બાકોરું

આખી રાત વીજળીના ચમકારા અને મેઘગર્જનામાં ઊંઘી ન શકેલાં રાજબા, પાછલા પ્રહરમાં ઝોકું ખાઈ ગયેલાં. પરોઢિયે ઊઠવાનું મન થયેલું, પણ ઠંડા પવનમાં શરીરે તાવ જેવું લાગતાં, માથે ચાદર ઓઢીને સૂઈ રહેલાં.
મનમાં ગઈ કાલનો ઉકળાટ વધતો જતો હતો.
અઠવાડિયાથી દોડ્યા કરતી નાની-નાની વાદળીઓની જગ્યાએ ગઈ કાલથી કાળાં વાદળાંના પહાડ રચાવા માંડ્યા હતા. સૂરજ ઘડીક ડોકિયું કરતો ને વાદળોમાં રોકાઈ જતો. પવન તો સવારથી જ નહોતો.
રાજબા અટારીમાં જઈ બેઠેલાં. સીસમની જૂની આરામખુરસીમાં હળવેથી પગ સીધા કરવા ગયેલાં ને ઢીંચણમાં કડાકા બોલેલા. જૂની-પુરાણી ખુરસીમાં આછેરો કિચૂડાટ થયેલો. આંખ પરથી ચશ્માં હટાવેલાં. ઝાંખું-પાંખું લાગેલું. દરબારગઢના રસ્તા પર ખવાસણોનાં ખોરડાં ઊભાં હતાં. એમાંનાં કેટલાંક અડધાં-ખરાં પડી ગયાં હતાં. તો કેટલાંક પડવાને વાંકે જ ઊભાં હતાં. સામસામેની ઓળ વચ્ચે દરબારગઢનો રસ્તો ઊબડખાબડ થઈ પડ્યો હતો.
રાજબાને દરબારગઢની જાહોજલાલી ઘડીક માટે આળસ મરડીને ઊભી થતી લાગેલી
ઝળાંહળાં રોશનીમાં આખોય દરબારગઢ દીપી ઊઠેલો. આગળ આગળ તેજ રફતારે ઘોડી દોડાવતા દરબાર માલોજી અને પાછળ માફામાં બેઠેલાં રાજબા… માર માર કરતા ઘૂઘરમાળ રણકાવતા ચાલ્યા જતા બળદોનાંય સજેલાં-ધજેલાં અંગો… ઉનાળુ વાયરે ઊડવા માંડતો આ દરબારી રસ્તો ત્યારે લાલ રંગના જોધપુરી પથ્થરથી જડેલો હતો! રોજ સવાર-સાંજ પાણી છંટાતું ને સફાઈ કરનારા ટોપલા-સાવરણા લઈને, એક પા ઊભાં ઊભાં સલામો ભરતા. ખવાસો દરબારગઢમાં ગોલપણાં કરીને રાજી રહેતા. દરબારના એક ખોંખારે સૌ ધ્રૂજી ઊઠતા. હુકમ વગર ચકલુંય ફરકી શકતું નહોતું. ગઢમાં ભરાતી કચેરી હકડેઠઠ્ઠ રહેતી. હુક્કા-પાણી ને અમલ-કસુંબા ઘોળાતા રહેતા. ભાટચારણોના દુહા-છંદની રમઝટ જામતી. રાત ઝળાંહળાં થઈ ઊઠતી.
રાજબાને અટારીમાં ઊડી આવતો આથમણો વાયરો શરીરે ચટકવા લાગેલો. ચહેરા પર ધૂળની રજોટી વાગેલી. આંખમાં કસ્તર જેવું આવી ભરાણું. માથેથી સરી પડેલા સાડલાની કોર આંખે અડાડીને આંખ સાફ કરવા મથેલાં.
દરબાર માલોજીના ગયા પછી ખવાસોએ ગઢની પાછળ દબાણ કરેલું. ત્યાં હવે પાકા ઓરડા બંધાઈ ગયા છે. ચંપાનો દીકરો ભરત શહેરમાં ભણીને હમણાંથી ગામમાં જ રહે છે. હવે ચંપા નથી, ચંપાનો ઘરવાળો પનો ખવાસ નથી ને દરબારેય નથી
બે દિવસ પહેલાં ભરતને અહીંથી નીકળતો જોયેલો. અટારીમાં બેઠે બેઠે જ બૂમ પાડીને બોલાવવાનું મન થયેલું, પણ સાદ દબાઈ જતો હોય એમ લાગેલું.
