ગુજરાતમાં દરેક જિલ્લા મથકોએ ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવાશે

 

અમદાવાદઃ વિશ્વવ્યાપી કોરોના વાઇરસની પ્રવર્તમાન સ્થિતિમાં ગુજરાતમાં સર્જાયેલી પરિસ્થિતિની સમીક્ષા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં ત્રણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી કે, કોરોનાની અસરથી જાન ગુમાવવાનો વારો આવે તેવા વિપરિત સંજોગોમાં રાજ્ય સરકાર પોલીસ સુરક્ષાકર્મીને ૨૫ લાખની સહાય આપશે. એટલું જ નહીં, રાજ્યના દરેક જિલ્લા મથકોએ ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવામાં આવશે. આ ઉપરાંત દરેક ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી ૨૫ લાખ કોરોના વાઇરસના ઇલાજ માટે દવાઓ-સાધન સુવિધાઓ માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે.

પોતાના જીવને જોખમમાં મૂકીને પણ સતત ફરજ બજાવતા પોલીસ, એસ.આર.પી., ગ્રામરક્ષક દળ, હોમગાર્ડ અને ટ્રાફિક જવાનો સહિત જેઓ લોકોની સુરક્ષા સાથોસાથ જરૂરિયાતની સેવાનાં કામો પણ આ વિકટ પરિસ્થિતિમાં કરે છે. નિઃસહાય વૃદ્ધોને મદદ કરવી, નિરાધાર લોકોને જમવાની વ્યવસ્થા સંભાળવી જેવા સેવાનાં કામો કરતા આ સુરક્ષાકર્મીઓ પ્રત્યે માનવીય સંવેદના દર્શાવી રાજ્ય સરકારે તેમની સહાયતા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આવા જવાનોને કોરોના સંદર્ભમાં ફરજ દરમિયાન ગંભીર બીમારીની સ્થિતિ સર્જાય અને કોઇનું દુઃખદ અવસાન થાય તો તેમના પરિવારજનોની વિપદામાં પડખે ઉભી રહી રાજ્ય સરકાર ૨૫ લાખની સહાય કરશે તેમ જાહેર કર્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે કોરોના વાઇરસ અને પોઝિટિવ કેસોનો ગ્રાફ જો વધે તો સારવાર સુવિધા માટે રાજ્યના મહાનગરો ઉપરાંત પ્રત્યેક જિલ્લા મથક પર ૧૦૦ બેડની આઇસોલેશન હોસ્પિટલ બનાવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ આઈસોલેશન હોસ્પિટલમાં વેન્ટીલેટર સાથે ૧૦ આઈ.સી.યુ. અને ૯૦ બેડની સુવિધા વ્યવસ્થા તાકીદે કરવામાં આવશે, તેમ પણ તેમણે જાહેર કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું કે કોરોનાની આ વિશ્વવ્યાપી મહામારી સામે રાજ્યના આરોગ્ય વિભાગની કામગીરીમાં સહાયરૂપ થવા દરેક ધારાસભ્યે રજૂઆત કરી હતી. ધારાસભ્યોની આ રજૂઆતને ધ્યાને લઇને રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે કે તમામ ધારાસભ્યો ૨૫ લાખ સુધીની ગ્રાન્ટ કોરોના વાઇરસના ઇલાજ અને દવાઓ, વેન્ટીલેટર, ડાયાલિસીસ મશીન, પોષક સુવિધાઓ અને ટેસ્ટિંગ સાધનો માટે ગુજરાત હેલ્થ સોસાયટીને આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here