૨૩ વર્ષ બાદ ગુજરાતમાં ‘તૌકતે’ વાવાઝોડાએ ભારે તબાહી મચાવી

Damaged vehicles are seen following Cyclone Tauktae in Una in the western state of Gujarat, India, May 19, 2021. REUTERS/Amit Dave - RC2WIN9FNK7W

 

અમદાવાદ/ઉના/ભાવનગર/રાજકોટઃ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ મંગળવારે નબળું પડેલું તૌકતે વાવાઝોડું રાજસ્થાન તરફ આગળ વધ્યું છે. ચક્રવાતને લીધે રાજ્યમાં કમસે કમ ૪૫ જણના મોત થયા છે. લાખો વૃક્ષ ધરાશાયી થઈ ગયાં છે. અનેક મકાનોને પણ મોટું નુકસાન થયું છે. રાજ્યમાં અનેક સ્થળો તોફાની વરસાદથી ઘમરોળાયાં હતાં અને પ૯પ૧ ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જે પૈકી ૨૧૦૧ ગામમાં પૂર્વવત કરી દેવાયો છે. વાવાઝોડાને કારણે ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવું પડયું છે. 

વાવાઝોડાની પરિસ્થિતિને પગલે રાજ્યમાં સોમવાર અને મંગળવાર બાદ બુધવારે પણ રસીકરણ બંધ રાખવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું છે. એટલે કે તીવ્રતા ઘટી રહી છે. સૌરાષ્ટ્રને ધમરોળાયા બાદ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદથી પાણી પાણી થઈ ગયું હતું. 

તૌકતેને લીધે સૌરાષ્ટ્રના ગીર, સોમનાથ, પોરબંદર  સહિતના જિલ્લાઓમાં બેથી ૧૨ ઈંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત ૧૦૮૧ વીજ થાંભલાને નુકસાન થયું છે. ૧૯૬ માર્ગો બંધ હતા અને ૧પ૯ રસ્તાને નુકસાન થયું છે તે પૈકી ૪ર મોટરેબલ એટલે કે કોમ્યુનિકેશન માટે કાર્યરત કરી દેવાયા છે. બે લાખ જેટલા વૃક્ષો પણ આ વાવાઝોડાની અસરથી ધરાશાયી થયા છે. 

માર્ગ-મકાન, ફોરેસ્ટ સહિતના વિભાગોએ રીસ્ટોરેશન, મરામત કાર્ય ઉપાડયું છે તેમ જણાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉમેર્યું હતું કે નુકસાની અંગેનો સર્વે પણ હવે પછીથી વિગતો મેળવીને કરાશે. રાજ્યમાં ૧૬,પ૦૦ મકાનો-ઝૂંપડાઓને પણ આ વાવાઝોડાની અસર પહોંચી છે. જે વિસ્તારોમાં ૧૦૦ કિલોમીટર પ્રતિકલાકથી વધુ ઝડપે પવન ફૂંકાયો છે એવા વિસ્તારોમાં આવા મકાનોનો સર્વે કરાઇ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે ૬૯,૪૨૯ વીજ થાંભલાઓ તુટી ગયા છે તેને તાત્કાલિક અસરથી રિપ્લેસ કરાશે. ૪૨૨ હોસ્પિટલ પૈકી ૧૨૨ અસરગ્રસ્ત વિસ્તારમાં હતી. તેમાં વીજ પુરવઠો ૮૩ હોસ્પિટલમાં ચાલુ કરાયો છે.  ૬૭૪ રસ્તાઓ બંધ થયા હતા તેમાંથી ૫૬૨ રસ્તા ચાલુ કરાયા છે, જ્યારે ૧૧૨ રસ્તા બંધ છે તેમાં ટીમ કામે લાગી છે. વધુમાં આજની મિટીંગમાં નિર્ણય કરાયો છે કે સમગ્ર તંત્ર આગામી બે દિવસ માત્ર રિસ્ટોરેશનના કામમાં જ લાગશે. જેમ કે વીજપુરવઠો, રસ્તાઓની સફાઇ, મ્યુનિસિપાલીટીમાં સાફસફાઇના આદેશો આપ્યા છે જે બે દિવસમાં થઇ જશે. 

૧૯૯૮માં આવેલ વાવાઝોડા બાદ ૨૩ વર્ષ પછી ગુજરાતમાં  તૌકતે વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય  તંત્ર  સ્ટેન્ડ બાય હોવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી તા. ૨૦ મે ૨૦૨૧ ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવશે. 

બીજી તરફ ૧૭મીએ રાત્રે આઠ વાગ્યાના સુમારે અરબી સમુદ્રમાંથી દીવ અને ઉનાના દરિયાકાંઠા વિસ્તારમાંથી ગુજરાતમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડું ૧૮મીની રાત સુધીમાં મંદ પડીને અમદાવાદ, ઉ.ગુ. તરફ ફંટાયુ હતું. ત્યાંય ભારે પવન સાથે વરસાદ પડયો હતો. પરંતુ એક રાતમાં આ વાવાઝોડાએ તબાહીનું તાંડવ મચાવ્યું હતું. તૌકતેએ સૌથી વધુ ખાનાખરાબી તેના એન્ટ્રીગેઈટ દીવ, ઉના પંથકમાં મચાવી હતી. ગિર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ, અમરેલી જિલ્લાને વાવાઝોડાએ ધમરોળી નાંખ્યા હતા. આ વાવાઝોડામાં ભાવનગરમાં પાંચ સહિત સમગ્ર રાજ્યમાં જુદી જુદી દુર્ઘટનામાં ૧૩ લોકોનાં મૃત્યુ થયા હતા. 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરમાં સતત ત્રણ કલાક બેસીને નુકસાની સહિતની વિગતો મેળવી હતી. નોંધનીય છે કે વાવાઝોડા દરમિયાન ભાવનગર જિલ્લાના બડેલી ગામે દીવાલ પડતા પિતા-પુત્રી સહિત જુદી જુદી ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે ૯ પશુના મરણ થયા હતા. ભાવનગર જિલ્લામાં સરેરાશ દસ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. 

ઉના પંથકમાં તૌકતે વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો. વાવાઝોડા અને વરસાદથી પાણી ભરાવા, વીજપોલ, ટેલીફોનની લાઈનો, મોબાઈલ ટાવરને નુકસાન થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા હતા. જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડાને કારણે થયેલી દુર્ઘટનાની જુદી જુદી ઘટનાઓમાં કુલ ૨૬ પશુઓના મોત નિપજ્યા હતા. રાજકોટમાં રાત્રી દરમિયાન હળવો વરસાદ વરસ્યો હતો અને કેટલાક સ્થળે વૃક્ષો પડયા હતા. રાજકોટમાં વાવાઝોડાની ગંભીર અસર વર્તાઈ ન હતી. તૌકતે વાવાઝોડાને કારણે ગુજરાતના ૧૨ જિલ્લાઓના ખેડૂતોને કરોડોનું નુકસાન થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here