ક્યાં સુધી ત્યાં કણે બેસી રેશો બા, પાછલા ઓરડે લાઇટ ચાલુ કરતાં કનકબા બોલેલાં. પીળચટ્ટા અજવાસમાં કનકબાનો દેહ કંચનવર્ણો લાગતો હતો. ઓઢણાનો છેડો આંગળીએ વીંટાળતાં આવી રહેલાં કનકબા અને સહેજ અંજાઈ ગયેલાં રાજબા.
અહીં પહેલાં તેલિયા દીવા હતા. લાઇટ તો આ ધૂળિયા મલકમાં ખૂબ પાછળથી આવેલી. દરબારગઢમાં વીજળીના દીવા પ્રગટ્યા ને આખું ગામ જોવા ઊમટેલું. રંગરોગાન, ઝુમ્મર-હાંડી, ગઢના કાંગરા, ઝબક ઝબક એનું અજવાળું ગઢના રસ્તે એવું પથરાયું કે ખવાસવાસે રાત નહિ, દહાડો ઊગતો ભાળેલો. એ રાતે કાંય લોક નાચ્યું છે! જલસામાં ડૂબેલા માલોજી દરબાર મોડી રાતે ઓરડે પધાર્યા ને જાણે આંખો અંજાઈ ગઈ હોય, એમ આંખ પર હથેળી પસવારતાં રાજબાને જોઈ રહેલા.
રેલ નદીની લંબાતી દિશાએ રચાતા મેઘાડંબરમાં વીજળીના ચમકારા દેખાયા એ ઘડીએ કનકબા – લ્યો, ઊઠો હવે માંયલી કોર બોલતાં રાજબાને અંદર લઈ ગયેલાં. જેડિયાના ટેકે ઊભાં થયેલાં રાજબાએ બીજા હાથે કનકબાનો ખભો ઝાલેલો. આ શું, બા? હું છું પછી કરતાં કનકબાએ ઝડપથી રાજબાના હાથમાંનો જેડિયો લઈને ખૂણામાં ફેંકેલો. જેડિયા પર મઢેલું ચાંદીનું પતરું ક્યારનુંય ઊખડી ગયું હતું. ફેંકાયેલા જેડિયાનો બોદો અવાજ ઘડીકમાં બંધ થઈ ગયેલો. રાજબાને થયેલું – બીજું છે પણ કોણ? એક જેડિયો કાં એક તમે પણ વળતી જ પળે મનમાં ઊઠતા વિચાર પર ખિન્ન થઈ જવાયું હતું.
ચંપાની યાદ આવી ગયેલી.
ખવાસવાસની ચંપાએ રાજબાનું મન હરી લીધેલું. દાયજામાં આવેલી સીતા ઝાઝું ટકી નહોતી. દરબારગઢમાં જ પ્રાણ છોડેલા. છેક સુધી કશું કળાવા ન દીધેલું. પછી, ચંપા રાજદાસી બની. મનમાં ખટકો હતો કે, આવી આ ક્યાંક મારી જગ્યા, પણ ચંપાય પેલી સીતાની જેમ ભલીભોળી
દૂર દૂરથી ઊઠતી ડમરીઓ ગઢ ફરતે વીંટળાવા માંડેલી. માલોજી, ચંપા અને જામતી રાતો. ચંપા તો ખવાસણ, એનો ઘરવાળો પનો ધક્કો મારીને ગઢમાં મોકલે – રાજા સે આપડા ઇમની ખુશીમાં આપડી ખુશી, ભાયગ આપડાં કે ઇમની નજર આપડે ખોરડે ઠરી, કહી ગળતી રાતનો નશામાં બબડે. ચંપાને એક પા માલોજી ખેંચી રાખે ને બીજી પા પનો ખુશ ઝળહળતા દીવડે રાજબાને અંધારાં ભળતાં.
