વૈશાખ મહિનાનું વિશિષ્ટ પર્વઃ અક્ષયતૃતીયા

0
1502

વૈશાખ મહિનાની આઇડેન્ટિટી આમ તો તાપ અને ઉકળાટની જ છે, પરંતુ એવા તાપ અને ઉકળાટની વચ્ચે પણ હૈયાને થોડીક શાતા અને શીતળતા આપે એવું એક વિશિષ્ટ પર્વ આ દિવસો દરમિયાન આવે છે. એ મહાપર્વનું નામ છે અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ.
અક્ષય એટલે જેનો ક્ષય નથી થતો તે, ત્રીજ એ ગુજરાતી મહિનાની એક તિથિ છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રીજનો દિવસ એટલે અક્ષય તૃતીયા. આ તિથિનો ક્યારેય ક્ષય થતો નથી. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી કેલેન્ડર મુજબ કેટલીક તિથિનો ક્ષય થતો હોય છે અને કેટલીક તિથિ રિપિટ પણ થતી હોય છે, પરંતુ અક્ષયતૃતીયાનો ક્યારેય ક્ષય થતો નથી. એટલું જ નહિ, અક્ષયતૃતીયાનો દિવસ મુહૂર્તની દષ્ટિએ અત્યંત પવિત્ર અને શુકનવંતો માનવામાં આવે છે એટલે એ દિવસને લોકો પોતાનાં શુભ કાર્યો કરવા માટેનું વણલખ્યું શ્રેષ્ઠ મુહૂર્ત માને છે. આજકાલ પરિસ્થિતિ બદલાઈ છે અને લોકો હવે પોતાના સુખસગવડ તેમ જ આરામની પ્રાયોરિટી આપતા થયા છે એટલે અખાત્રીજના દિવસે ભાગ્યે જ લગ્નપ્રસંગો ઊજવાતા હોય છે, પરંતુ થોડાં જ વર્ષો પહેલાં એવું બનતું કે અખાત્રીજના દિવસે લગ્નોની સીઝન ગણાતી. આ એક જ દિવસે એટલાં બધાં લગ્નો થતાં કે કોનાં લગ્નમાં હાજરી આપવી એ મૂંઝવણનો પ્રશ્ન બની જતો હતો !
અક્ષયતૃતીયાના પર્વને જૈનો અને હિન્દુઓ પોતપોતાના માનીતા અને અત્યંત ગૌરવવંતા પર્વ તરીકે ઊજવતા હોય છે. જૈનો માટે અક્ષયતૃતીયા એટલે વર્ષીતપનાં પારણાંનું પુનિત પર્વ અને હિન્દુઓ માટે અક્ષયતૃતીયા એટલે મહાન પૌરાણિક ગુરુ અને સંત પરશુરામની જન્મજયંતી.
જૈન ધર્મના પ્રથમ એટલે કે આદિ તીર્થંકર ભગવાન ઋષભદેવ દીક્ષા પછી અરણ્યમાં જઈને કઠોર તપસ્યા કરે છે. એ તપસ્યાનાં પારણાં કરવા માટે તેઓ નગરમાં આવે છે અને ઘેરઘેર ગોચરી માટે (ભિક્ષા માટે) ફરે છે. લોકોને જીવનની સાચી શૈલી શીખવાડનાર ભગવાન ઋષભદેવ પ્રત્યે સ્વાભાવિક રીતે જ સૌને આદરની લાગણી હોય છે અને તેઓ પોતાના ભગવાનને ભિક્ષામાં પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર હોય છે; પરંતુ ભગવાન કશું જ સ્વીકારતા નથી અને આગળ ચાલ્યા જાય છે. લોકો ભગવાન ઋષભદેવ સમક્ષ કીમતી ભેટસોગાદો મૂકે છે, પરંતુ પ્રભુને એવી કોઈ ચીજનો ક્યાં કશો ખપ હતો? નગરના ભોળા જનો મૂંઝાઈ પણ જતા કે પ્રભુને એવી તે કઈ ચીજની જરૂર હશે કે જે અમે એમને આપી નથી શકતા ?
