ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ

અમદાવાદ: ગુજરાતભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. રવિવારે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ટેરેસ ઉપર મન મૂકીને પતંગ ચગાવવા પહોંચ્યા હતા અને સાથે સાથે ચા નાસ્તાની જયાફત ઉડાવી હતી. એ કાઇપો છે…એ લપેટ…ની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. રંગબેરંગી પતંગો, બલૂનોથી આકાશ છવાયું છે. કેટલાક લોકો દ્વારા ડીજે સાઉન્ડ સિસ્ટમના બદલે ઘરની મ્યુઝિક સિસ્ટમ ટેરેસ ઉપર મુકી નિતનવાં ગીતો સાથે પર્વની ઉજવણી કરી હતી. દરમિયાન રાજ્યમાં કેટલાક જિલ્લામાં પતંગના દોરાના કારણે યુવાનો, વૃદ્ધ મહિલા આ સાથે નાના બાળકની પણ ગળું કપાવવાની ઘટના ઘટી હતી.
અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાયેલા રાજ્યના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવેલા પતંગબાજોએ શહેરના રાયપુર અને ખાડિયા વિસ્તારમાં પણ પતંગ ઉડાવ્યા હતા. વિદેશી પતંગબાજોએ આઈ લવ અમદાવાદ કહીને ઉત્તરાયણની મજા માણી હતી. કેન્દ્રિય ગૃહ અને સહકારીકતા પ્રધાન અમિત શાહે ચાંદલોડિયાની પ્રમુખનગર સોસાયટીમાં લોકો વચ્ચે પતંગ ચગાવવા પહોંચ્યા હતા. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય પ્રધાનએ અમદાવાદમાં પતંગ ચગાવી ઉજવણી કરી હતી.
રંગીલા રાજકોટવાશીઓએ ઉત્તરાયણની ઉલ્લાસભેર ઉજવણી કરી હતી. ધાબા પર પતંગ ચગાવવાની સાથે અવનવાં ગીતો પર યુવક-યુવતીઓ ગરબા રમ્યાં હતાં. પુષ્પા ફિલ્મના સામી સામી ગીત પરના યુવતીઓના ડાન્સે આકર્ષણ જમાવ્યું હતું.
અમરેલી જિલ્લામાં સવારથી જ પવન ના હોવાને લઈને પતંગ રસિકોમાં નિરાશ થયા હતા. સવારથી જ લોકો સારો પવન રહે તેની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પવન ના હોવાને લીધે પતંગ રસિકો નિરાશ થઈ નીચે ઉતર્યા હતાં.
સુરતમાં ઉત્તરાયણની ઉજવણી સુરતીઓ ખાસ કરતા હોય છે, પરંતુ આ ઉત્તરાયણની પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા-પીવાના શોખીન સુરતીઓ ઉત્તરાયણ ઊંધિયાની પણ ખાસ મજા માણી હતી. શહેરના તમામ ફરસાણની દુકાનો પર વહેલી સવારથી લોકોની લાંબી લાઈનો લાગી હતી. સુરતમાં હજારો ટન ઊંધિયાની જયાફત માણી હતી.
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત શહેરોમાં મોડી સાંજે લોકોએ દર વર્ષની જેમ ફટાકડા ફોડ્યા હતા. રાજ્યમાં વડોદરા, રાજકોટ, ભાવનગર, દાહોદમાં પતંગના દોરાના કારણે યુવાનો, વૃદ્ધ મહિલા આ સાથે નાના બાળકનું પણ ગળું કપાવવાની ઘટના સામે આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દાહોદ અને ભાવનગરમાં પતંગ ચકાવતા વીજ કરંટ લાગવાની ઘટના બની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here