ધૂળિયા મલકની ઊપજમાં દુકાળના ઓળા ઊતર્યા કરે. ઉંમરનાં એંધાણ કારમાં હતાં. ચંપાના પેટ ભરત જન્મ્યો, ને રાજબાને પેટ કનકબા. નપાણી ધરતી પર થોરિયાય સુકાવા માંડ્યા. થોરિયાની વાડે વેલા પાંગરેનાં સપનાં થઈ પડેલાં.
અંદરના ઓરડે આવી બેઠેલાં રાજબાએ ખાધું ના ખાધું કર્યું ને પથારીમાં પડેલાં. વીજળીના તેજલિસોટા સાથે વાદળાંના પહાડ સરકવા માંડ્યા. ને મેઘગર્જના ચાલુ થઈ ગયેલી.
પોતાને અટારીમાંથી ઉઠાડીને પથારીમાં સુવડાવી ગયેલાં કનકબા પોતે જ અટારીમાં જઈ ઊભાં છે એય રાજબાને ધ્યાનમાં હતું. વરસાદી તોફાન ભેળી લાઇટ ગયેલી. અંધારધપ ગઢને માથે પવન સાથે ઝીણી ફર્ ફના છાંટા તડ્ તડ્ થવા માંડેલા.
તારો દીકરો બવ હોશિયાર થશે હાં પના! એને ભણાવજે. પનો ના પહોંચતો હો તો ઈના ભણતરનું મારે માથે. ચંપાના ગયા પછી દરબાર જાણે એકલા એકલા લાગતા હતા. આંખો અંજાઈ ગયાની પેલી ઘડી રાજબાને સાંભરી જતી, પણ એમણે જ આંખો આંજી લીધી હતી! દરબાર સાથે બોલતાં એય ઠીક, કામ પૂરતું જ એમનું ધ્યાન કનકબામાં રહ્યા કરતું. એ ભલાં ને રમતી-કૂદતી કનકબા ભલી.
ભરતને જોઈ; હેંડ ચા તો ભાળો જાંણી! જેવું બોલીને અટકી જતું ખવસોનું ટોળું હવે રાજબાને કઠતું હતું. હુકમ વગર ચકલુંયે ફરકી ન શકે ત્યાં ગોલપણાં કરનારની જીભ લાંબી થતી લાગેલી. હવે કોઈ ઝટ્ દોડી આવતું નથી. પનો હતો ત્યાં લગી દરબારના ગયા પછીયે ગઢમાં પડ્યો બોલ ઝીલ્યા કરતો. રાજબાને એક બાજુ દાસીઓના હેવાયા થઈ પડેલા દરબાર પર નફરત થતી તો બીજી બાજુ દરબાર વિનાના ગઢની દશા જોઈ નથી જતી.
વાહ! જબરું ગોટપિટ બોલે છે લ્યા ભરત તું કાંઈ! આવ, આવ લે, આ કનાબાનેય કાંક શીખવાડ… દરબાર બોલેલા.
ચોકમાં એકલી એકલી પાંચીકા રમતી કનકબા ભરતના જોડે રમવા દોડી જતી.
રાજબા અંદરના ઓરડે બેઠાં બેઠાં જોઈ રહેતાં.
