ભગવાન બુદ્ધનાં ચાર આર્ય સત્યો અને અષ્ટાંગિક માર્ગ

0
7390

આ પૃથ્વી પર આવનારો હું પહેલો બુદ્ધ નથી તેમ હું છેલ્લો પણ નથી. ગૌતમ સિદ્ઘાર્થ મરણ પામશે, પણ બુદ્ધ તો જીવતો રહેશે, કારણ કે બુદ્ધ એ સત્ય છે અને સત્ય કદાપિ મરતું નથીઃ ભગવાન બુદ્ધ
વૈશાખી પૂર્ણિમા. ગૌતમ બુદ્ધનો જન્મદિવસ. વૈશાખી પૂર્ણિમાના દિવસે સિદ્ઘાર્થ બુદ્ઘત્વ પામ્યા. સિદ્ઘાર્થ અજ્ઞાન નિદ્રામાંથી જાગી બુદ્ઘ થયા. અને વૈશાખી પૂર્ણિમાના દિવસે બુદ્ધ નિર્વાણપદ પામ્યા તેથી વૈશાખ સુદ પૂર્ણિમાના દિવસને બુદ્ઘજયંતી કે બુદ્ઘપૂર્ણિમા તરીકે ઊજવાય છે. ભગવાન બુદ્ધ ભારતીય મહાપુરુષની પરંપરામાં અદ્વિતીય વ્યક્તિત્વ ધરાવનાર મહાન વિભૂતિ છે. દેશ જ્યારે કર્મકાંડના કાંપમાં ખૂપી ગયો હતો, ધર્મના નામે અમાપ હિંસા થઈ રહી હતી, બ્રાહ્મણવાદનો ક્રૂર પંજો બાકીની સમગ્ર પ્રજાને દબાવી રહ્યો હતો, બધા જ ધાર્મિક અધિકારો એકમાત્ર બ્રાહ્મણો પૂરતા જ મર્યાદિત બનાવી દેવાયા હતા. ઊંચનીચની કલ્પિત દીવાલો આકાશ સુધી ચણાવા લાગી હતી. સામાન્ય વ્યક્તિને રાજકીય, ધાર્મિક કે સામાજિક કોઈ પણ ક્ષેત્રમાં કશી જ મહત્તા નહોતી. પ્રતિભાનું કેન્દ્ર માત્ર બ્રાહ્મણોના વર્તુળમાં જ હતું. બ્રાહ્મણો યજ્ઞના નામે અનંત દેવોને ઉદ્દેશી અસંખ્ય પશુઓનાં બલિદાનો ચઢાવી રહ્યા હતા. સાચો ધર્મ લગભગ અદશ્ય બન્યો હતો તેવા ઘોર અંધકારના સમયમાં ભગવાન બુદ્ધનો ભારતવર્ષમાં પ્રાદુર્ભાવ થયો હતો.
હિમાલયની તળેટી આગળ ચંપારણની ઉત્તરે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નગરી નજીકના લુમ્બિની ઉપવનમાં ઈ. સ. પૂર્વે પ63માં વૈશાખી પૂર્ણિમાને દિવસે બુદ્ધનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ શુદ્ઘોધન અને માતાનું નામ માયાવતી હતું. તેમના જન્મથી માતાપિતાની ઇચ્છા પૂર્ણ થઈ તેથી તેમનું નામ સિદ્ઘાર્થ પાડવામાં આવ્યું. સિદ્ઘાર્થના જન્મ પછી સાતમા દિવસે માતા માયાવતીનું અવસાન થતાં તેનો ઉછેર મહાપ્રજાપતિએ પોતાના દીકરાની જેમ જ કર્યો. તેમનું ગોત્ર નામ ગૌતમ હોવાથી તેઓ ગૌતમ બુદ્ધને નામે ઓળખાય છે. શાક્ય નામની ક્ષત્રિય શાખાના શિરોમણિ થયા હોવાથી શાક્યસિંહ તરીકે પણ ઓળખાય છે.
રાજ્યના જાહોજલાલીયુક્ત પ્રાસાદમાં લગભગ ર9 વર્ષ સુધી તેમણે નિવાસ કર્યો. યશોધરા નામે પત્ની અને રાહુલ નામે પુત્ર હતો. પોતાના ભોગોનું વર્ણન સિદ્ઘાર્થે આ પ્રમાણે કર્યું છેઃ હું બહુ સુકુમાર હતો. મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખોદાવી તેમાં વિવિધ પ્રકારની કમલિનીઓ વાવી હતી. મારાં વસ્ત્રો રેશમી હતાં. ટાઢ તાપની મારા ઉપર અસર ન થાય એટલા માટે મારા સેવકો મારી ઉપર શ્વેત છત્ર ધરતા. શિયાળા માટે, ઉનાળા માટે અને ચોમાસા માટે મારા જુદા જુદા ત્રણ રાજમહેલો હતા. જ્યારે હું ચોમાસા માટે બાંધેલા મહેલમાં રહેવા જતો ત્યારે ચાર મહિના સુધી બહાર ન નીકળતો, સ્ત્રીઓનાં ગીત અને વાદ્ય સાંભળી કાલક્રમણ કરતો.