એવામાં ભગવાન પોતાના પૂર્વજીવનના પોતાના મહેલ પાસેથી પસાર થયા. એ વખતે મહેલની બહાર ભગવાનના પ્રપૌત્ર શ્રેયાંસકુમાર ઊભેલા હતા અને એમને ઇક્ષુરસ એટલે કે શેરડીના રસના એકસોઆઠ કુંભ ભેટ આપ્યા હતા. એ ઇક્ષુરસ વડે શ્રેયાંસકુમારે પ્રભુને પારણાં કરાવ્યાં હતાં. એ વખતે પ્રભુ ઋષભદેવને કુલ એક વર્ષ, એક માસ અને અગિયાર દિવસના સળંગ ઉપવાસનાં પારણાં થયાં હતાં! એ દિવસના પ્રતીકરૂપે અત્યારે જૈનો વર્ષીતપ કરે છે. સામાન્ય રીતે સળંગ એક વર્ષ સુધી ઉપવાસ કરવાનું દરેક સામાન્ય વ્યક્તિ માટે પોસિબલ નથી હોતું એટલે જૈનો એકાંતરે ઉપવાસ કરે છે. એક વર્ષ સુધી એક દિવસ ઉપવાસ અને બીજા દિવસે એકાસણું અથવા બિયાસણું કરે છે. વચ્ચે જો કોઈ તિથિ આવતી હોય તો સળંગ બે કે ત્રણ ઉપવાસ પણ તેઓ કરતા હોય છે. આ રીતે સળંગ એક વર્ષ કરતાં પણ વધારે દિવસનું આ સૌથી લાંબું જૈન તપસ્યા-પર્વ છે અને તેનાં પારણાં જૈનો અક્ષયતૃતીયાના દિવસે જ કરે છે અને તે પણ ખાસ કરીને શેરડીના રસથી પારણાં કરે છે. પાલિતાણા અને હસ્તિનાપુર જેવાં જૈન તીર્થોમાં આ દિવસે પારણાંના પર્વનો એવો ભવ્ય માહોલ જામે છે કે એ જોઈને ભાવુક જનોનાં હૈયાં ભક્તિભાવથી તરબતર થઈ ઊઠે છે. અલબત્ત, હવે તો વર્ષીતપનાં પારણાં લગભગ દરેક ગામ નગર શહેરમાં થવા લાગ્યાં છે છતાં કેટલાક તપસ્વીઓ પોતાને અનુકૂળ આવે તેવા નજીકના કે દૂરના કોઈ તીર્થસ્થળે જઈને જ પારણાં કરવાનું પસંદ કરતા હોય છે. વર્ષીતપનાં પારણા કરાવવા માટે દાતાઓ પણ મોટી સંખ્યામાં ઊમટી પડે છે. જૈન ધર્મમાં આ એક આગવી વિશેષતા છે. પોતે જે ટોપ નથી કરી શકતા એવું તો અન્ય કોઈ વ્યક્તિ કરે તો એનું અનુમોદન કરીને અથવા એને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયરૂપ થઈને થોડો ઘણો લાભ લેવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અમદાવાદથી પાંત્રીસ કિલોમીટર દૂર ધોળકા પાસે આવેલા કલિકુંડ તીર્થમાં મિની શત્રુંજય પર્વત બનાવીને પાલિતાણા તીર્થની અનુકૃતિ તૈયાર કરેલી છે. અનેક જૈનો અહીં કલિકુંડ તીર્થમાં વર્ષીતપનાં પારણાં કરવા – કરાવવા માટે પધારે છે.
