જિનપિંગના ત્રીજા કાર્યકાળમાં વેપાર, માનવાધિકાર, સુરક્ષા,  મુદ્દે વધુ તંગદિલીનો સામનો કરવો પડશે 

 

બેઇજિંગ: શી જિનપિંગ ત્રીજી વખત ચીનના રાષ્ટ્રપતિ બની ગયા છે. જિનપિંગને પરંપરાની વિરૂદ્ધ પાર્ટી નેતૃત્તવ માટે પાંચ વર્ષ માટે ત્રીજી વખત કાર્યકાળ સોંપવામાં આવ્યું છે. તેમને સાત સભ્યોવાળી પાર્ટીની સ્થાયી સમિતિની સભ્ય નોમિનેટ કરવામાં આવ્યા છે અને સમિતિએ તેમને પોતાની યોજનાઓ પર અમલ કરવાની મંજૂરી આપી છે. ત્રીજી વખત ચીનની ગાદી મેળવનારા જિનપિંગ વિશ્વ માટે મોટી મુશ્કેલી બની શકે છે. નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જિનપિંગના ત્રીજા કાર્યકાળમાં વિશ્વને વેપાર, સુરક્ષા અને માનવાધિકાર મુદ્દાઓ પર તંગદિલીનો સામનો કરવો પડશે. નિષ્ણાતોએ આ સમીક્ષા જિનપિંગનું સત્તાધારી પક્ષ ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીસી)નું ત્રીજી વખત નેતૃત્ત્વ સંભાળવા પર કરી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર જિનપિંગ ઘરેલુ સ્તરે નિયંત્રણ કડક બનાવી રહ્યાં છે અને ચીન વિદેશમાં પ્રભુત્ત્વ વધારવા માટે પોતાની આર્થિક શક્તિઓનું ઉપયોગ કરી રહ્યું છે. અમેરિકા છેલ્લા ઘણા સમયથી આરોપ મૂકી રહ્યું છે કે ચીન તેના ગઠબંધન, વૈશ્વિક સુરક્ષા અને આર્થિક નિયમોનું મહત્ત્વ ઘટાડવાના પ્રયત્નો કરી રહ્યું છે. માનવઅધિકાર કાર્યકરોએ આરોપ મૂક્યો છે કે જિનપિંગ સરકાર પ્રજા પર દમન અંગે થઇ રહેલી ટીકાઓથી ધ્યાન હટાવવા માટે સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકારની પરિભાષા બદલવાના પ્રયત્નો કરી રહી છે. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના વિલિયમ કેલહેનના જણાવ્યા અનુસાર  જિનપિંગ  કહે છે કે વિશ્વ વ્યવસ્થા ધ્વસ્ત થઇ રહી છે અને ચીન પાસે આ સમસ્યાનો ઉકેલ છે.