તબલીગી જમાતના કાર્યક્રમમાં ૨૦ રાજ્યોમાંથી ૧૫૦૦૦થી વધુ લોકો સામેલ હતા

 

નવી દિલ્હીઃ હઝરત નિઝામુદ્દીન ખાતેના તબલીગી જમાતના મરકઝમાં આયોજીત જોડ (કાર્યક્રમ)માં ર૦ રાજયોના ૧પ હજારથી વધારે લોકો સામેલ થયા હતા. આ ભીડમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરિકો પણ હતા. સુત્રોનું કહેવું છે કે તેમાં કેટલાય કોરોના પોઝિટિવ પણ હતા જેમણે ત્યાં આવેલા લોકોને સંક્રમિત કર્યા. તે લોકો પોતાના રાજયમાં પાછા ફર્યા અને દેશભરમાં બીમારી ફેલાવી. 

તબલીગી જમાતના કરતૂતના કારણે અત્યારે આખો દેશ કોરોનાનું જોખમ વ્હોરી રહ્યો છે. વિભિન્ન રાજયોની સરકારો નિઝામુદ્દીન ખાતેના કાર્યક્રમમાં સામેલ થયેલા લોકોને શોધવામાં ધંધે લાગી છે. સુત્રોનું કહેવું છે કે દિલ્હી સરકાર આ જલસામાં સામેલ સ્થાનિક લોકોની પણ તપાસ કરી રહી છે. આખા ઘટનાક્રમ પછી મરકઝ મેનેજમેન્ટ પોતાને પાક સાફ બતાવવામાં લાગ્યું છે. દેશમાં કોરોનાનું જોખમ મંડરાતા દિલ્હી સરકારે પહેલા એક સ્થળે પ૦થી વધારે અને ત્યાર પછી પાંચ લોકોના ભેગા થવા પર મનાઇ કરી હતી. મરકઝ મેનેજમેન્ટે દિલ્હી સરકારના આ આદેશોને સંપૂર્ણપણે અવગણ્યા અને ૧પ થી ૧૭ માર્ચ સુધી દક્ષિણ ભારતીય રાજયોનો જલસો આયોજીત કર્યો. એમાં દક્ષિણની સાથે જ ઉત્તર ભારતીય રાજયોના લોકો પણ હતા. અહીં ર૦ રાજયોના ૧પ હજારથી વધારે લોકો પહોંચ્યા હતાં. 

જનતા કર્ફયુ પહેલા મોટાભાગના લોકો પોત પોતાના ઘરે પાછા ફર્યા હતા. લોકડાઉન જાહેર થયો ત્યારે મરકઝ તરફથી કહેવામાં આવ્યું કે અહીં એક હજાર લોકો ફસાઇ ગયા છે. પ્રશાસને લોકોને અહીંથી કાઢવાનું શરૂ કર્યું તો બુધવાર સવાર સુધીમાં ર૩૦૦થી વધારે લોકોને કાઢવામાં આવ્યા તેમાંથી પ૦૦થી વધારે લોકોની તબિયત સારી નહોતી. તેમને અલગ અલગ હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. એ તો સ્પષ્ટ છે કે મરકઝ મેનેજમેન્ટના કારણે જ કોરોના સંદિગ્ધ દેશભરમાં પહોંચી ગયા. આપને જણાવી દઇએ કે આખું વર્ષ મરકઝમાં રોજ ૭ થી ૮ હજાર લોકો મોજૂદ હોય છે. જોડ અથવા મશવરાના દિવસે આ સંખ્યા ૧ર થી ૧૩ હજાર અથવા તેનાથી પણ વધારે હોય છે. દર ગુરુવારે મૌલાના સાદ અથવા અન્ય મૌલાનાઓને સાંભળવા દિલ્હી એનસીઆરમાંથી મોટી સંખ્યામાં લોકો મરકઝમાં ભેગા થાય છે.

વડોદરામાંથી દિલ્હીના તબલીગી જમાતમાં ગયેલ પાંચ લોકો સામે આવ્યા છે. વડોદરા એસઓજીએ પાંચ શખ્સની અટકાયત કરી છે. આ તમામ હરિયાણાના પાણીપત ખાતે તબલીગ જમાતમાં ગયા હોવાનું ખૂલ્યું છે. આરોગ્ય વિભાગે તમામ પાંચ ઈસમોને હોમ ક્વોરન્ટાઈન કર્યાં છે. અન્ય લોકોની પણ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ટીમ શોધખોળ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here