ગુજરાતમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક નવરાત્રી પર્વની ઊજવણી

અમદાવાદઃ આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રિ સમગ્ર ગુજરાતમાં શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યું છે. ભક્તો અનુષ્ઠાનમાં અને ખેલૈયાઓ ગરબા રમવામાં વ્યસ્ત બન્યા છે. તો શક્તિપીઠોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. પાવાગઢ, અંબાજી, ચૌટીલા, ગીરનાર, બૌચરાજી, કચ્છ વગેરે શક્તિ પીઠોમાં માઈભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું છે.
કચ્છમા આશાપુરાના સ્થાનકે માતાના મઢ ખાતે માઇભક્તો મોટી સંખ્યામાં ઊમટી પડતાં મંદિરનું પટાંગણ ટૂકું પડ્યું હતું. છેલ્લા પાંચ દિવસથી સતત પદયાત્રીનો પ્રવાહ મઢ તરફ વહેતો જોવા મળ્યો હતો. મા આશાપુરાનાં દર્શન બાદ હજારોની સંખ્યામાં ખાટલા ભવાનીના સ્થાનકે દર્શને ઊમટતાં હતા. આ સ્થાનકે માતાજીનાં બેસણા-ખાટલાના સિંહાસન ઉપર છે, તેથી તે ખટલા ભવાનીનાં નામે પૂજાય છે. યાત્રાધામ પાવાગઢમાં મહાકાલી માતાના દર્શન માટે જાણે માનવ મહેરામણ ઉમટ્યો હોય તેવો માહોલ સર્જાયો છે. યાત્રાધામ અંબાજીમાં પણ માતાજીના દર્શન માટે ગુજરાતભરમાંથી માઈભક્તો ઉમટી પડેલા જોવા મળે છે. આ ઉપરાંત નાના-મોટા શહેરોમાં આવેલ માતાજીના મંદિરોમાં ગટસ્થાપન, જવારાસ્થાપન, અખંડદિપ, આરતી, મહાઆરતી, ગરબા-રાસ સમી વિવિધ પ્રકારે માતાજીની ભક્તિ કરી આદ્યશક્તિ મા અંબાના આશીર્વાદ પ્રાપ્ત થયાની ધન્યતા અનુભવી રહ્યાં છે. નવરાત્રિ મહોત્સવ એ માત્ર ગરબા રમવા પૂરતો ઉત્સવ નથી, પરંતુ માતાજીની આરાધનાનું પર્વ પણ છે.

યુવાપેઢી સનાતન હિંદુ ધર્મના પ્રતીકો અને તેનું મહત્ત્વ સમજે તે માટે વડોદરા નવલખી ગરબા મેદાનમાં જે ખેલૈયાએ કપાળ પર તિલક કર્યું હશે તેને જ પ્રવેશ આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. જે યુવક ઘરેથી નીકળતા તિલક કરવાનું ભૂલી ગયો હશે તેના માટે ગરબા મેદાનના પ્રવેશ દ્વાર ઉપર જ તિલકની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંપરાગત વસ્ત્રો અને આભૂષણોની સાથે તિલક પણ અમે હવે ફરજિયાત બનાવી દીધું છે. સાંજ પડતા જ ગરબા મેદાનો રોશનીથી ઝળહળી ઉઠે છે. વડોદરા યુનાઇટેડ વે-કલાલી, વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ – નવલખી, મા શક્તિ ગરબા મહોત્સવ- સમતા, ખોડલધામ ગરબા-છાણી, રાજમહેલના ગરબા ઉપરાંત શેરી ગરબાઓમાં આજે ખેલૈયાઓએ જમાવટ કરી હતી. વડોદરા નજીક શેરખી ગામે આવેલા ગાયત્રી આશ્રમમાં પવિત્ર આસો નવરાત્રિ મહોત્સવ નિમિત્તે આજથી ‘૧૧૦૦ અખંડ દિપક જ્યોત’ અનુષ્ઠાનનો પ્રારંભ થયો છે. દેશી ગાયના શુધ્ધ ઘીમાંથી પ્રગટાવેલા ૧૧૦૦ દીપક અખંડ નવ દિવસ સુધી પ્રજ્વલિત રહેશે. ગાયત્રી આશ્રમના મહંત હર્ષદબાપાનું કહેવું છે કે સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં દીપકને સૂર્યનારાયણનું પ્રતીક માનવમાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here