ચીનના વુહાનમાં ફરી કોરોનાના કેસો વધતા ચીનીઓની સામૂહિક ટેસ્ટિંગની જાહેરાત

 

બીજિંગઃ ૨૦૧૯ના અંતમાં જ્યાંથી કોરોના ઉદભવ્યો એ ચીનના વુહાન શહેરમાં અસાધારણ રીતે કોરોનાના કેસો ફરી જોવા મળતા ચીની સત્તાવાળાઓએ વુહાનમાં સામૂહિક ટેસ્ટિંગની જાહેરાત કરી હતી.

૧.૧ કરોડથી વધુ લોકોનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે અને કોરોનાના કેસો ઘણાં પ્રાંતોમાં ફેલાતા ચીનમાં હવે બેચેની પ્રવર્તી રહી છે. વુહાનમાં સાત કેસો નોંધાયા જે જૂન ૨૦૨૦ પછી પહેલી વાર છે. જે વિસ્તારોમાં કેસો આવ્યા છે ત્યાં લોકડાઉન લાદી દેવાયું છે. તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. મેટ્રોમાં કડક નિયમો લાદી દેવાયા છે. 

ચીને અત્યાર સુધી કોરોના વાઇરસની મહામારી મહદઅંશે કાબૂમાં રાખી હતી પણ હવે ત્યાં ફરી કોરોનાના કેસો વધવા લાગ્યા છે. મધ્ય ચીનની ૧.૧ કરોડની વસ્તી ધરાવતી પ્રાંતીય રાજધાની વુહાનમાં સોમવારે ત્રણ કેસો નોંધાયા હતા અને એક વર્ષ કરતા વધુના સમયમાં પહેલી વાર બિનઆયાતી કેસો છે. આમ, શહેરવ્યાપી ટેસ્ટિંગની યાદીમાં હવે વુહાનનું નામ ઉમેરાયું છે.

ચીને કોરોના મહામારી ફાટી અને વુહાનને તબાહ કરી નાખ્યું ત્યારબાદ તરત પરિસ્થિતિ પર કાબૂ લીધો હતો અને જ્યારે જ્યારે કેસો જોવા મળે ત્યારે ત્વરિત લોકડાઉન અને સામૂહિક ટેસ્ટિંગથી ચેપગ્રસ્ત લોકોને અલગ કરીને સ્થિતિ કાબૂમાં રાખતું આવ્યું છે. પણ હાલ ત્યાં ફરી કોરોનાના કેસો દેખાવા લાગ્યા છે. કુલ કેસો હજી ભલે અમુક સોની સંખ્યામાં જ હોય, પણ કેસો અગાઉ કરતા વધારે વ્યાપક રીતે છે અને રાજધાની બીજિંગ સહિત ઘણા પ્રાંતોમાં નોંધાયા છે. આમાંના ઘણા કેસો અત્યંત ચેપી ડેલ્ટા વેરિયન્ટના છે. 

નેશનલ હેલ્થ કમિશને કહ્યું કે અગાઉના દિવસે ૯૦ કેસો થયા હતા, ૬૧ સ્થાનિક રીતે અને ૨૯ જણા તાજેતરમાં વિદેશમાંથી આવ્યા હોય એવા હતા. મોટા ભાગના સ્થાનિક કેસો હજી જિંગ્સુ પ્રાંતમાં છે, જ્યાં પ્રાંતીય રાજધાની નેન્જિંગમાં એરપોર્ટ પર મહામારી તાજેતરમાં શરૂ થઈ હતી અને તે ૧૦૫ કિમી દૂર યાંગ્ઝૌમાં પણ ફેલાઈ છે.

સરકારને સંલગ્ન વૈજ્ઞાનિકોએ કહ્યું કે કોરોના વાઇરસના નવા વેરિયન્ટ્સ સામે ચીની રસીઓ ઓછી અસરકારક છે. ચીનમાં હાલ માત્ર ચીની રસીઓ જ અપાઇ રહી છે અને ૧.૬ અબજથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છે. ચીનમાં કોરોના ફરી ડોકાતા લાખો લોકો ઘાતકી નવા લોકડાઉન હેઠળ છે. બીજિંગે ઘણી પરિવહન સેવાઓ બંધ કરી છે અને લોકોને ઘરમાં ગોંધાઈ રહેવા કહ્યું છે. વુહાનમાં પણ લોકડાઉનની આશંકાએ સુપર માર્કેટ્સમાં લોકોએ આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા લાઇનો લગાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here