સોમનાથનાં જૂનાં શિલ્પોનો અનોખો સંગ્રહઃ પ્રભાસ પાટણ સંગ્રહાલય

0
1768

સોમનાથ મંદિર ગુજરાતના ગૌરવનું પ્રતીક છે. સમગ્ર ભારતમાંથી હજારો શ્રદ્ધાળુઓ અહીં ભગવાન શિવના પ્રથમ જ્યોતિર્લિંગનાં દર્શન કરવા આવે છે. વળી ભગવાન શ્રીકૃષ્ણના અવતારના વિલયનું સ્થળ ભાલકા તીર્થ પણ અહીં આવેલું છે. વેદ, પુરાણ અને મહાભારતના યુગમાં આ સોમનાથ મંદિરે અને પ્રભાસ પાટણે વિશ્વભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરી હતી.
સ્થાપનાઃ સોમનાથનું અસલી ભવ્ય મંદિર કોતરકામવાળા રત્નજડિત 56 સ્તંભો ઉપર ચણવામાં આવ્યું હતું. થાંભલે થાંભલે અદ્ભુત કારીગરી કરવામાં આવી હતી. તેમાં લખલૂટ હીરામાણેક વપરાયાં હતાં. મંદિરના અંદરના ભાગમાં શિવનું એક સ્વયંભૂ લિંગ હતું, જેની દરરોજ એક હજાર બ્રાહ્મણો ગંગાજળથી પૂજા કરતા હતા. આવા ભવ્ય મંદિરને લૂંટવા વારંવાર તેના ઉપર આક્રમણ થયાં. સૌથી પ્રથમ ઈ. સ. 1024માં મહમદ ગઝનીએ સોમનાથનું મંદિર તોડ્યું હતું. આ બનાવ પછી પણ 1218, 1227, 1295, 1511 અને 1520માં એમ કુલ પાંચ વખત આ મંદિર ઉપર હુમલા થયા, અને દરેક વખતે જીર્ણોદ્ધાર થયો. મરાઠા રાણી અહલ્યાબાઈએ ઈ. સ. 1783માં મંદિરને પુનઃ સ્થાપિત કરવા પ્રયાસ કર્યો હતો, પણ સમારકામ થાય તેમ ન હોવાથી બાજુમાં બીજું મંદિર બંધાવ્યું. આજે બંધાયેલું મંદિર સાતમું છે. દરેક હુમલા વખતની ભગ્ન મૂર્તિઓ, ખંડેરોને સાચવીને મંદિરના ઉપરના મજલે સંગ્રહાલય તરીકે રાખવામાં આવેલાં છે. ઈ. સ. 1951માં અગાઉની સૌરાષ્ટ્ર સરકારે સંગ્રહાલયની સ્થાપના કરી હતી. હાલમાં આ સંગ્રહાલયનો વહીવટ ગુજરાત સરકારના સંગ્રહાલય નિયામક હસ્તક છે.
સંગ્રહઃ અહીં મુખ્યત્વે શિલ્પો, અભિલેખો, સિક્કાઓ વગેરેનો સંગ્રહ છે. શિલાલેખોના વિભાગમાં સંસ્કૃત, અરબી, ફારસી, જૂની ગુજરાતી વગેરે ભાષાના મોટા ભાગના બારમી સદીના અભિલેખોનો સંગ્રહ છે. સત્તરમી અને અઢારમી સદીના કાષ્ઠકલાના નમૂના અલગ વિભાગમાં રાખવામા આવ્યા છે.


સોમનાથના જૂના મંદિરનાં સચવાયેલાં શિલ્પોની ગેલેરીમાં દસમી સદીના શિલ્પકલાના નમૂનાઓમાં અષ્ટદલ, દ્વારશાસ્ત્ર, ભગવાન લકુલીશનું શિલ્પ તેમ જ જૂના મંદિરના ભાગોમાં શિખર, કીર્તિમુખ, મહાપીઠના વિભાગ મુખ્ય છે. વિષ્ણુ, કુબેર, ગણેશની મૂર્તિઓ પણ છે. વળી પ્રભાસ પાટણની આસપાસના વિસ્તારોમાંથી ભેગાં કરેલાં જુદાં જુદાં મંદિરોનાં શિલ્પો તથા મૂર્તિઓમાં રામ, દશાવતાર (સાતમી સદી) અને શિવ, ગણેશ વગેરેની વિવિધ પ્રતિમાઓ પણ છે. કુલ 920 પથ્થરોનાં શિલ્પો, 23 અભિલેખો, 7 કાષ્ઠકલાના નમૂના, 200 માટીકામના નમૂના, એક તામ્રપત્ર અને 86 સિક્કા મળી કુલ 1237 નમૂનાઓનો સંગ્રહ છે.
સંપર્કઃ પ્રભાસપાટણ સંગ્રહાલય, પ્રભાસપાટણ, સોમનાથ -362268
સમયઃ રોજ સવારે 9થી 12 અને 3થી 6, બુધવાર, બીજો-ચોથો શનિવાર અને અન્ય જાહેર રજાઓ સિવાય.

લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here