UNSCની બેઠકમાં ભારત દ્વારા યુદ્ધ વિરામની હાકલ 

 

યુક્રેન હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેને કારણે દુનિયાના અન્ય દેશોને પણ આ યુદ્ધથી અસર પહોંચી રહી છે. અને અન્ય દેશોમાં પણ એક પ્રકારે કયા દેશને સમર્થન કરવું તે અંગે તણાવની સ્થિતિ ઉભી થઈ છે. આ સ્થિતિ ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ ઈશારો કરે છે. એ જોતા ભારતે રશિયા અને યુકેન બંને દેશોમાં યુદ્ધ વિરામની હાકલ કરીને બંને દેશોને આંતરિક મતભેદો દૂર કરીને મહાસંકટને ટાળવા સમાધાન કરી લેવાની સલાહ આપી છે. 

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું, “ભારત વારંવાર તમામ દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવા માટે આહ્વાન કરી રહ્યું છે. ગઈકાલે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર બંને પક્ષોના નેતૃત્વ સાથે વાત કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે યુક્રેનની સ્થિતિ સતત બગડી રહી છે. માનવતાવાદી કટોકટી વધુ ઘેરી બની રહી છે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર છેલ્લા અગિયાર દિવસમાં ૧૫ લાખથી વધુ શરણાર્થીઓએ યુક્રેનના પાડોશી દેશોમાં આશરો લીધો છે. 

વધુમાં તેમણે કહ્યું કે આપણે યુકેનમાં બગડતી પરિસ્થિતિ અને આગામી માનવીય સંકટ પર તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ, જેથી પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા તેને સંભાળી શકાય. 

(ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું, “અમે ભારતીયો સહિત તમામ દેશોના નાગરિકો માટે સલામત માર્ગની અમારી તાકીદની માંગને પુનરાવર્તિત કરી છે. અમે ખૂબ જ ચિંતિત છીએ કે બંને પક્ષો તરફથી વારંવાર અપીલ કરવા છતાં, સુમીમાં અમારા વિદ્યાર્થીઓ માટે સલામત કોરિડોર બનાવવામાં આવ્યો નથી. અમે અન્ય દેશોના નાગરિકોને પણ પોતપોતાના દેશોમાં પાછા ફરવામાં મદદ કરી છે. એટલું જ નહીં, આગામી દિવસોમાં પણ અમે આવું કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. 

વધુમાં તિરૂમૂર્તિએ કહ્યું, ભારત પહેલાથી જ યુકેન અને તેના પડોશી દેશોને માનવતાવાદી સહાય મોકલી ચૂક્યું છે. જેમાં દવાઓ, તંબુ, પાણીના સંગ્રહની ટાંકીઓ, અન્ય રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. અમે અન્ય જરૂરિયાતોને ઓળખવાની અને મોકલવાની પ્રક્રિયામાં છીએ. 

તેમણે વધુમાં કહ્યું, ભારતીયોને ઘરે લાવવા માટે ૮૦થી વધુ ઇવેકયુએશન લાઇટ્સ આકાશમાં ઉડી રહી છે. અમે યુક્રેન અને તેના પડોશી દેશોના સત્તાવાળાઓ દ્વારા અમારા નાગરિકોને પરત લાવવાની સુવિધામાં આપવામાં આવેલી સહાયની પ્રશંસા કરીએ છીએ. તિરૂમૂર્તિએ કહ્યું, યુએનના અંદાજ મુજબ, આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ૧૪૦થી વધુ નાગરિકો માર્યા ગયા છે. જેમાં એક ભારતીય વિદ્યાર્થી પણ છે. માર્યા ગયેલા વિદ્યાર્થીના મૃત્યુ પર ભારત શોક વ્યક્ત કરે છે. અમે તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. અમે આ સંઘર્ષમાં દરેક નાગરિકની ખોટ પર શોક વ્યક્ત કરીએ છીએ. ભારત તમામ દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવાનું આહ્વાન કરી રહ્યું છે, તેમણે કહ્યું. આપણા વડાપ્રધાને ફરી એકવાર બંને પક્ષોના નેતૃત્વ સાથે વાત કરી અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે હાકલ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here