ભરત અંગ્રેજી શીખવા જતો ને કનકબા એનો હાથ પકડી, પકડદાવ રમવા ખેંચી જતાં. ગઢમાં બીજા કોઈનું છોકરું પ્રવેશી શકતું નહિ. ચંપાની આંગળી પકડીને આવતા ભરતને દરબાર હરખથી જોઈ રહેતા એ રાજબાથી અછાનું નહોતું. કનકબા પછી એકાદ કુંવરની ઝંખના ઘેરી વળેલી, પણ દરબારના માથે પળિયાં ઊગવા માંડ્યાં હતાં. નસ નસમાં રંગત ફૂટીને હાંફી રહી હતી. જોમ તૂટતું જતું હતું. ગઢ ફરતો અથડાયા કરતો આથમણો વાયરો દેકારો દેતો હતો. રંગરોગાન તો ક્યારનુંય ધૂળ ધૂળ થઈ ગયું હતું. પોપડાં ખરવા માંડ્યાં હતાં. દેશી નળિયાંમાં બધું સમ્ સમ્ કરતું ઊંચું-નીચું થઈ ગયું હતું. ક્યારેક હેલી થતાં અંદર બધું ચૂવા માંડતું. ચૂવા સંચનાર થાકીને – બાપલા હવે આ નળિયે કાંય મેળ ના પડે કહેતાં ખાલી અમથા ગઢને માથે ગુડાવાળીને બેસી રહેતા. એક વચ્ચેનો કૂવો નપાણિયો થઈ પડ્યો હતો. પાણી સીંચી સીંચીને ઝાડવાં લીલાં રાખનારાને તો ગઢમાં છાંડ્યો ભાળે વહાણાં વાયાં હતાં. રાજબાના ઓરડા લગોલગ ઊભેલાં ઝાડ ફરતે વીંટળાતી અમરવેલ અને પેલું ઝાડ ત્યાં હવે ગાંડા બાવળની ટૂંક ફૂટી નીકળી છે. વાંદરાઓ હૂપાહૂપ કરતા આવે છે ને પછી ઊજડ ચોકમાં કૂદકા ભરતા વટી જાય છે. દૂરના નગરમાંથી પાણીની પાઇપ નખાઈ છે. અઠવાડિયે મીઠું પાણી આવે તો આવે, નહિતર ખારા પાણીની ડમકીઓ ઊંચી-નીચી થતી રહે છે કનકબા પાણીનો ઘડો ભરી લાવે છે. ક્યારેક ભરત આવી ચડે છે. મીઠા પાણીનો નળ ચાલુ હોય, તો પાઇપ જોડી આપે છે. પછી ગઢમાં એકલાં કનકબાને ભરત સાથે ધક્ક-મુક્કી, હસા-હસી કરતાં રાજબા ઉપરના ઓરડેથી જોઈ રહે છે. ગઢનાં કમાડ ભોગળ વિનાનાં ઊભાં છે. એનાં પાટિયાં ખવાઈ ગયાં છે. એક ખસલું કૂતરું રોજ કમાડની આડશે પડ્યું રહે છે. બહારથી દોડી આવતો કાળિયો કૂતરો એને ઘૂરક્યા કરે છે. ઘુરકાટ સાંભળીને કોઈ રડ્યું-ખડ્યું, છૂટો પથ્થર ફેંકે છે. એનો ઘા ચોક સુધી રમરમાટ કરતો આવી અથડાય છે. કુણ છે, કનકબા? ભાળો તો રાજબા બોલે છે, પણ કનકબા પાછલા ઓરડેથી ઝટ નીકળતાં નથી. પાછળ ગઢનો કોટ પડી પડીને ખાસો નીચે લાગે છે. ખવાસોએ કરેલા દબાણમાં ઊંચા ઓરડા દેખાય છે. ત્યાંથી ભરત એના ઓરડાની મેડી પર ઊભેલો જોઈ શકાય છે. રાજબા ક્યારેક એ બાજુની અટારીમાં જઈ બેસે છે. ને ભરત એની મેડીમાંથી ઊતરી પડે છે. રાજબાને ભરત જોવો ગમે છે. એને ગઢનો વારસ નીમવાની ઇચ્છાય થઈ આવે છે, પણ કુટુંબવાળા ટાંપીને બેઠા છે. રાજબાને એ લોકો ગમતા નથી.
વીજળીનો ચમકારો આભને ચીરતો ગઢમાં ફરી વળેલો. અટારીમાં જઈ ઊભેલાં કનકબાની પીઠ રાજબાની આંખમાં આછી આછી વરતાયેલી. તસતસીને બાંધેલા કબજાની કસનો છેડો કમર લગી લટકતો હતો. ઝીણી રેશમી સાડીમાં હવા આવી ભરાતી હતી. ડોકમાં પહેરેલા હારની સેર પછવાડે કાળો રેશમી દોરો પીઠ પર હલી રહ્યો હતો. એનો વળાંક ગઢના કાંગરે લટકતા નાગ જેવો લાગતો હતો.
