કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા અહેમદ પટેલનું નિધનઃ રાજકીય નેતાઓની શ્રદ્ધાંજલિ

 

નવી દિલ્હી, અમદાવાદઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ૭૧ વર્ષીય એહમદ પટેલને એક મહિના અગાઉ કોરોના થયો હતો અને બાદમાં તેમની તબિયત લથડતા તેમને ગુડગાંવની મેદાન્તા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે પરોઢીયે ૩.૩૦ વાગે તેમનું દુઃખદ અવસાન થયું હતું.

અહેમદ પટેલના નિધનથી રાજનીતિએ લોકનેતા ગુમાવ્યા છે. જેઓને મળવા માટે ક્યારેય એપોઈન્ટમેન્ટની જરૂર ન પડતી તેવા દિગ્ગજ નેતાને કોંગ્રેસે ગુમાવ્યા છે. તેમના નિધન પર રાજકીય હસ્તીઓએ દુઃખ વ્યક્ત કર્યું છે. ગૃહ મંત્રી અમિત શાહ, દિગ્વીજયસિંહ, માયાવતી, ભૂપેશ બઘેલ, રણદીપ સૂરજેવાલા, ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિત દરેક રાજકીય પાર્ટીના નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના નિધન પર શોક વ્યક્ત કરતા લખ્યું કે, તેઓએ અનેક વર્ષો સુધી જનતાની સેવા કરી. તેઓ પોતાના તેજ દિમાગ માટે પ્રખ્યાત હતા. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના દીકરા ફૈઝલ સાથે વાત કરીને નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, અહેમદભાઈની આત્માને શાંતિ મળે. 

રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ અહેમદ પટેલના નિધન પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, તેઓ અમારા સહયોગી, પાર્ટીની મિલકત અને કોંગ્રેસ પાર્ટીના મજબૂત સ્તંભ હતા. પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે, અહેમદજી ન માત્ર બુદ્ધિમાન અને અનુભવી સહકર્મી હતા, પરંતુ તેઓ પાસેથી મેં અનેક સલાહ લીધી હતી. તેઓ એવા મિત્ર હતા, જેઓ અમારી પડખે દ્રઢતા, ઈમાનદારીથી અંત સુધી ઉભા રહ્યા હતા. તેમની આત્માને શાંતિ મળે.

રણદીપ સુરજેવાલાએ એક અલગ રીતે અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓએ લખ્યું કે, નિશબ્દ… જેઓએ દરેક નાના મોટા, દોસ્ત, સાથી, વિરોધી પણ, એક જ નામથી સન્માન આપતા… અહેમદભાઈ… તેમણે સદા નિષ્ઠા તથા કર્તવ્ય નિભાવ્યું. જેઓ હંમેશા પાર્ટીને જ પરિવાર માનતા હતા. તેઓએ રાજકીય રેખાઓ ભૂંસીને લોકોના દિલ પર છાપ છોડી છે. હજી પણ વિશ્વાસ નથી થતો. અલવિદા અહેમદજી….

બસપાના સુપ્રીમો માયાવતીએ ટ્વીટ કરીને અહેમદ પટેલના મોત પર દુખ વ્યક્ત કર્યું. તેમણે લખ્યું કે, તેમના પરિવાર અને મિત્રો પ્રતિ મારી સંવેદના છે. તેમનું વ્યક્તિત્વ બહુ જ સાદુ અને મિલનસાર હતું. ભારતીય રાજનીતિમાં તેમની ઊંડી છાપને હંમેશા સારી રીતે યાદ કરવામાં આવશે. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શ્રદ્ધાંજલિ આપતી ટ્વીટ કરી કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું. કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવામાં તેમની ભૂમિકા અને તેમના સામાજીક કાર્યો હંમેશા યાદ રહેશે. પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. 

કોંગ્રસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અહેમદ પટેલના નિધન પર કહ્યું કે, તેઓ હંમેશા સામાન્ય લોકોને કેવી રીતે મદદ કરી શકાય તેવો વિચાર કરતા. કુદરતી આફત, રાહતના કાર્યો હોય, કોરોના મહામારી હોય કે પછી કચ્છ ભૂકંપ અને લોકડાઉનમાં પરપ્રાંતિયોને વતન મોકલવાની વાત હોય, તેઓએ હંમેશા આગળ ચાલીને લોકોને મદદ કરી છે. વિકાસકામોમાં પક્ષાપક્ષીથી ઉપર રહીને લોકો માટે કામ કર્યું છે. આજે આવુ ઉમદા નેતૃત્વ વિદાય લઈ રહ્યું છે, ત્યારે પરિવારના મોભી, અને માર્ગદર્શક ગુમાવ્યા હોય તેવો અનુભવ થાય છે. બહુ જૂજ નેતા હશે, જેઓએ આવી લોકચાહના મેળવી હશે. છેલ્લે ૯ તારીખે દિલ્હી હોસ્પિટલમાં ખબરઅંતર પૂછવા હું તેમને મળ્યો હતો, ત્યારે પહેલો પ્રશ્ન ગુજરાતમાં કોરોના મહામારીમાં લોકોને સારવાર યોગ્ય રીતે મળે છે કે નહિ તે પૂછ્યું હતું. સાથે જ કાર્યકર્તાઓની નામજોગ પૂછપરછ પણ કરી હતી. સામાન્ય માણસની કાયમ ચિંતા કરનાર નેતા અને કોંગ્રેસમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. 

શંકરસિંહ વાઘેલાએ અહેમદ પટેલ વિશે કહ્યું કે, ૪૨ વર્ષથી મારે તેમની જોડે સંબંધ હતો. આખી જિંદગી પાર્ટી માટે અને પાર્ટીના કાર્યકર્તાઓ માટે જીવ્યા, પાર્ટીની ગાડી પાટા પર લઈ જાય એવું વ્યક્તિત્વ તેમનું હતું. તેમના નિધનથી ન પૂરાય એવી ખોટ પડી છે. 

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે શોક વ્યક્ત કરતા કહ્યું કે, નાના ગામમાંથી બાબુભાઈના નામે જાણીતા હતા. પોતાની રાજકીય કારકિર્દી શરૂ કરીને દિલ્હીમાં મહત્ત્વના પદ સુધી પહોંચીને તેમણે તેમની કાબેલિયત સાબિત કરી હતી. કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે ગુજરાતને લાભ આપવાના સફળ પ્રયત્નો કર્યા હતા. તેમના અવસાનથી ગુજરાતને પણ મોટી ખોટ પડશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here