અમદાવાદ-સુરત મેટ્રો રેલ ફેઝ-૨નું વર્ચ્યુઅલ ભૂમિપૂજન વડા પ્રધાન મોદીના હસ્તે

 

અમદાવાદ-સુરતઃ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે દેશના મહાનગરોએ અનેક હરણફાળ ભરી છે ત્યારે મહાનગરોમાં આવનારા વર્ષોની જરૂરિયાતોનું આકલન કરીને બહેતર સુવિધાઓ માટે મેટ્રો રેલ પૂરક પુરવાર થશે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ અને સુરત મેટ્રો રેલના ફેઝ-૨નું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કરતા જણાવ્યું હતું. વડા પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે, દેશના સૌથી મોટા વેપારી કેન્દ્રો અમદાવાદ અને સુરત શહેરોને ૧૭ હજાર કરોડ કરતાં વધુ રકમની મેટ્રો રેલની સુવિધાથી જોડીને પરિવહન જોડાણ માટે ઐતિહાસિક કદમ ઉઠાવ્યું છે જે આવનારા સમયમાં ગુજરાતને એક આગવી ઓળખ અપાવશે. 

આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે આ મેટ્રો રેલ પ્રોજેક્ટ એક નવો રાહ ચીંધનારો બનશે. અમદાવાદ મેટ્રો ફેઝ-૨માં મોટેરાથી મહાત્મા મંદિર સુધીનો એક કોરિડોર અને જીએનએલયુથી ગીફટ સીટી સુધીનો બીજો કોરીડોર બનશે જે અમદાવાદ ગાંધીનગરના લાખો નાગરિકોને યાતાયાતની સુવિધામાં વધારો કરશે. એ જ રીતે સુરતમાં પણ સરથાણાથી ડ્રીમ સિટી અને ભેસાણથી સંથેલીને જોડશે જેનું આવનાર સમયને પારખીને આયોજન કરાયું છે. 

વધુમાં તેમણે ઉમેર્યું કે ભૂતકાળની સરકારોએ શહેરોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે કોઈ નક્કર આયોજન કર્યું નહિ અને કોઈ ચોક્કસ નીતિ પણ નહોતી. શહેરો પોતપોતાની રીતે મેટ્રોનું આયોજન કરતા હતા. તેથી આગળ વધીને અમે મેટ્રો પોલિસીનું નિર્માણ કરીને રાજ્યોની અન્ય કનેક્ટિવિટી સાથે જોડીને એકરૂપતા લાવવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, અમદાવાદ મેટ્રો રેલ પરિયોજના ચરણ-૨ અને સુરત મેટ્રો રેલના શિલાન્યાસ તથા ભૂમિપૂજનથી આજે ગુજરાતની વિકાસયાત્રામાં વધુ એક યશનું છોગું ઉમેરાયું છે, જે શહેરી વિકાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ એક પડાવ આગળ લઈ જશે. 

કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી વિકાસ રાજયપ્રધાન હરદીપાસિંહ પુરીએ ગુજરાત માટે આજે સોનાનો સૂરજ ઊગ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પરિયોજનાના બીજા ચરણનો અને સુરત શહેરની મેટ્રોના પ્રથમ ચરણના શિલાન્યાસ અવસરને ભવિષ્યના આધુનિક ગુજરાતના નિર્માણની પાયાની ઇંટ સમાન ગણાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here