ઠંડીની મોસમમાં સાવચેતીપૂર્વક કાર ચલાવવા કેનેડા પોલીસે અપીલ કરી

 

કેનેડા: કેનેડામાં બરફથી થીજી ગયેલી નદી ઉપર કાર ચલાવી રહેલી એક મહિલાને સ્થાનિક લોકોએ માંડ-માંડ બચાવી છે. મહિલા કેનેડાની રેડ્યૂ નદી પર કાર ચલાવી રહી હતી. જ્યારે તે નદીની વચ્ચે પહોંચી તો થીજી ગયેલી નદીનું બરફનું પડ તૂટી ગયું અને કાર ડૂબવા લાગી. ત્યારબાદ પણ મહિલાએ સ્વબચાવનો કોઈ જ પ્રયત્ન કર્યો નહીં. મહિલા ડૂબી રહેલી કારની ઉપર ચઢીને સેલ્ફી લેવા લાગી હતી. આ સંજોગોમાં તેને એટલી પણ ફિકર ન હતી કે આ સેલ્ફી જીવલેણ સાબિત થઈ શકે છે. સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલી બાદ આ મહિલાનો જીવ બચાવ્યો હતો. ડૂબતી કાર પર સેલ્ફી લેવાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયા મીડિયા પર જ મહિલાના આ પ્રકારના અભિગમની ભારે ટીકા થઈ રહી છે. લોકો મહિલા પર બેદરકારી દાખવવાનો આરોપ લગાવી રહ્યા છે. જોકે, આ મહિલાની હજુ સુધી કોઈ ઓળખ થઈ શકી નહીં. કેનેડા પોલીસે સોશિયલ મીડિયા પર ઠંડીની મોસમમાં સાવચેતીપૂર્વક કાર ચલાવવા અપીલ કરી છે. ઓટાવા પોલીસે કહ્યું કે કોઈ પણ સલામત નથી. જોકે, કેનેડામાં સામાન્ય રીતે બરફથી થીજી ગયેલી નદીઓ અને સરોવર પર લોકો કાર ચલાવતા જોવા મળે છે. સ્થાનિક કાયદા પ્રમાણે આ પ્રકારની હરકત એ કોઈ ગુનો ગણવામાં આવતો નથી