રાજબા લાંબો શ્વાસ લેવા ગયેલાં, પણ અંદરથી ભારેખમ નિઃશ્વાસ નીકળી ગયેલો. કનકબા હવે સાસરે જવા રાજી નથી. છાતીસમો ઘૂમટો ખેંચીને આખો દિવસ હવેલીમાં પુરાઈ રહેવું કનકબાને કઠે છે. દરબારની જોહુકમી એમનાથી વેઠી જવાતી નથી. એ રાજબાને મળવા આવ્યાં એ આવ્યાં. હવે એ પાછાં જવા ના પાડે છે. ત્યાં દરબારે બીજાં લગ્ન કરી લીધાં છે.
રાજબાના માથામાં મેઘગર્જના વાગવા માંડી હતી. સણકા ઊપડતા હોય, એવી વેદના એમને ઊંઘવા દેતી નહોતી. ભરત આવે, તો, ગઢમાં કશુંક ઠીક રહેતું હોય, એમ લાગતું, પણ અંદરથી ગઢનો હુંકાર નીકળવા મથતો. રાજબાનો દેહ ટટ્ટાર થઈ જતો. ચહેરાની કડપ વધી જતી. દરબારના જીવતાં ગઢના ચોકમાં એકબીજાનો હાથ પકડીને રમત રમતાં કનકબા અને ભરતને જોતાં જ એ ક્યારેક હાકોટો કરી બેસતાં. એમના હાકોટામાં હુકમ વર્તાતો. કનકબા કૂદકા ભરતાં અટકી જતાં ને ભરત વીલે મોઢે ગઢની બહાર નીકળી જતો.
છોરાં છે ખેલવા દો ને! ને ભરતો ક્યાં અજાણ્યો છે નાહકનો ગુસ્સે થાવ છો… દરબારના શબ્દો ચોકમાં તડ્ તડ્ થઈ રહ્યા હોય, એવું રાજબાને લાગવા માંડ્યું. રાતનો ઉજાગરો અને શરીરે ઝીણો તાવ… રાજબાએ માથેથી ચાદરો હટાવ્યો. વેળા વહી ચૂકી હતી. રોજ વહેલા ઊઠીને કનકબાને જગાડતાં રાજબા આજ મોડાં પડ્યાં હતાં. હળવા વાયરા ભેળાં વરસાદી ફોરાં હજુ ચાલુ હતાં. રંગ ઊખડેલી ગઢની દીવાલો કાળીધબ્બ થઈ ગઈ હતી. ગઢ માથેથી નીતરતા વરસાદી રેલા હજીયે ચાલુ હતા. મોડી રાતે ઉપરા-છાપરી કડાકા થયેલા. કનકબા પેલી તરફ પડખું ફરીને સૂતાં હતાં. પાછલો દરવાજો બંધ હતો. પવનના સુસવાટા અથડાયા કરતા હતા. બારી ખૂલી ગઈ હતી. બારીમાંથી આવતા પવનથી વાછટને લીધે ઓરડો ભીંજાઈ ગયો હતો. ઊભા થવાય એમ નહોતું, તોય એ જેડિયાના સહારે ઊઠીને પાછલા દરવાજા સુધી ગયેલાં. સાંકળ ભીડેલી હતી. બારી બંધ કરવાનું મન થયેલું, પણ પાછો ઉકળાટ લાગશેના વિચારે પથારીમાં આવી, આડાં થયેલાં. કનકબાને ઊંઘ વળી છે, ભલે ઊંઘતાં જેવું વિચારીને માથે ચાદર ઓઢાડવા ગયેલાં. કનકબા પડખું ફરતાં હોય એવું લાગેલું. જાગો છો કનકબા? એમણે સવાલ કરેલો. કનકબા ઊંઘરેટા ચહેરે જોયું ના જોયું ને ફરી પાછાં હતાં એમ સૂઈ ગયેલાં.
રાજબાને આખી રાત ઊંઘ ન આવી. પડખાં ઘસતાં રહેલાં. ગઢના દરવાજા ભણીની બારીની તિરાડમાં જોતાં ને આખેઆખો દરબારગઢ ઊભો થઈ જતો! જામેલી રંગતમાં મોડેથી ઊઠતા દરબારનો પડછાયો પોતાના ઓરડા આગળથી લથડાતો લથડાતો આગળ વધી જતો હોય એવું લાગ્યા કરતું. રાજબા ઝડપથી પડખું ફરી જતાં.
