મુખ્યમંત્રીના હસ્તે નૌકાદળમાં સામેલ કરાયું ‘સુરત’ નામનું યુદ્ધ જહાજ

સુરત: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભારતીય નૌ સેનાના યુદ્ધજહાજ ‘સુરત’ના ક્રેસ્ટના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય નૌકાદળ દ્વારા તેના અત્યાધુનિક ચોથા મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધજહાજના ક્રેસ્ટ (ચિહ્ન)ને ‘સુરત’ નામ આપીને સુરત શહેરના પ્રાચીન શિપબિલ્ડિંગના વારસાનું બહુમાન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના લેટેસ્ટ વોરશિપ પ્રોજેક્ટ-બી અંતર્ગત 4 નેક્સ્ટ જનરેશન મિસાઈલ ડિસ્ટ્રોયર તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં આજે ચોથા યુદ્ધજહાજ તરીકે ‘સુરત’નું નામકરણ કરવામાં આવ્યું છે, આ સમગ્ર રાજ્ય માટે ગર્વની ક્ષણ છે. આ પ્રથમ એવી ઘટના છે, જેમાં કોઈ યુદ્ધજહાજને ગુજરાતના કોઈ શહેરનું નામ આપવામાં આવ્યું હોય.
ગુજરાતના પ્રાચીન દરિયાઈ વ્યાપારનો ઉલ્લેખ કરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સુરત, લોથલ, ઘોઘા, ભરૂચ એક સમયે સમુદ્રી વ્યાપારના મહત્વપૂર્ણ કેન્દ્રો હતા. એક સમયે સુરતમાં ચોર્યાસી બંદરોના વાવટા ફરકતા હતા. પ્રાચીન કાળમાં સુરતે દેશ-વિદેશમાં દરિયાઈ વ્યાપાર અને વ્યાપારી સંબંધો જાળવી રાખવામાં મહત્વની ભૂમિકા અદા કરી હતી. સુરતનો દરિયાઈ તટ પ્રાચીન કાળના ગૌરવશાળી દરિયાઈ વ્યાપારનો સાક્ષી છે અને આજે સુરત ભવિષ્યના આધુનિક ભારતના સૂર્યોદયનો પણ સાક્ષી બન્યું છે.
સુરત બંદરે ભૂતકાળમાં એક સમયે એકસાથે 84 જહાજો લાંગરતા હતા. સુરતના લોકો વહાણ બાંધવામાં નિષ્ણાત હતા. સુરતમાં બનેલા કેટલાય જહાજો 100 વર્ષથી વધુ સમય સુધી સેવા આપતા હતા તેમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું.
ગુજરાતના મરીન કમાન્ડો અને કોસ્ટ ગાર્ડસ દરિયાઈ સીમાની સુરક્ષા માટે સતર્ક અને સજાગ છે. ભારતીય નૌસેનાને સુરક્ષાકીય ગતિવિધિઓમાં પીઠબળ આપવામાં ગુજરાતની પણ મહત્વનું યોગદાન આપી રહ્યું છે એમ જણાવી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ડિફેન્સ સેકટરમાં મેન્યુફેક્ચરિંગમાં પણ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત વોરશિપ ભારતીય નૌકાદળને મજબૂત બનાવશે અને આત્મનિર્ભરતાના આપણા ઉદ્દેશ્યને વેગ આપશે એવો વિશ્વાસ મુખ્યપ્રધાને વ્યક્ત કર્યો હતો.
આ સાથે જ મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે નવનિર્મિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની પણ મુલાકાત લીધી હતી. તેમણે બુર્સની કોર કમિટી તથા જિલ્લા-શહેરના તંત્રવાહકો સાથે સમીક્ષા બેઠક યોજી હતી જેમાં સુરતના ખ્યાતનામ ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here