આસ્તિક અને નાસ્તિક વચ્ચે સત્યનો સેતુ

0
2022

(ગતાંકથી ચાલુ)
ટેક્નોલોજી સગવડસુંદરી બનીને આવી છે, પરંતુ તેની પાછળ પાછળ તાણાસુરની હેરાનગતિ પણ આવી પહોંચી છે. પરિણામે ઈશ્વરનું ભવિષ્ય ખાસું ઊજળું છે. આસ્તિકોના બધા જ દોષો અપનાવી લેવામાં નાસ્તિકો પાછળ નથી. જીવનને માંજી માંજીને ચકમકતું રાખવાની બાબતે બન્ને સરખા બેવકૂફ છે. સત્ય નામની અણમોલ વિરાસત જાળવવામાં બન્ને નિષ્ફળ જઈ રહ્યા છે. ઈશ્વર હોય તો લાચાર છે અને ન હોય તો તો કોઈ જ ફરક પડતો નથી. તકરારનો વિષય ઈશ્વર નથી. તકરારનો વિષય સત્ય છે. સત્યવાન નાસ્તિક આદરણીય છે. જૂઠો આસ્તિક કહેવાતા ઈશ્વરને બદનામ કરનારો છે. મૂળે વાત સત્યાચરણની છે.
મનુષ્ય જ્યારે તર્કવિવેક પાળે ત્યારે સમાજને રેશનલિસ્ટ પ્રાપ્ત થાય છે. મનુષ્ય જ્યારે શ્રદ્ધાવિવેક પામે ત્યારે સમાજને ભક્ત મળે છે. કહેવાતો રેશનલિસ્ટ પણ બેઈમાન અને બદમાશ હોઈ શકે છે. કહેવાતો ભક્ત પણ દંભી, લુચ્ચો અને ખતરનાક હોઈ શકે છે. મનુષ્યતાનો ખરો માપદંડ સત્ય છે. પ્રત્યેક મનુષ્યનો જેમ બુદ્ધિ-અંક હોય છે, તેમ સત્ય-અંક પણ હોય છે. જૂઠાબોલા રેશનલિસ્ટથી અને જૂઠાબોલા ભક્તથી ચેતવા જેવું છે. આસ્તિક મહાત્મા ગાંધી કહે છે કે, સત્ય એ જ પરમેશ્વર. નાસ્તિક નિત્શે કહે છે, ભગવાનનું અવસાન થયું છે. નિત્શે કદી પણ એમ ન કહે કે, સત્યનું અવસાન થયું છે. આસ્તિકતા અને નાસ્તિકતાનું મિલનસ્થાન સત્ય છે. સત્ય શાશ્વત છે, અનંત છે અને પરમ આદરણીય છે. એ પંથપ્રપંચથી પર છે. ઝઘડો બે જૂઠા માણસો વચ્ચે હોય છે. આપણે ત્યાં સજ્જનને સીધી લીટીનો માણસ કહેવાનો રિવાજ છે. આપણું હોવું (બીઇંગ) વિવાદાસ્પદ નથી. આપણું ન હોવું પણ વિવાદાસ્પદ નથી. જે વિવાદાસ્પદ છે તે ક્ષુલ્લક છે. સત્યનું ન હોવું અસંભવ છે. તર્ક સત્યનો સગો ભાઈ છે. આપણે ત્યાં તર્કને ઋષિ કહ્યો છે. (તર્કો વૈ ઋષિ).
