો થઈ જાય છે. બિનસાંપ્રદાયિકતાની, લોકશાહીની, સ્થિર સરકારની, નિઃશસ્ત્રીકરણની, પર્યાવરણની કે વિશાંતિની ચિંતા ઉચ્ચશિક્ષણ પામેલા નાગરિકોને સતાવે છે. આવા નાગરિકો દેશ અને દુનિયાની ચિંતા કરવા સિવાય કશું નહિ કરનારા અથવા ખાસ કશું નહિ કરી શકનારા નાગરિકો-બૌદ્ધિકો તરીકે ઓળખાય છે. આવા બૌદ્ધિકો દેશ અને દુનિયાની સમસ્યાઓની ચિંતા કરે છે. આ સમસ્યાઓના કોઈ ઉકેલો એમની પાસે નથી હોતા. પણ તેથી શું? વિશ્વનાગરિક તરીકે વિશ્વના પ્રશ્નોની ચિંતા કરવી, ચર્ચાઓ દ્વારા આ ચિંતા પ્રગટ કરવી તે પણ નાનીસૂની વાત નથી. કોઈ વાર તો એમની ચિંતા પૃથ્વીલોક પૂરતી સીમિત ન રહેતાં, આકાશને પણ આંબી જાય છે.

અમારા એક પીએચ.ડી. થયેલા મિત્ર છે. થોડાં વરસ પહેલાંની વાત છે. એ વખતે એવી આગાહી થયેલી કે ધૂમકેતુનો ગુરુના ગ્રહ સાથે ભયંકર એક્સિડેન્ટ થશે અને જેમ ટેન્કર અને ટ્રક અથડાય એમાં કોઈ વખત નજીકથી મોટરનો પણ કચ્ચરઘાણ નીકળી જાય છે એ રીતે પૃથ્વીનો કચ્ચરઘાણ નીકળી જશે. આ આગાહી થયા પછીના એક-બે દિવસમાં આ મિત્ર મળ્યા. તેઓ એકદમ ઉદાસ હતા. મેં એમની, એમના પરિવારના સભ્યોની તબિયતના સમાચાર પૂછ્યા. તો કહે, તબિયત તો સૌની સારી છે, પણ હવે એનો શો અર્થ?
એટલે? એમની વાણીની ગૂઢતા હું પામી ન શક્યો.
જુઓ ને! આ ધૂમકેતુ ગુરુ પર તૂટી પડવાનો છે.
અહીં પૃથ્વી પરના શિષ્યો ગુરુ પર તૂટી પડે છે એ રીતે ખરું?
એમ નહિ, જોકે એમ જ. શિષ્યો ગુરુઓ પર તૂટી પડે છે ત્યારે કોલેજના બિલ્ડીંગનું, ઇલેક્ટ્રિકના થાંભલાનું, મ્યુનિસિપાલિટીની બસોનું આવી બને છે તેમ ધૂમકેતુ ગુરુ પર તૂટી પડશે ત્યારે પૃથ્વીનું આવી બનશે પૃથ્વીનો નાશ થઈ જશે.
પણ એમાં ચિંતા કર્યે શો ફાયદો?

ચિંતા તો થાય જ ને? મારે જગતને હજુ કેટલું પ્રદાન કરવાનું છે! મારો પીએચ.ડી.નો મહાનિબંધ પણ પ્રગટ કરવાનો બાકી છે.
આ પછી આગાહીમાં સુધારો બહાર પડ્યો. ધૂમકેતુ ગુરુ સાથે અથડાવાનો હતો એ તો નક્કી હતું, પણ હવે પૃથ્વીને કશું નહિ થાય તેની ખાતરી આપવામાં આવી હતી. આ વાંચીને હું તેમને મળ્યો. મને એમ હતું કે હવે તેઓ પ્રસન્ન હશે, પણ એમ નહોતું. તેઓ હજી ચિંતાતુર હતા. મેં એમની ચિંતાના પ્રયોજન વિશે પૂછ્યું તો કહે, ટ્રક આડી ફંટાઈને ફૂટપાથ પર ચડી ગઈ એવા સમાચાર તમે ઘણી વાર છાપામાં વાંચ્યા હશે. એ રીતે ધૂમકેતુ પોતાનો વિચાર બદલી, માર્ગાન્તર કરી, પૃથ્વી સાથે જ અથડાય એવું ન બને? એટલે ચિંતા કરવા માટે પૂરતાં કારણો છે.
આ પછી ધૂમકેતુનો ગુરુ સાથે અથડાવાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો, અને પૃથ્વી તદ્દન સહીસલામત રહી પણ અમારા મિત્રની ચિંતા હજી સાવ નિર્મૂળ થઈ નથી. હવે તેઓને ગુરુની ચિંતા થાય છે. એમની જન્મકુંડળીમાં ગુરુ ઘણો બળવાન છે. ધૂમકેતુ અથડાવાને કારણે ગુરુ નબળો પડેે અને પરિણામે પોતાના તરફ ગુરુ પૂરતું ધ્યાન નહિ આપી શકે એવી ચિંતા એમને થઈ રહી છે!

થોડા વર્ષો પહેલાં ભ્રષ્ટાચાર વિરોધી પરિસંવાદમાં એક બૌદ્ધિક હાજરી આપવા ગયા ત્યારે એમણે રેલવેના અધિકારીને લાંચ આપીને રિઝર્વેશન મેળવ્યું હતું. આ બરાબર કહેવાય કે કેમ તે અંગે મેં એમની સમક્ષ ચર્ચા છેડી તો કહે, અત્યારે ભ્રષ્ટાચાર વિરુદ્ધ યુદ્ધ છેડાઈ રહ્યું છે ત્યારે એવું બધું વિચારવાનું હોય નહિ! યુદ્ધમાં ને પ્રેમમાં બધું જ યોગ્ય છે!
ઉચ્ચશિક્ષણ આપણા બૌદ્ધિકોને વૈશ્વિક સ્તરની ચિંતાઓ કરતાં શીખવે છે એ તો ખરું જ; પણ, ઉચ્ચશિક્ષણ પોતાનાં ખોટાં વાણી-વર્તનનું જસ્ટિફિકેશન શોધી કાઢવાનું પણ શીખવે છે. ઉચ્ચશિક્ષણનું આ પ્રદાન કંઈ જેવું-તેવું ન ગણાય એમ હું માનું છું. તમે શું માનો છો?

ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય દ્વારા પ્રકાશિત લેખકના પુસ્તક ‘ૐ હાસ્યમ’માંથી સાભાર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here