ભાવનગરમાં મહંતસ્વામીના 85મા જન્મોત્સવની ભવ્યતા અને દિવ્યતાથી ઉજવણી

ભાવનગરઃ ભાવનગરના અક્ષરવાડી બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે પ્રમુખસ્વામીજી મહારાજના 85મી જન્મજયંતીની ભવ્યતા અને દિવ્યતા સાથે ધર્મમય વાતાવરણ અને સામાજિક સેવાકાર્ય સાથે રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
મહંતસ્વામી મહારાજના 85મા જન્મોત્સવ પ્રસંગે અક્ષરવાડી ખાતે આવેલ બીએપીએસ સ્વામિનારાણ મંદિરનું પરિસર અને મુખ્ય મહોત્સવ સ્થળ પર આકાર પામેલું વિશાળ સિડફાર્મ બુધવારે વહેલી સવારથી જ હરિભક્તોની હકડેઠઠ્ઠ ભીડથી છલકાવા લાગ્યું હતું. મહંતસ્વામી મહારાજનાં વધામણાં અને તેમનાં ચરણોમાં ભાવાંજલિ અર્પવા બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના દેશ-વિદેશમાંથી 600 કરતાં પણ વધુ સંતો અને ગુરુહરિનાં દર્શન માટે પાંચેય ખંડમાંથી સેંકડો હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આરતી બાદ મહંતસ્વામી મહારાજે ઉપસ્થિત સૌ સંતો-ભક્તોને આશીર્વાદની કૃપાદષ્ટિ કરી હતી. પ્રાતઃ પૂજા દરમિયાન મહંતસ્વામીજીના જીનકાર્યને સંગીતમય શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. પ્રાતઃ પૂજા બાદ મહંતસ્વામી મહારાજે આશીર્વાદ આપતાં કહ્યું હતું કે, ભગવાન આ પૃથ્વી પર જન્મ ધારણ કરી પધાર્યા અને સૌ ભક્તો પર મોટી કૃપા કરી છે. આપણે ગમે તેટલા મહાન થઈએ, પણ ભગવાન આગળ આપણું કંઈ જ ન ચાલે. તેનાથી ચાલકોમાં મનુષ્યને કોઈ સામાન્ય પ્રાપ્તિ થઈ હોય તો પણ કેફમાં રહે છે. ભગવાનપ્રાપ્તિ સૌથી મોટી વાત છે. તેનો મહિમા સમજી હંમેશાં કેફમાં રહેવું.
મહંતસ્વામીએ વિશેષમાં કહ્યું હતું કે, અનંત બ્રહ્માંડનો રાજા હોય, પણ તેને સત્સંગ ના હોય તો તેનું જીવન આલેખે છે. માટે સત્સંગ કરવો તેના દ્વારા જ સારા વિચારો આવે છે અને બળ રહે છે. સત્સંગની સાચી સમજણથી સૌને દિવ્ય જાણીએ તો અંતરમાં અખંડ આનંદ રહે છે. માટે આઠેય પહોર જો આનંદમાં રહેવું હોય તો સૌને દિવ્ય સમજવા જોઈએ.
મહંતસ્વામી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, એકાંતિક ભાવને પામીએ તો અખંડ ભગવાનને પામી શકાય, ભગવાન સર્વ કર્તાહર્તા છે. બધું જ કાર્ય ભગવાન ઉપર છોડી દઈએ તો મનમાં કંઈ જ ભાર ન રહે, પોતાની ઉપર કામ રાખીએ તો ભાર લાગે, પણ ભગવાન ઉપર તે કામ ઢોળી દઈએ તો કાર્ય પણ પૂરું થાય અને તેનો જરા પણ ભાર ન લાગે. દરેક સારું કાર્ય સંપીને કરીએ તો તે કાર્યમાં ભગવાન ભળે અને તે સફળતાપૂર્વક પાર પડે. માટે જીવનમાં સંપ ખૂબ જરૂરી છે. વ્યક્તિગત સંપથી પરિવાર મજબૂત બને, અનેક પરિવારથી શહેર મજબૂત બને અને શહેર દ્વારા રાજ્ય, રાજ્ય દ્વારા દેશ મજબૂત બને છે. આવી રીતે વૈશ્વિક એકતા કેળવી શકાય છે.
મહોત્સવના મુખ્ય કાર્યક્રમમાં ભગવાનની શાશ્વત પરંપરાનો અમર વારસો ગુણાતીતાનંદ સ્વામીથી લઈ આજે મહંતસ્વામી મહારાજ સુધી સૌ ગુરુવર્યોમાં તાતિ્ત્વક રીતે એકસમાન છે. તેની અનુભૂતિ કરાવતા તેમના જીવનમાં નિયમધર્મ, પરાભક્તિ, ભક્તવત્સલતા, અહમ્શૂન્યતા અને પ્રભાવની દષ્ટિએ કેવી રીતે સામ્યતા છે? તેની પ્રેરક રજૂઆત બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો ડોક્ટર સ્વામી, વિવેકસાગર સ્વામી, આત્મસ્વરૂપ સ્વામી વગેરે સંતોએ કરી હતી. મહંતસ્વામીજીના જન્મોત્સવ નિમિત્તે બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતોએ પુષ્પહાર અર્પણ કરી જન્મદિનનાં અભિનંદન પાઠવ્યાં હતાં, જ્યારે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વડીલ સંતોએ પુષ્પમાળા દ્વારા મહંતસ્વામી મહારાજનાં ચરણોમાં વંદન કર્યા હતા. હજારો દીવડાની આરતીએ વાતાવરણને ધર્મમય બન્યું હતું. મંત્રપુષ્પ મહંત સ્વામીજીનાં ચરણોમાં અર્પણ કર્યાં હતાં. અક્ષરવાડીમાં રક્તદાન કેમ્પમાં સેંકડો રક્તદાતા હરિભક્તોએ રક્તદાન કરી મહોત્સવના દિવ્ય પ્રસંગે સમાજસેવાનું કાર્ય કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here