કેનેડાએ સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓના કારણ વગર વિઝા અરજી રદ કર્યાં

કેનેડાઃ કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ૫૦ ટકાથી વધુ વિઝા અરજીઓને ફગાવી રહ્યું છે. તેમાં પણ મોટાભાગના ભારતીય વિદ્યાર્થીઓની વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવી રહી છે. કેનેડિયન મીડિયાએ એક વિશ્લેષણ બહાર પાડ્યું હતું. જે મુજબ ભારતીય વિદ્યાર્થીઓની ૪૦ ટકા જેટલી વિઝા અરજીઓ કેનેડિયન ઇમિગ્રેશનના સત્તાધીશોએ કોઇપણ કારણ વગર નકારી કાઢી હતી. નોંધનીય છે કે આ એવા વિદ્યાર્થીઓ છે જેમને વિચારણા હેઠળ શૈક્ષણિક સંસ્થામાં પ્રવેશ પણ મળી ગયો હતો, પરંતુ વિઝા રિજેકટ થવાને કારણ હવે કેનેડાની સેંકડો શૈક્ષણિક સંસ્થાઓ હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓથી વંચિત રહી જશે. માહિતી અનુસાર સરકારી યુનિવર્સિટીઓની તુલનામાં સરકારી કોલેજો અને ખાનગી કોલેજોમાં પ્રવેશ માટેની વિઝા અરજીઓ સૌથી વધુ ફગાવાઇ હતી. અહેવાલ મુજબ ભારતમાંથી લગભગ ૪૦ ટકા વિદ્યાર્થીઓ એવા હતા જેમની વિઝા અરજીઓ ‘અન્ય’ અથવા ‘અનિશ્ચિત’ કારણોસર નકારી કાઢવામાં આવી હતી. કેનેડા સ્થિત એક બિન-લાભકારી મીડિયા સંસ્થા ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ફાઉન્ડેશને આ વાતનો ખુલાસો કર્યો છે. રિપોર્ટ અનુસાર કેનેડામાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ભારતમાંથી આવે છે. ડિસેમ્બર સુધીમાં ભારતના લગભગ ૩,૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ સ્ટુડન્ટસ વિઝા પર કેનેડા પહોંચ્યા હતા. કેનેડાના ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ ફાઉન્ડેશન અનુસાર અત્યાર સુધીમાં ભારતીયોની કુલ ૮,૪૫,૮૧૦ સ્ટુડન્ટ વિઝા રિજેકટ કરવામાં આવી. તેમાંથી ૩,૩૬,૨૫૧ વિઝા અરજીમાં તો રિજેકટ કરવાનું કારણ જ ન જણાવાયું. તેની તુલનાએ ચીનની અત્યાર સુધીમાં કુલ ૧૪૫૮૯૬ સ્ટુડન્ટ વિઝા અરજીઓ નકારાઇ હતી. તેમાંથી માત્ર ૪૮૯૩ અરજીઓ જ કોઇ કારણ વગર નામંજૂર થઇ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here