જય રણછોડ, માખણચોર’ના નાદ સાથે ભગવાન જગન્નાથની ૧૪૬મી રથયાત્રા સંપન્ન

અમદાવાદઃ અષાઢ સુદ-બીજના દિવસે ભગવાન જગન્નાથજી, મોટાભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાની ભવ્ય રથયાત્રા ભક્તિભાવપૂર્વક અને અભૂતપૂર્વ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે નીકળી હતી.
વહેલી સવારે ૪ વાગે જગન્નાથજી મંદિરમાં ભગવાનની મંગળા આરતી થઇ હતી. ત્યારે મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ ઉમટી પડ્યા હતા. મહાઆરતીમાં ગૃહમંત્રી અમિત શાહે ભાગ લીધો હતો. આરતી પછી ભગવાનના આંખે બાંધવામાં આવેલા પાટાઓ દૂર કરવામાં આવ્યા હતા. ભગવાનને શુદ્ઘ ઘી, સુકા મેવાથી બનાવેલી ખીચડી, કોળા અને ગવારફળીના શાકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આ બાદ ભગવાન જગન્નાથજી, મોટાભાઇ બલભદ્રજી અને બહેન સુભદ્રાની મૂર્તિઓને ત્રણ અલગ અલગ રથોમાં પધરાવવામાં આવી હતી.


આ પછી ગુજરાતના મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિરમાં સોનાના ઝાડુથી રથમાં કચરો વાળી અને પહિંદવિધ કરી હતી. જેના પછી ભગવાનના રથનું દોરડું ખેંચીને ભગવાનની પાવન રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે હજારો શ્રદ્ઘાળુઓએ ભગવાન જગન્નાથજીનો જયઘોષ કર્યો હતો. ત્રણેય રથ તેના પરંપરાગત માર્ગ આગળ વધ્યા હતા. જમાલપુર દરવાજામાં મુસ્લિમ બિરાદરોએ રથયાત્રાનું સ્વાગત કર્યુ હતું. ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્રણેય રથોની સાથે ભજન મંડળીઓ હતી તો અનેક કસરતબાજો અવનવી કરતબો દેખાડીને લોકોને મંત્રમુગ્ધ કરતા હતા. ટ્રકની અંદર મગ જાંબુના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભકતોની ભીડ જોવા મળી હતી. રથયાત્રામાં જોડાયેલા સાધુ સંતો શ્રદ્ઘાના ઘોડાપુર જોઇને મંત્રમુગ્ધ થઇ ગયા હતા. સમગ્ર માર્ગ પર નાના ભૂલકાઓથી માંડી વૃદ્ઘો પણ ઘેર બેઠા પરિક્રમાએ આવેલા ભગવાનના દર્શન કરવા તલસી રહ્યાં હતા. રથ આવતા ભગવાનના દર્શન થતા તેઓએ ધન્યતા અનુભવી હતી. રથયાત્રા કાળુપુર બ્રિજ થઇ સરસપુરમાં પ્રવેશતા દેવોને દુર્લભ એવા દૃશ્યો જોવા મળ્યા હતા. કિડીયારુ ઉભરાય તેમ લોકો મોસાળમાં આવતા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઇ બલભદ્રનું સ્વાગત કરવા થનગની રહ્યાં હતા. સમગ્ર માર્ગને ફૂલો અને આસોપાલવથી શણગારવામાં આવ્યો હતો. ઘણા લોકો ભીડથી બચવા અને શાંતિથી દર્શન કરવાનો લ્હાવો મળે તે માટે રસ્તામાંઆવતા ઘરોની બારીઓ, છાપરા પર ગેલેરીમાંથી, ધાબા પરથી દર્શન કરી ‘જય રણછોડ, માખણ ચોર’ના જયઘોષ કરી ધન્યતા અનુભવી હતી. મોસાળે આવેલા ભગવાનને અગવડ ન પડે તે માટે સત્કારવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. પૂજાવિધિ બાદ ભગવાનનું મોસાળુ કરવામાં આવ્યું હતું. સરસપુરમાં રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ઘાળુઓને જમાડવામાં આવ્યા હતા. સરસપુરમાં વિશ્રામ કર્યા પછી રથયાત્રા કાલુપુર પુલ પર થઇને પ્રેમ દરવાજા, દરિયાપુર, શાહપુર, ઘીકાંટા, પાનકોરનાકા, માણેક ચોક થઇને મોડી સાંજે નિજ મંદિરે પરત ફરી હતી. માણેક ચોકમાં બલરામજીના રથનું પૈડુ તૂંટયુ હતું. રીપેર કરવા ૧૫ મિનિટ રથ અટકાવાયો હતો. રથયાત્રા શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાંથી શાંતિપૂર્ણ પસાર થતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
રથયાત્રામાં આ વખતે પહેલીવાર પોલીસે ટેકનિકલ સર્વલન્સનો ઉપયોગ કરી સમગ્ર રથયાત્રાના રૂટ પર બાજનજર રાખી હતી. રથયાત્રામાં પ્રથમ વખત ૩ડી મેપિંગ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી અને રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ આધુનિક ટેકનોલોજીથી સજ્જ ડેસબોર્ડથી મોનિટરિંગ કર્યુ હતું. આજની રથયાત્રા દરમિયાન ભકતોને ૨૧૦૦૦ કિલો મગ, ૪૦૦ કિલો જાંબુ, ૨૦૦ કિલો કેરી, ૨૦૦ કિલો કાકડી અને દાડમ તેમજ બે લાખ ઉપરણા પ્રસાદી રૂપે આપવામાં આવ્યા હતા. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. રથયાત્રાઓમાં ૩૦ અખાડાઓ પણ જોડાયા હતા. ૧૮ જેટલી ભજન મંડળીઓએ ભજન-કિર્તનની રમઝટ બોલાવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે શહેરના મેયર સહિતના અન્ય પદાધિકારીઓ દ્વારા મહંત દિલીપદાસજી અને રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રથયાત્રા પોતાના પરંપરાગત રૂટ પર પરિક્રમા કરી મોડી સાંજે નીજમંદિરે પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here