યુએનમાં 135 દેશોના પ્રતિનિધિઓએ યોગ કરી વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો

ન્યુ યોર્ક: વિશ્વભરમાં નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21મી જૂને ઉજવણી કરવામાં આવી હતી, જેમાં કરોડો લોકોએ ભાગ લીધો હતો. એટલુ જ નહીં સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલા યોગ કાર્યક્રમે મોટો વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે અને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ૧૩૫ દેશોના પ્રતિનિધિઓએ એક સાથે યોગ કરીને આ વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો હતો.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, યોગ ભારતથી આવ્યો છે પણ તે કોપીરાઇટ અને રોયલ્ટી વગેરેથી મૂક્ત છે. તેના પર કોઇનો હક નથી. યોગ જીવન જીવવાની એક રીત છે. આજે દરેક દેશના પ્રતિનિધિઓને એક સાથે યોગ કરતા જોઇને હુ બહુ જ ખૂશ થયો છું, મને યાદ છે નવ વર્ષ પહેલા અહીંયા સંયુક્ત રાષ્ટ્રમાં જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મુકવાની મને તક મળી હતી. સમગ્ર વિશ્વએ ભારતના આ પ્રસ્તાવને સમર્થન આપ્યું અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અસ્તિત્વમાં આવ્યો. હવે નવ વર્ષે વિશ્વભરના દેશોના પ્રતિનિધિઓને એક સાથે યોગ કરતા જોઇને બહુ જ આનંદ થયો. યોગથી આપણે તંદુરસ્ત બનીએ છીએ, માનસિક શાંતિ મળે છે, યોગ જીવન જીવવાનો એક રસ્તો છે. યોગને એકબીજા પ્રત્યે દયાભાવ દાખવવા માટે પણ ઉપયોગ થવો જોઇએ.
વડાપ્રધાને આ દરમિયાન ૧૩૫ દેશોના પ્રતિનિધિઓ, સંયુક્ત રાષ્ટ્રના વડા અને અધિકારીઓ, હોલિવૂડ એક્ટર રિચર્ડ ગેરે, વિખ્યાત અમેરિકી સિંગર મેરી મિલબેન પણ જોડાઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભદ્રાસન, ઉષ્ટ્રાસન, ઉત્તાન શિશુનાસન, પવન મુક્ત આસન, શવાઆસન, કપાલ ભાતિ કર્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે યોગે વિશ્વને એક કર્યું, ભારતના આહવાન પર ૧૮૦ દેશો આગળ આવ્યા અને ૨૧મી જુને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાની સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેરાત કરવામાં આવી. યોગ સ્વસ્થ અને શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે, જ્યાં સામૂહિક ઉર્જા બધુ જ હોય છે. યોગ એક વિચાર હતો, જેને વિશ્વએ અપનાવ્યો છે. યોગે હંમેશા જોડવાનું કામ કર્યું છે, ભારતે હંમેશા જોડવાનું કામ કર્યું છે અને અંગીકાર કરવા અને અપનાવવાની પરંપરાને પ્રોત્સાહન આપ્યું છે. યોગથી આપણે અવરોધો દૂર કરવાના છે અને એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્પિરિટને સમગ્ર વિશ્વ સમક્ષ એક ઉદાહરણ તરીકે રજુ કરવાનું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂયોર્કમાં અમેરિકાના ટોચના બુદ્ધિજીવીઓની સાથે મુલાકાત કરી હતી. મોદીએ અહીંયા અમેરિકાના ટોચના અર્થશાસ્ત્રના પ્રોફેસર પૌલ રોમેર, હેડ્જ ફંડના ઇન્વેસ્ટર-કો ફાઉન્ડર, બ્રિજવોટર અસોસિએટ્સના રેય ડેલીઓ સાથેની મુલાકાતમાં ભારતમાં થયેલા વિકાસ અંગે વાતો કરી હતી.
વડાપ્રધાન મોદી અને પ્રોફેસર રોમેરે ભારતની ડિજિટલ જર્ની વિશે વાત કરી હતી. આ ઉપરાંત આધારકાર્ડ, ડિજિલોકર, શહેરી વિકાસ માટે લેવાયેલા પગલા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. પ્રોફેસર રોમેર સાથેની બેઠક અંગેની જાણકારી વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને આપી હતી. આ ઉપરાંત અમેરિકાના બૌદ્ધિષ્ઠ સ્કોલર, લેખક અને પદ્મશ્રી પ્રોફેસર રોબર્ટ થરમન સાથે પણ મોદીએ ચર્ચા કરી હતી. વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં બૌદ્ધિક વિચારધારા કેટલુ યોગદાન આપી શકે તેના પર બન્નેએ ચર્ચા કરી હતી. મોદી અમેરિકાના મેથેમેટિકલ સ્ટેસ્ટિસિયન, એકેડમિયન અને લેખક પ્રોફેસર નસ્સીમ નિકોલસ તાલેબ સાથે પણ બેઠક યોજી હતી. અન્ય બુદ્ધિજીવીઓ આ બેઠકમાં જોડાયા હતા .