કચ્છની ધરા ફરી ધ્રૂજી ૩.૨ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો

 

કચ્છ: રણપ્રદેશ કચ્છમાં કમોસમી માવઠાં વચ્ચે એકધારા આવી રહેલા ભૂકંપના નાના-મોટા આંચકાઓની વણથંભી વણઝાર યથાવત્ રહેતી હોય તેમ પૂર્વ તરફના ભચાઉ નજીક ૩.૨ તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૦ કિ.મી. દૂર નોંધાયું હતું. ભૂકંપ ઝોન-૫માં આવતા કચ્છમાં છેલ્લે આવેલા મોટા ભૂકંપને બે દાયકાનો સમય વીતી ચૂક્યો હોવા છતાં પણ શા માટે ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે એ અંગે કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસર ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, કચ્છમાં ભૂકંપની ચાર મુખ્ય ફોલ્ટલાઇન આવેલી છે જેમાં વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઇન અને કચ્છમેઇન ફોલ્ટલાઇનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઇનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટાભાગે વાગડમાં જે આંચકા આવે છે તે ૨૦૦૧ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે. જે સમયે ભૂકંપ આવ્યો ત્યારે જમીનમાં ભંગાણ સર્જાયું, જેના કારણે ૬ મીટર જેટલી બે પ્લેટો સામસામે અથડાતા ૭૫ કિલોમીટર સુધી પ્લેટો તૂટી ગઈ હતી. પ્લેટોની નુકસાની આજદિન સુધી યથાવત્ રહેતા અહીં ભૂકંપના આંચકા સતત આવતા જ રહે છે. કચ્છમાં જે પ્રકારની ફોલ્ટલાઇન એક્ટિવ છે, એવી જ એમસીટી નામની ફોલ્ટલાઇન હિમાલયની તળેટીમાં પણ એક્ટિવ થયેલી છે જેમાં સમયાંતરે ભૂકંપના નાના-મોટા આંચકા અનુભવાતા રહે છે.