પાછલા દરવાજે અડધી ખૂલી રહી ગયેલી બારી તરફ મોં રાખીને સૂતેલાં કનકબાની પીઠ પરથી રેશમી સાડી ખસી ગઈ હતી. કાળો રેશમી દોરો પીઠ સાથે ગૂંચળાની જેમ ચીપકેલો દેખાણો. રાજબા એક નજર કનકબાની પીઠને જોતાં પડ્યાં રહેલાં. એમને થતું હમણાં કનકબા આ તરફ પડખું ફેરવશે પછી તેમની સાથે, ઊંઘ નથી આવતી કે શું કનકબા?નો સવાલ કરીને વાત કરશે, પણ કનકબા આ તરફ ફરતાં જ નહોતાં. આખો દી કામ કર્યા કરે છે, ગઢની સાર-સંભાળથી લઈને પોતાને ટેકો દઈને ઉઠાડવા-બેસાડવા સુધીની દોડાદોડ રહે છે એમને. થાક્યાં હશે. ભલેને સૂતાં મનોમન બબડતાં રાજબા આંખ મીંચીને ઊંઘવા મથ્યાં, પણ રહી રહીને કનકબાની ચિંતા ઘેરી વળવા માંડેલી. પોતે છે ત્યાં સુધી, પછી એમનું શું? મનમાં નક્કી થતું રહ્યું, ગઢની દીકરીને ક્યાં સુધી બેસાડી રખાય, પરગામ રહેતાં કુટુંબીઓ ગમતાં નહોતાં. તોય નક્કી કરી લીધું કે, કાલે સવારે તો બોલાવું બધાંયને કનકબાને એમના સાસરે મોકલવાનું કરવું પડશે. બીજાં લગ્ન તો થાય નહિ. ને ઘરમાં કેટલા દી બેસાડી રખાય? આ તો અસ્ત્રીનો અવતાર મનોમન વિચારતાં રાજબાને ઘડીક ભરત યાદ આવી ગયેલો. એય મૂવો ભણીગણીને આંહી ગુડાણો છે, કશે નોકરીધંધેય લાગતો નથી. ગમે એવો રૂડો-રૂપાળો હોય તોય શા કામનો? આખર તો ગોલાની જાતને! ના, ના કાલ તો એ આ બાજુ આવે તો રોકડું પરખાવવું પડશે. એને મોંએ ના ચડાવાય, ભલે કનકબાને માઠું લાગે. એક-બે ટંક ભૂખ્યાં પડ્યાં રેશ ને બોલશે નહિ એ જ ને, અરે એમ જ થાય તો ભલું જ થાય, લાડમાં ને લાડમાં કશું બોલાયું નથી તે એ બહાને – જાવ કનકબા તમારે ઘરે જાવ, અહીં બાપના ઘરે કંઈ જીવતર ના કઢાય અબી હાલ હેંડતાં થાંવ લ્યો, આ માણસો મેલવા આવે, પણ કનકબાને સાસરે જવા કરતાં પોતાની સાર-સંભાળની ચિંતા રહ્યા કરે છે એ વાતોએ અટકીને ઊભાં રહેશે તો? મનમાં ઊઠેલી મૂંઝવણને મનમાં જ ઊકેલવા મથતાં હોય, એમ રાજબા ઘડીક ચૂપ થઈ ગયેલાં. કનકબાની પીઠ પર ગૂંછળું વળીને ચીપકેલો કાળો રેશમી દોરો જાણે હલતો ગયો. બાજુમાં જ પથારી હતી. રાજબાએ જેડિયાનો ટેકો લીધેલો. હળવેથી ઊઠીને કનકબાની પીઠ પર ચાદરો ઢાંકી દીધેલો. પછી, દરબારગઢના દરવાજા ભણી મોં કરીને દૂર દૂર સુધી જોતાં રહેલાં. વરસાદ વરસતો હતો. પવન સુસવાટા લેતો હતો.
