દોઢ લાખ સુરતીઓએ એક સાથે યોગ કરી ગિનિસ બુકમાં નામ નોંધાવ્યું

સૂરતઃ વિશ્વભરમાં 21 જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં વિવિધ સ્થળોએ સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા યોગ દિવસની ઉજવણી માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર દ્વારા સુરતમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં એક સાથે 1.5 લાખ સુરતીઓએ એક સાથે યોગ કરીને વિશ્વવિક્રમ નોંધાવ્યો છે. હાજર રહેલા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું હતું કે, આપણી સ્વાસ્થ્ય ધરોહર યોગને વૈશ્વિક સ્વીકૃતિ મળી ચૂકી છે.
સુરત શહેરના Y જંકશનથી SVNIT સર્કલ-4 કિ.મી. સુધી, Y જંકશનથી રત્નભૂમિ પાર્ટી પ્લોટ– 4 કિ.મી. સુધી, તેવી જ રીતે Y જંકશનથી સુરત એરપોર્ટ ગેટ– 4.5 કિ.મી. સુધી એમ કુલ મળીને 12.5 કિ.મી.ના રોડ પર યોગ દિવસના રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિ 1 કિમીમાં આશરે 10,000 લોકો હાજર રહીને કુલ 1.25 લાખ લોકો યોગ કરી શકે એવું આયોજન તંત્ર દ્વારા કરવામાં અવ્યુ હતું. સવા લાખની સામે 1.50 લાખ લોકોએ હાજર રહીને યોગ કર્યા હતા. આ સાથે જ સુરતીઓએ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.
આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ ઉપરાંત ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક રાજ્યપ્રધાન હર્ષ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાને જણાવ્યું કે, ભારતની ભવ્ય વિરાસત સમા યોગથી વિશ્વમાં ‘વસુધૈવ કુટુમ્બકમ’ની ભાવના વધુ મજબૂત થઈ છે. જેનું શ્રેય આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફાળે જાય છે.
મુખ્ય પ્રધાને કહ્યું કે યોગને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં 51 યોગ સ્ટુડિયોનું નિર્માણ કરવામાં આવશે. રાજ્ય સરકારે યોગ બોર્ડની પણ સ્થાપના કરી છે જેના પરિણામે 5,000 લોકોને રોજગારી પ્રાપ્ત થઈ છે. રાજ્યમાં 7000થી વધુ સ્થળોએ સવા કરોડ જેટલા લોકો યોગદિવસની ઉજવણીમાં જોડાયા છે. કોરોના કાળમાં લોકોને આરોગ્યની મહત્તા સુપેરે સમજાઈ હતી, આવા વિકટ સમયમાં યોગ-પ્રાણાયામ સંજીવની સમાન બન્યા હતા ત્યારે આપણા ૠષિમુનિઓની અમૂલ્ય ભેટ સમાન યોગવિદ્યા આધુનિક યુગમાં સ્વસ્થ જીવન જીવવાની ચાવી બની છે.
ગૃહ, યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગના પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે, યોગ એ પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વ વિશાળ જન ભાગીદારી સાથે યોગ દિવસની ઉજવણી કરી રહ્યું છે ત્યારે સુરતમાં રચાયેલો ઈતિહાસ આપણા માટે ગૌરવપ્રદ ક્ષણ છે. આ પ્રસંગે મુખ્યપ્રધાનને હસ્તે યોગના મહત્વ અને યોગના ઈતિહાસ આધારિત કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું. તેમજ યોગ એવોર્ડ એનાયત કરાયા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here