2024 રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેિરકનો બાયડન અને ટ્રમ્પને સ્વીકારવા તૈયાર નથી

વોશિંગ્ટન: અમેરિકામાં ૨૦૨૪માં રાષ્ટ્રપતિની ચૂંટણી થવાની છે તે પહેલાં જે આંકડાઓ મળ છે તે ચોંકાવનારા છે. મોટા ભાગના મતદારો બેમાંથી એકને પસંદ કરતા નથી. મોટા ભાગના યુએસ ડેમોક્રેટ્સ જો બાયડન પ્રમુખ બને તેમ ઇચ્છતા નથી તેનું મુળ કારણ તેઓની વધતી વય છે. જ્યારે રીપબ્લિકન્સ પૈકી મોટા ભાગના ડોનાલ્ડ ટ્રમ્પને ઇચ્છતા નથી તેનું કારણ ટ્રમ્પનો વિવાદિત કાર્યકાળ છે. અમેરિકન મતદારો પૈકી બે તૃતિયાંશ મતદારો બેમાંથી એકે ને રાષ્ટ્રના ટોચના સ્થાને જોવા માગતા નથી. ૪૪ ટકા ડેમોક્રેટ્સ એમ માને છે કે, ૮૦ વર્ષના બાયડને ફરીવાર ઉભા રહેવું ન જોઈએ જ્યારે ૩૪ ટકા રિપબ્લિકન્સ માને છે કે, ટ્રમ્પે ફરીવાર ઉભા રહેવું ન જોઈએ. નિરીક્ષકો કહે છે કે, કદાચ આ ચૂંટણી જીતવા જ બાયડન યુક્રેન કે તાઇવાન અંગે કોઈ જબરજસ્ત પગલું ભરે. યુક્રેનમાં તેઓ સાચવીને ચાલે તેમ છે કારણ કે સામે રશિયાના પરમાણુ બોમ્બ સાથેના મિસાઇલ છે. તે યુદ્ધ યુરોપ પૂરતું મર્યાદિત છે બીજી તરફ તાઇવાન ગુમાવવું અમેરિકાને કોઈ કાળે પોષાય તેમ નથી. કારણ કે તાઇવાન હાથમાંથી જતા પૂર્વ પેસિફિક ચીન માટે ખુલ્લો થઈ જાય તેમ છે. જાપાન, તાઇવાન અને ફીલીપાઇન્સ ચીન સામેની ‘દિવાલ’ છે, તેમાં તાઇવાન જતા મધ્યમાં જ મોટું છીંડુ પડી જાય. જેથી અમેરિકાનો પશ્ચિમ સમુદ્ર તટ પણ ભયમાં આવી જાય. નિરીક્ષકો કહે છે કે, પરિસ્થિતિ તો ઘણી જ ગુંચવાયેલી છે થોભો અને રાહ જુઓ, બીજો માર્ગ જ ક્યાં છે?