કોઈ પુષ્પ ઈશ્વરભક્ત નથી હોતું, છતાંય પુષ્પનું હોવું ઈશ્વરમય જણાય છે. કોઈ વૃક્ષ નમાજ નથી પઢતું, છતાંય પ્રત્યેક વૃક્ષ અલ્લાહની ઇબાદત કરતું હોય એમ ધ્યાનસ્થ જણાય છે. સૂર્યને થેન્ક યુ કહેવાનું ફરજિયાત નથી, પરંતુ આપણે જો આભારની ભીની લાગણી સાથે એને નીરખીએ, તો આપણું જ મનુષ્યત્વ એક વેંત ઊંચું જાય એમ બને. આકાશની વિશાળતા આપણને વિશાળતાની દીક્ષા આપે, તો તેમાં ઈશ્વર ક્યાં નડ્યો? શું કોઈ નાસ્તિક રામાયણ કે ગીતા કે ઉપનિષદ વાંચી શકે ખરો? ગ્રીસમાં કોઈ એમ નથી પૂછતુંઃ ઇલિયડ અને ઓડીસી જેવાં મહાકાવ્યો વાંચીએ, તો રેશનલિસ્ટ મટી જઈએ? માર્ક્સવાદી નાસ્તિક એવા સામ્યવાદી નેતા એસ. એ. ડાંગે વેદના પ્રકાંડ પંડિત હતા. એમનું પુસ્તક વેદસમયમાં કોમ્યુન્સ અંગે હતું, તે સુરતના જશવંત ચૌહાણે મને આપ્યું હતું. એ પુસ્તક ઘરમાં હજી સચવાયું છે. શું નાસ્તિક માણસ ધ્યાન કરે ખરો? બુદ્ધ અને મહાવીર સંનિષ્ઠ નિરીશ્વરવાદી હતા. બન્ને મહામાનવોએ ધર્મનો પ્રસાર કર્યો હતો. બુદ્ધે એ માટે ધર્મચક્રપ્રવર્તન શબ્દ પ્રયોજ્યો હતો. નાસ્તિકતાનું સૌંદર્ય આસ્તિકતાના સૌંદર્યથી જરાય ઊતરતું નથી. ઝેનપંથ એટલે જ ધ્યાનપંથ. સાંખ્ય મતના પ્રવર્તક કપિલ પોતે મહાન નિરીશ્વરવાદી હતા. કૃષ્ણ ગીતાના દસમા અધ્યાયમાં પોતાની વિભૂતિઓ ગણાવે તેમાં કહે છે, સિદ્ધ પુરુષોમાં હું કપિલ મુનિ છું. (સિદ્ધાનાં કપિલો મુનિઃ) ભારતમાં નાસ્તિક પરંપરા રામ અને કૃષ્ણ પહેલાંની છે.
નાસ્તિકો આપોઆપ રેશનલ બની જતા નથી. આસ્તિકો આપોઆપ બિન-રેશનલ બની જતા નથી. ધર્મ નામની ચીજ આસ્તિક-નાસ્તિક વિવાદથી પર છે. ધર્મની સંકલ્પના સંસ્થાગત ધર્મો (હિન્દુ, ઇસ્લામ, બૌદ્ધ, જૈન, ખ્રિસ્તી, શીખ, યહૂદી ઇત્યાદિ)થી પર છે. ધર્મ એટલે રિલિજિયન એવું નથી. એક જ દાખલો પ્રસ્તુત છે. ટ્રાફિકના નિયમો આપણને કયા ધર્મ તરફથી મળ્યા છે? એ નિયમો ન પળાય તો મૃત્યુ રોકડું! એ નિયમો પાળીએ તો નિયમો જ આપણું રક્ષણ કરે છે. આમ જગતમાં જળવાતો ટ્રાફિકધર્મ મહંત, મુલ્લા અને પાદરીથી પર છે. તેથી મહાભારતમાં કહ્યું, રક્ષણ પામેલો ધર્મ જ આપણું રક્ષણ કરે છે. ટ્રાફિકધર્મની જેમ જ અતિથિ ધર્મ પંથપ્રપંચથી સર્વથા પર છે. એ જ રીતે માતૃધર્મ, પિતૃધર્મ, સમાજધર્મ અને સેવાધર્મને કોઈ સંસ્થાગત ધર્મના લેબલ સાથે વળી શી લેવાદેવા? કોઈ નાસ્તિકને ધર્મવિરોધી કે અધ્યાત્મવિરોધી કહેવો એમાં વિવેકની બાદબાકી થઈ જતી જણાય છે.
