અમૂલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

અમદાવાદઃ અમુલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી છોડીને તેમના ટેકેદારો સાથે કોંગ્રેસ પક્ષમાં જોડાયેલ છે. છેલ્લી બે ટર્મથી સતત અમુલમાં ડાયરેક્ટર તરીકે ચુંટાઈ આવતા જુવાનસિંહ ચૌહાણે તેમના ટેકેદારો સાથે આજરોજ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલના હસ્તે કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન, અમદાવાદમાં પક્ષનો ખેસ પહેરીને જોડાયા હતા.
રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, કોંગ્રેસ પક્ષના શાસનમાં રાજ્ય અને દેશને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડે તેવી સહકારી સંસ્થા ‘અમુલ’ની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે જગવિખ્યાત તો છે જ સાથોસાથ મહિલા સશક્તિકરણ અને સ્થાનિક રોજગારી તેમજ સહકારી માળખાનું ઉપયોગ દર્શાવતુ ઉત્તમ મોડલ છે. ભારતીય જનતા પાર્ટીની સરમુખત્યારશાહી, અહંકારી વલણ અને સહકારીક્ષેત્ર વિરોધી વહિવટને કારણે ગુજરાતીઓ આજે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે.
આજે આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ વશરામભાઈ સાગઠીયા, મનોજ ભૂપતાણી, હરેશ કોઠારી સહિત મોટી સંખ્યામાં પદાધિકારીઓ-હોદ્દેદારો અને આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા તે સૌને આવકાર કરુ છું.
આ પ્રસંગે જુવાનસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમુલ ડેરીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા બિનજરૂરી રાજકીય હસ્તક્ષેપ થઈ રહ્યો છે અને પરિણામે સભાસદોના હિતને પણ નુકસાન થઈ રહ્યું છે. ભાજપના નેતૃત્વને ખૂબ જ પ્રતિષ્ઠિત સહકારી સંસ્થામાં રાજકીય હસ્તક્ષેપ ન થાય તે માટે વિનંતી કરી હતી, પરંતુ કોઈ જ પરિણામ આવ્યું નથી ત્યારે જનહિતમાં અને અમુલ ડેરીના સભાસદોના હિતમાં મને યોગ્ય લાગ્યું છે કે ભારતીય જનતા પાર્ટી છોડવી જોઈએ અને ગુજરાતમાં એક લોકસેવાની નવી પહેલ સાથે કોંગ્રેસ પક્ષ આગળ વધી રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષમાં સામેલ થવાનો મેં મારા ટેકેદારો સાથે નિર્ણય કર્યો છે. આ પ્રસંગે અમુલ ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન, પ્રવર્તમાન ડીરેક્ટર અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ પરમાર તથા કોંગ્રેસ પક્ષના આગેવાન અને અમુલના ડીરેક્ટર સંજયભાઈ પટેલ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here