ગુજરાતમાં અને ભારતમાં પણ એવાં અનેક જૈન તીર્થ છે, જ્યાં જિનાલય પર અખાત્રીજના દિવસે નવી ધ્વજા ચડાવવામાં આવે છે. એટલે કે એ દિવસ એ જિનાલયની પ્રતિષ્ઠાનો દિવસ હોય છે !
હિન્દુઓ માટે અક્ષયતૃતીયાનું પર્વ એ ભગવાન પરશુરામની જન્મજયંતીનું પર્વ છે. ભગવાન પરશુરામ ઉગ્ર તાપસ હતા અને એમની પાસે તપની પ્રબળ શક્તિ હતી. કહેવાય છે કે તેમણે કુહાડી વડે આ પૃથ્વી પરથી એકવીસ વખત ક્ષત્રિયોનો નાશ કરીને પૃથ્વીને નક્ષત્રી કરી હતી! મહાભારતમાં કુંતીપુત્ર કર્ણના તેઓ ગુરુ પણ હતા.
ભગવાન પરશુરામે કર્ણને શસ્ત્રવિદ્યાની તાલીમ આપી હતી, પરંતુ ત્યારે એમને ખ્યાલ નહોતો કે કર્ણ એક ક્ષત્રિયપુત્ર છે.
એક વખત શિષ્ય કર્ણના ખોળામાં માથું મૂકીને પરશુરામ સૂતા હતા. એ જ વખતે કોઈ જંતુ આવીને કર્ણના પગ પર તીવ્ર ડંખ મારે છે. કર્ણના પગમાંથી લોહી વહી નીકળે છે, પરંતુ ગુરુની નિદ્રા ડિસ્ટર્બ ન થાય એ માટે કર્ણ સ્થિર અને અવિચળ રહે છે. કર્ણના પગમાંથી નીકળેલું લોહી ભગવાન પરશુરામને સ્પર્શે છે અને તેઓ ઊંઘમાંથી એકાએક ઝબકીને જાગી જાય છે. પછીનું દશ્ય જોઈને તેઓ ચોંકી ઊઠે છે. કર્ણને તેઓ કહે છે કે તું કોઈ દલિતપુત્ર નથી લાગતો. તું ક્ષત્રિયપુત્ર હોય તો જ આવી અને આટલી ઉગ્ર વેદના વેઠી શકે! તેં મને છેતર્યો છે એટલે હું પણ તને એક અભિશાપ આપું છું કે જ્યારે તું યુદ્ધમાં કોઈ વિકટ પરિસ્થિતિમાં ફસાયો હોઈશ અને જ્યારે તારે મારી શીખવાડેલી શસ્ત્રવિદ્યાની તીવ્ર જરૂર હશે એવી ક્ષણે તું આ વિદ્યા ભૂલી જઈશ. કર્ણ ક્ષમા માગે છે.
તાપસ અને તપસ્વી મોટા ભાગે ઉગ્ર સ્વભાવના જોવા મળતા હોય છે. જોકે મારી દષ્ટિએ ઉગ્ર સ્વભાવ એ કોઈ દૂષણ નથી, પરંતુ ભૂષણ છે. ઉગ્રતા એને જ પરવડે જે ભીતરથી શુદ્ધ અને પવિત્ર હોય! મનના મેલા અને લુચ્ચા માણસોને ઉગ્ર થવાનું પરવડે જ નહિ! તમે રોજિંદા વ્યવહારમાં માર્ક કરશો તો તમને ખ્યાલ આવશે કે તીખા સ્વભાવના અને કડવું બોલનારા લોકો મોટા ભાગે તમારા હિતેચ્છુ જ હશે. મીઠું-મીઠું બોલીને તમને પટાવી દેનારા અથવા તમને ખુશ કરીને દેનારા લોકો કદાચ તમારા શત્રુ જ હશે. વૈશાખનો ઉકળાટ પણ આપણા અંતરમાં આધ્યાત્મિક આનંદનો અને ઉત્સાહનો ઉજાસ પાથરીને આપણને ઊર્ધ્વગામી બનાવે છે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here