આસ્તિકો તો ભગવાનના ઓઠા હેઠળ પણ અપ્રામાણિક બની શકે, પરંતુ નાસ્તિકોએ તો પ્રામાણિક બનવું જ પડે. કોઈ રેશનલિસ્ટને અપ્રામાણિકતામાં આળોટતો જોઉં ત્યારે મારા મનને વધારે ખલેલ પહોંચે છે. એની પાસે જઈને કોઈ આસ્તિકે પૂછવું જોઈએ, ભઈલા! તું વળી અમારાં અનિષ્ટો કેમ સ્વીકારી બેઠો? કોઈ પણ નાસ્તિક આપોઆપ બૌદ્ધિક બની જાય એવા વહેમમાં રહેશો નહિ. તેમનામાં પણ ઝનૂન, અંધશ્રદ્ધા, પંથપ્રપંચ, વિતંડાવાદ અને મિથ્યાભિમાન જેવાં બધાં જ અનિષ્ટો જોવા મળે છે. આમ બને છે, કારણ કે તેઓ માણસ છે અને માણસમાત્ર અપૂર્ણ છે. ખરી વાત એ છે કે અપૂર્ણતા તો મનુષ્ય હોવાની સૌથી તગડી સાબિતી છે. ઝનૂની રેશનલિસ્ટ. એ વદતોવ્યાઘાત છે. કેટલાક રેશનલિસ્ટો ક્યારેક કટ્ટરતાને પનારે પડે ત્યારે ઝનૂની બનીને મંડી પડે છે. તેઓએ મુલ્લા-મહંત-પાદરી પાસેથી આવી કુટેવ ઉછીની ન લેવી જોઈએ. બન્યું છે એવું કે રેશનલિસ્ટો ક્યારેક તર્કવિવેક નથી જાળવતા અને ભક્તો ક્યારેક શ્રદ્ધાવિવેક નથી જાળવતા. શું કહેવાતો રેશનલિસ્ટ સાવ શ્રદ્ધાશૂન્ય હોઈ શકે? એ બહારગામ જાય ત્યારે એને શ્રદ્ધા હોય છે કે પોતાની ગેરહાજરીમાં એની પત્ની બીજા પુરુષ સાથે સૂતી નહિ હોય. આવી જ શ્રદ્ધા એને ખાસ મિત્રની વિશ્વસનીયતા અંગે પણ હોય છે. આવી અસંખ્ય શ્રદ્ધાઓ પર આ જગત નભેલું છે. નાસ્તિકને અશ્રદ્ધાળુ કહેવામાં વિવેક નથી. એને પાકી શ્રદ્ધા હોય છે કે ઈશ્વર જેવું કશું જ નથી.
શું કહેવાતો શ્રદ્ધાળુ સાવ તર્કશૂન્ય હોઈ શકે? એ વાતમાં દમ નથી. શ્રદ્ધાળુ ભક્તાણીને પણ ક્યારેક પોતાના પતિના ગોરખધંધાની ખબર હોય છે. કહેવાતો કૃષ્ણભક્ત (વૈષ્ણવ) દુકાનમાં તર્કપૂર્ણ વ્યવહાર કરીને નફો રળતો હોય છે. તર્ક અને શ્રદ્ધા વચ્ચે બાપમાર્યાં વેર નથી. તર્ક અને શ્રદ્ધા વચ્ચેના સહજ સમન્વયને વિવેક કહે છે. કેવળ તર્ક કે કેવળ શ્રદ્ધા જીવનને વિવેકહીન બનાવે છે. સોક્રેટિસ કાયમ બુદ્ધિ અને શ્રદ્ધાનો ભેગો મહિમા કરતો હતો. સ્તાનિલ અને માઓ ઝેડોંગ જેવા તર્કાંધ નાસ્તિકોએ લાખે માણસોની કતલ કરાવી હતી. શું કત્લેઆમ કદી રેશનલ હોઈ શકે? આવી જ કત્લેઆમ ધર્મને નામે પણ થઈ છે. બન્નેમાં વિવેક ગેરહાજર હતો. વિવેકશૂન્ય આસ્તિકતા અએ નાસ્તિકતા બન્ને સરખાં ખતરનાક છે.
માનવીના અસ્તિત્વને પુષ્પ, નદી અને વૃક્ષના અસ્તિત્વનો રંગ લાગી જાય તો બેડો પાર! સત્ય, પ્રેમ, નેકી, કરુણા અને માનવતા વિનાની નાસ્તિકતા વેરાન રણ જેવી અને આસ્તિકતા વમળના વન જેવી હોય છે. સત્યના સેતુ પર અપૂર્ણ માનવી ઊભો છે. અપૂર્ણ હોવું એ તો આપણો મૂળભૂત માનવીય અધિકાર છે. સત્યના સેતુ પર માનવી, કેવળ માનવી જ હોય છે. રમેશ પારેખ કહે છેઃ
બેઠ કબીરા બારીએ, સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે, ફાધર, બામણ, શેખ!

લેખક વડોદરાસ્થિત સાહિત્યકાર છે. ———-

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here