સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપ્યા!!

સુરત: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી અટક અંગે કરેલા નિવેદનના મામલે થયેલા માનહાનિના કેસમાં સુરતની જ્યુડિશિયલ મેજિસ્ટેટ્રેટની કોર્ટ દ્વારા કરાયેલી બે વર્ષની સજા સામે સોમવારે સુરતની સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે તેમજ સેશન્સ કોર્ટમાં થયેલી આ અપીલની વધુ સુનાવણી ૧૩મી એપ્રિલે હાથ ધરવામાં આવશે. નીચલી કોર્ટના હુકમને સુરતની સેશન્સ કોર્ટમાં પડકારવાની અરજી ટાણે ખૂદ રાહુલ ગાંધી અને તેમના બહેન પ્રિયંકા ગાંધી વાડરા સહિતના કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. હવે આ કેસમાં ૧૩મીએ જે સુનાવણી હાથ ધરવામાં આવશે તેમાં રાહુલ ગાંધીએ હાજર રહેવું પડશે નહીં.
કર્ણાટકમાં લોકસભાની ૨૦૧૯ની ચૂંટણી પ્રચાર સભા દરમિયાન રાહુલ ગાંધીએ દરેક ચોરની અટક મોદી કેમ હોય છે એ મતબલનું નિવેદન કરતા સુરતના ભાજપના ધારાસભ્ય અને માજી પ્રધાન પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો ફોજદારી દાવો કર્યો હતો જેમાં સુરતની નીચલી કોર્ટે ૨૩મી માર્ચે રાહુલ ગાંધીને દોષિત ઠેરવીને બે વર્ષની સજા અને દંડની સજા ફરમાવી હતી, પરંતુ એ જ દિવસે ૩૦ દિવસ સુધીનાં જામીન આપ્યા હતા. ત્યારબાદ લોકસભાના અધ્યક્ષ રાહુલ ગાંધીને સંસદ સભ્ય તરીકે લોક પ્રતિનિધિત્વ કાયદા હેઠળ ગેરલાયક ઠેરવ્યા હતા. રાહુલ ગાંધીના વકીલ રોહન પાનવાલાએ જણાવ્યું હતું કે, આજે રાહુલ ગાંધીનાં જામીન અને સજા પર સ્ટેની અરજી કરી હતી. જેના પર સુનાવણી કરીને કોર્ટે જામીન મંજૂર કર્યા છે. આ સાથે તેમને જે સજા નીચલી કોર્ટે કરી હતી તેના પર સ્ટે મૂકવામાં આવ્યો છે. હવે સ્ટે મૂકવાની અપીલ કરી છે તેના પર ૧૩મી એપ્રિલે સુનાવણી હાથ ધરવામાં આવશે. આ પછી જે ચુકાદો આવશે તેના આધારે તેમના સંસદ પદ અંગે કોઈ નિર્ણય લઈ શકાશે. આગામી સુનાવણીમાં રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર રહેવાથી મુક્તિ મળી છે. ૧૦ એપ્રિલ સુધીમાં ફરિયાદીના વકીલ જવાબ ફાઈલ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જામીન અરજી માટે રાહુલ ગાંધી કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોત અને વકીલો સાથે હાજર રહ્યા હતા. જ્યારે ૧૩મી એપ્રિલે વધુ સુનાવ ણી હાથ ધરવામાં આવશે. દરમિયાન રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગહલોતે ભાજપ અને મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યં હતું કે, ભાજપ લોકશાહી કે બંધારણમાં માનતું નથી. જે દેશ માટે ખતરો છે. ભાજપ ફાસીસ્ટ પાર્ટી છે એટલું જ નહીં તે લોકશાહીમાં માનતી જ નથી. ૨૦૧૯માં રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીના પ્રચારમાં કાળા નાણાંનો મુદ્દો ઉઠાવ્યો હતો તે બદલ તેમને આ સજા ભોગવવી પડી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાળુ નાણું પાછું લાવવાનો વાયદો કર્યો હતો તેનું શુ થયું એવો સવાલ કરીને તેમણે કહ્યું હતું કે, બંધારણને ખતમ કરવામાં આવી રહ્યું છે, લોકશાહી ખતરામાં છે.
આ દરમિયાન રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ સુરત આવી પહોેંચતા કોંગ્રેસના સમર્થકો દ્વારા પોસ્ટરો સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ પોલીસે કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. સ્થાનિક પોલીસ દ્વારા કોર્ટ સંકુલ અને શહેરમાં વધારાનો પોલીસ કાફલો ગોઠવી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here