ગુજરાતમાં ભારે વરસાદ માળિયા હાટીનામાં ૧૦ ઇંચ ખાબક્યો

 

રાજકોટઃ ગુજરાતમાં વિરામ બાદ મેઘરાજાએ ફરી ધોધમાર વર્ષી રહ્યાં છે. જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીનામાં ૧૦ ઇંચ અને વંથલીમાં આઠ ઇંચ તેમજ ગીર-સોમનાથ જિલ્લના સુત્રાડાપામાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભાવનગર જિલ્લાના ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડતા વ્યાપક નુકસાન થયું છે.

દક્ષિણ ગુજરાતમાં વરસાદ અવિરત ચાલુ રહેતા માંગરોળમાં છ ઇંચ વરસાદ નોંધાયો છે. વડોદરામાં આ મોસમનો સૌપ્રથમ ધોધમાર વરસાદ વરસ્યો છે અને પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.  અંબાજીમાં બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો.

સૌરાષ્ટ્રના ૭૧ તાલુકા મથકોએ અડધાથી આઠ ઈંચ તો ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦ ઇંચ સુધીનાં વરસાદથી સર્વત્ર જળબંબાકાર સર્જાયો હતો. સૌથી વધુ માળિયા હાટીના પંથકમાં ૧૦ ઈંચ તો વંથલી અને સુત્રાપાડામાં આઠ ઈંચ વરસાદ વરસ્યો હતો. મોરબી અને વિસાવદરમાં સાત ઈંચ તો રાજકોટ, વંથલી, માણાવદર, મેંદરડા, જામનગર, કલ્યાણપુરમાં પણ આજે ધોધમાર છ ઈંચ વરસાદથી સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદનાં કારણે ફરી જળાશયો છલકાયા હતા. નદી-નાલામાં ઘોડાપુર આવ્યા હતા અને રસ્તા-ખેતરોનાં ધોવાણ તથા મકાનો ધરાશાયી થવાથી ખાનાખરાબી પણ સર્જાઈ હતી. જૂનાગઢ જિલ્લાને મેઘરાજા હવે ધમરોળી રહ્યાં હોય તેવી સ્થિતિ છે. ઓઝત, સાબલી, ઉબેણ સહિતની નદીઓના પૂરના લીધે માંગરોળ, માણાવદર, કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો બેટ બન્યા હતા અને પૂરના પાણી ઘરમાં ઘૂસી ગયા હતા. ભાવનગર દિલ્લાના ગઢડા અને આસપાસના વિસ્તારોમાં ૧૪ કલાકમાં સાડા સાત ઇંચ વરસાદ ખાબક્યો છે અને ઘેલો નદી ગાંડીતૂર બની છે. 

નવસારીમાં સરેરાશ ૧.૭ ઇંચ વરસાદને લીધે વધુ બે તળાવો છલકાઇ જતા નજીકના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. વલસાડ કપરાડામાં સૌથી વધુ ૪.૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડમાં ત્રણ ઇંચ અને સુરત સિટીમાં બે ઇંચ વરસાદછી કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સિટીમાં મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા સ્થાનિક લોકોની હાલત કફોડી બની છે. વલસાડ જિલ્લામાં વરસાદ અવિરત ચાલુ છે.  સૌથી વધુ કપરડામાં ૪.૮ ઇંચ, ઉમરગામમાં ૪.૩ ઇંચ વરસાદ નોધાયો હતો.  વડોદરા શહેરમાં મોસમનો પ્રથમ વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. જોરદાર વરસાદ વરસતા શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતાં. વડોદરા શહેરમાં સવારે છ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી માત્ર ૧૦ કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here