કાલે જ મોકલું માણસને, કુટુંબીઓને બોલાવી લાવે. પરમ દી કનકબાને વળાવી દઉં. પછી ભરતો ભલે અહીં આવતો-જતો. એનો બાપ પનો જીવ્યો તાં લગણ સેવા કરતો રેલો. ભરતો સેવા કરશે ને એમ મારુંય ચાલ્યા કરશે, પછી વાંધો નહિ. નકર કોક દી વેળા-કવેળા થઈ તો ગઢને માથે લોક થૂંકે ને વખ ઘોળવા દાડો આવે. ભલે દરબારે જે રંગ ખેલ્યા તે ભલે ઇમાં કોઈ ચૂં કે ચાં ના કરી હકે, પણ આ તો હાવ અવળું જ..
આકાશને ચીરતા તેજલિસોટા સાથે જબરદસ્ત મેઘગર્જના થયેલી. રાજબા ગભરાઈ ગયેલાં, વીજળી પડી કે શું! ઘસઘસાટ ઊંઘતાં કનકબા ઝબકીને જાગી બેઠાં થઈ ગયેલાં. કોઈ કશું બોલ્યું નહિ. અંદરના ઓરડે નાનકડા ગોળાનું પીળચટ્ટું અજવાળું ડૂલ થઈ ગયેલું. અંધારપટ્ટ છવાઈ ગયો ને મોડેથી રાજબાની આંખ મળી ગયેલી.
ઊઠવું નહોતું, પણ વેળા વહી ગઈ હતી. એમને નવાઈ લાગી. કનકબા ક્યાં? રોજ તો વહેલાં ઊઠીને કનકબાને જગાડતાં ત્યારે એ ઊઠતાં; પણ આજ વહેલાં ઊઠી ગયાં કે શું? જેડિયો હાથમાં લીધો. શરીર તાવથી ધ્રૂજતું હતું. ઊભાં થવા ગયાં, પણ ઓરડાના તળિયા પર જેડિયો ખસી ગયો. માંડ માંડ સમતોલ જાળવ્યું. બહાર ટપક્ ટપક્ થતો વરસાદી અવાજ ચાલુ હતો. ઠંડક વળી હતી. મનમાં થયું. હાશ! સારું થયું, વરસાદ થયો એ નહિતર ગઈ કાલનો ઉકળાટ તો તોબા પરભુ!
આખી રાતના વરસાદની વાછટ પાછલી બારીમાંથી ઓરડા લગી પથરાઈ હતી. પાછલા દરવાજા સુધી સાચવીને હળવા પગલે રાજબા આવ્યાં. નીચે કશોક અવાજ થયો. ગઢનાં કમાડ ભીડેલાં હતાં. ચોકમાં ખાસ કોઈ દેખાતું નહોતું. વાંકાં વળાય એમ નહોતું તોય એક હાથે અટારીનો ટેકો લઈને નીચે જોયું. કાળો રેશમી દોરો નેવાં નીચે વહેતા પાણીમાં તણાઈને કોટ લગી જઈ પડ્યો હતો. ચોકમાં બાંધેલા તાર પર લૂગડાં નાખવા જતાં કનકબા ભીંજાયેલાં હતાં. કશુંક પડવાના અવાજ વચ્ચે સહેજ મોટો અવાજ થયો. રાજબાના બીજા હાથમાંથી જેડિયો છૂટી ગયો. શું પડ્યું કનકબા? બોલતાં લથડાતી ચાલે એમણે પાછળ જોયું. પાછળ કાળો રેશમી દોરો જ્યાં તણાઈ આવીને પડ્યો હતો ત્યાં કોટની માટી ગળી ગળીને પડી રહી હતી. ખવાસોની વસાહત આખેઆખી દેખાતી હતી. કનકબા હજુ નીચે જ હતાં.
હવે અટારીમાં ઝાઝી વાર ઊભું રહી શકાય એમ નહોતું. શરીર તૂટતું હતું. હળવેથી અંદરના ઓરડે નજર વાળી. ભીંજાયેલાં કનકબા અવળાં ફરીને લૂગડાં બદલી રહ્યાં હતાં. એમની ખુલ્લી પીઠ રાજબાની આંખોમાં અથડાવા લાગી. રાજબાએ નજર પાછી વાળી લીધી. પાછળ ગળી ગળીને પડતા ગઢના કોટમાં મોટું બાકોરું પડી ગયું હતું.
રાજબાની નજર ક્યાંય સુધી એ બાકોરાની આરપાર થતી રહી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here