દેશની પ્રગતિ અને રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓની ભૂમિકા અતિમહત્વપુર્ણ: રાષ્ટ્રપતિ

સુરતઃ સુરતની એસવીએનઆઇટીના પદવીદાન સમારંભમના દીક્ષાંત પ્રવચનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ એન્જીનીયરીંગ અને ટેકનોલોજી સંસ્થાઓમાં મહિલાઓની ભૂમિકાને અતિ મહત્વપૂર્ણ ગણાવી દેશના વિકાસમાં અને રાષ્ટ્ર નિમાર્ણ માટે શુભસંકેત ગણાવ્યા હતા. આજના ઝડપથી બદલાતા વૈશ્વિક દોડમાં આર્ટિફીશીયલ ઇન્ટેલીજન્સ ટેકનોલોજી (એ.આઇ) અને મશીન લર્નિગ જેવી ટેકનોલોજી ભારતને અગ્રસ્થાને લઇ જવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
સુરતના ઇચ્છાનાથ સ્થિત સરદાર વલ્લભાઇ નેશનલ ઇન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજી (એસવીએનઆઇટી)નો ૨૦માં પદવીદાન સમારંભ રાષ્ટ્રપતિ દ્વોપર્દી મુર્મના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં ૧૨ વિદ્યાશાખાના ૧૪૩૪ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત થઇ હતી. ૨૨ વિદ્યાર્થીઓ અને છ વિદ્યાર્થીનીઓ મળી ૨૮ વિદ્યાર્થીઓને રાષ્ટ્રપતિના હસ્તે ગોલ્ડ મેડલ અર્પણ કરાયા હતા. દીક્ષાંત પ્રવચનમાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, નારી શકિત પર ભાર મુકીને એન્જીનીયરીંગ અને ટેકનોલોજી શૈક્ષણિક સંસ્થાઓમાં મહિલાઓનું વધતુ પ્રમાણ એ દેશની પ્રગતિ અને રાષ્ટ્ર નિર્માણ માટે શુભ સંકેત છે. દેશને વિકસીત અને દીક્ષિત બનાવવામાં નારી શકિતની ભૂમિકા અતિ મહત્વપૂર્ણ છે.
રાષ્ટ્રપતિએ નવા ઉદ્યોગો અને રોજગારનું સર્જન કરવામાં ટેકનોલોજીકલ જ્ઞાન અને ટેકનીકલ સ્કીલનો વિનિયોગ કરવા યુવા વિદ્યાર્થીઓને આહવાન કર્યુ હતુ. આજે વિશ્વમાં ચારેતરફ એ.આઇ.ની વાતો થઇ રહી છે તેનો ઉલ્લેખ કરીને જણાવ્યુ હતુ કે એ.આઇ. ટેકનોલોજીનો લાભ દેશવાસીઓના વિકાસના ઉપયોગમાં થઇ શકે તે માટે કેન્દ્ર સરકાર અને રાજય સરકાર નવા નવા પ્રોજેકટો શરૂ કરી રહી છે. આથી મશીન લર્નિગ અને એ.આઇના કારણે ઝડપથી બદલાઇ રહેલા વૈશ્વિક દોડમાં ભારતને વિશ્વ ફલક પર લઇ જવામાં મહત્વની ભૂમિકા ભજવશે. જેમાં આપણા જેવા તેજસ્વી વિદ્યાર્થીઓની પણ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે.અને તમો બધા આ દિશામાં પ્રયત્ન કરશો અને સફળ પણ થશો.
રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો હતો કે તમારે ફકત તમારી નોકરી કે કારર્કિદી માટે જ ફકત વિચારવાનુ નથી. પરંતુ નવા ઉદ્યોગો અને રોજગારીની તકો ઉભી કરવા માટે પોતાનું જ્ઞાન અને ટેકનીકલ સ્ક્રીલનો ઉપયોગ કરવાનો છે. વિશ્વના કોઇ પણ ખુણામાં તમે જાવ, પરંતુ પોતાની આ સંસ્થા સાથે હંમેશો જોડાયેલા રહેશો. અને તમારુ આ જોડાણ તમને આગળ વધવામાં મદદ કરશે.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ધર્મ એટલે પોતાના માટે જ સારુ ઇચ્છો તેવુ જ બીજાના માટે ઇચ્છો તે જ ધર્મ છે. સ્વાધ્યાયમાં જ્ઞાન ઉપાર્જનામાં કયારેય આળસ નહીં કરવાની એસવીએનઆઇટીના વિદ્યાર્થીઓને રાજયપાલ આચાર્ય દેવવ્રતે શીખ આપી હતી. વધુમાં આચાર્ય દેવવ્રતે ડિગ્રી પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓના અભિનંદન પાઠવીને પ્રાચીન ભારતમાં ગુરુઓ પોતાના શિષ્યોને અભ્યાસના અંતે સત્ય બોલવુ, ધર્મનું આચરણ અને અભ્યાસમાં આળસ ન કરવાનો ઉપદેશ આપતા હતા. તે ઉપદેશ આજે દીક્ષાંત પ્રવચનના રૂપમાં અપાઇ રહ્યો છે. આજે સમાજ- રાજય અને રાષ્ટ્રને નવલોહિયા યુવાઓ પાસે ખુબ મોટી અપેક્ષાઓ છે. ત્યારે યુવા શકિતને સતત અભ્યાસથી કારર્કિદીને નિરંતર ઉજ્જવળ બનાવવાનો પુરૃષાર્થ જ સફળતાના શિખર સુધી લઇ જશે. શકિત, સ્વભાવને અનુરૂપ વિન્રમ વ્યવહાર કેળવવાનો પ્રયત્ન કરી સમાજ અને રાષ્ટ્રના ભવિષ્યને વધુ ઉજ્જવળ બનાવવા માટે સંક્લ્પબદ્વ થવાનું તેમણે વિદ્યાર્થીઓને આહવાન કર્યુ હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here