સૂરતમાં ભક્તોએ તાપી નદીને ૧૧૦૦ મીટરની ચૂંદડી ચઢાવી

સૂરતઃ સૂરતમાં સૂર્યપુત્રી તાપી નદીના જન્મદિવસે પરંપરા ગત ૧૧૦૦ મીટરની ચૂંદડી ચઢાવવામાં આવી હતી. આ ઉજવણીમાં વિશાળ સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.પ્રાપ્ત માહિતી પ્રમાણે સુરત શહેરના અલગ અલગ ઓવારા ઉપર પણ તાપી નદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને નાવડી ઓવારે છેલ્લા કેટલાક સમયથી ચૂંદડી મનોરથનું આયોજન કરવામાં આવે છે. સવારે અને સંધ્યા સમયે મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવે છે. તાપી માતાને ૧૧૦૦ મીટરની ચૂંદડી અર્પણ કરવાના કાર્યક્રમમાં રાજ્ય કેન્દ્રીય પ્રધાન દર્શના જરદોશ અને સાધુ-સંતો હાજર રહ્યાં હતાં. તાપી નદીનો જન્મ અષાઢ સુદ સાતમના દિવસે થયો હતો અને આખા વિશ્ર્વમાં એકમાત્ર તાપી નદી જ એવી છે, જેનો જન્મદિવસ સુરતીઓ ભારે રંગેચંગે ઊજવે છે. સુરતની જીવાદોરી જેને કહેવાય છે એ તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂંજે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીનાં મંદિરો પણ આવેલાં છે. એમાંથી એક મંદિર ચોકબજાર ઘંટા ઓવારા પર છે, જ્યાં દરરોજ આ મંદિરની પૂજા કરવામાં આવે છે અને તાપી માતાને યાદ કરીને તેમનો આભાર માનવામાં આવે છે. ૭૨૪ કિલોમીટરનું અંતર કાપીને તાપી માતા અરબી સમુદ્રમાં સમાઈ જાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here