બીજાઓને ત્યાં હલકા પ્રકારનું અન્ન અપાતું, પણ અમારે ત્યાં મારાં દાસદાસીઓને ઉત્તમ ખોરાક સાથે ભાત અપાતો હતો. આવા વૈભવી અને એશોઆરામમાંય સિદ્ઘાર્થનું ચિત્ત ઠેકાણે હતું. સિદ્ઘાર્થ જુવાની કેવળ ભોગવતો નહોતો, પણ જુવાની એટલે શું? તેના આરંભમાં શું? અને અંતમાં શું? એ વિચારતો પણ હતો. એશોઆરામ એટલે શું, એનું સુખ કેટલું, એમાં દુઃખ કેટલું, એ ભોગનો સમય કેટલો, એનો વિચાર પણ કરતો હતો. સિદ્ઘાર્થને વિચારો આવતા કે, હું પોતે જરાધર્મી છતાં, વ્યાધિધર્મી છતાં, મરણધર્મી છતાં, શોકધર્મી છતાં જરા, વ્યાધિ, મરણ અને શોકથી સંબંધ રાખનારી વસ્તુઓ ઉપર મારા સુખનો આધાર માની બેઠો છું એ ઠીક નથી.
પ્રસંગોપાત્ત વૃદ્ધ, રોગી, મૃત્યુ અને પ્રવ્રજિત આ ચાર નિમિત્તોને જોતાં સિદ્ઘાર્થના માનસ પર બહુ ઊંડી અસર પડી અને તેમણે સંસાર જીવનનો ત્યાગ કર્યો. છ વર્ષ સુધી સત્યપ્રાપ્તિ માટે તેમણે કઠોર તપસ્યા કરી મહાભિનિષ્ક્રમણ એટલે કે ગૃહત્યાગ કર્યા પછી તત્કાલીન સંતપુરુષો અને દાર્શનિકોનો સમાગમ કર્યો. આલાર કાલામ અને ઉક રામપુત્ર નામના બે બ્રાહ્મણ વિદ્વાનો પાસે તેમણે તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કર્યો. સત્યની શોધમાં સૌના અનુભવોનો સાથ લીધો, પણ તેમને સંતોષ ન થયો. મનનું સમાધાન ન થયું એટલે તેમણે ઘોર તપ કર્યું. કઠોર અનશનવ્રત લઈ શરીરને જકડી લીધું. પિસ્તળીસમા દિવસે એમને જ્ઞાન પ્રાપ્ત થયું અને નગરશેઠની કન્યા સુજાતાના હાથની ખીર ખાઈને એમણે પારણાં કર્યાં. જીવન અને ધર્મનું સત્ય સ્પષ્ટ થઈ ગયા પછી તેમણે મધ્યમમાર્ગના પ્રચારનો પ્રારંભ કર્યો. તેમની પ્રતિભા, દિવ્ય શકિત, દિવ્ય યક્તિત્વ તથા અપાર કરુણામય વિચારોથી જોતજોતાંમાં હજારો અને લાખો લોકો પ્રભાવિત થયા. અને ચારે તરફ બુદ્ધં શરણં ગચ્છામિનો ઘોષ સર્વત્ર ફરી વળ્યો ગૌતમ બુદ્ધે ધર્મમાં પ્રત્યક્ષ વસ્તુઓ તથા પ્રશ્નોની ઉપેક્ષા કરી નથી, પણ તેના સમાધાન માટે સચોટ પ્રયત્ન કર્યો છે. પરલોક, પરમાત્મા વગેરે અનુભવાતીત વસ્તુઓ માટે એમણે મૌન સેવ્યું છે. વ્યકિત દુઃખી છે એ સત્ય છે. તેના દુઃખને દૂર કરવું એ જ સાધના છે, એ જ ધર્મ છે એમ જણાવી એમણે ચાર આર્ય સત્યોની ઘોષણા કરી છે. સત્ય સમજાયા પછી સિદ્ઘાર્થ – બુદ્ધ ઉરુવેલામાં ઇચ્છાનુસાર વિહાર કરી તેમણે વારાણસી તરફ પ્રયાણ કર્યું. અહીં પંચવર્ગીય ભિક્ષુઓને ઉપદેશ કર્યો. બે ભિક્ષુઓ કોલિત અને સારરપુત્ર તેમના પ્રધાન શિષ્યો બન્યા. આનંદ તેમનો સેવક શિષ્ય હતો. ક્ષેમા અને ઉત્પલવર્ણા તેમની ભિક્ષુણી શિષ્યાઓમાં પ્રધાન ગણાય છે.
ચિત્ર અને હસ્તાવલક તથા નન્દમાતા અને ઉત્તરા તેમનાં અનુક્રમે ગૃહસ્થ ઉપાસકો તથા ઉપાસિકાઓ હતાં. સારનાથમાં તેમણે પ્રથમ ઉપદેશ આપી ધર્મચક્રપ્રવર્તન શરૂ કર્યું. આમ 40 વર્ષ તેઓએ ઉપદેશ આપતાં આપતાં પસાર કર્યા. મગધનો રાજા અજાતશત્રુ એમનો ભકત બન્યો. બુદ્ધે ઉપદેશ આપ્યો કે સ્વસ્થ અને શિસ્ત સમૃદ્ધ શરીર વિના બધું જ નકામું છે. જીવન ક્ષણભંગુર છે.
સતત ઉત્સાહથી નિર્વાણ માટે મથ્યા રહો. મનોનિગ્રહ, આત્મસંયમ અને સદાચારથી મોક્ષ મળે છે. જે માણસને મોક્ષ મેળવવાની ઇચ્છા હોય તેણે દેવ, પૂજા, કર્મકાંડ કે બીજી માન્યતાઓ, પુરોહિતોની મદદ અથવા દૈવી તત્ત્વોની સહાય ઇત્યાદિ રૂઢ થયેલી ધર્મની બાબતોમાં ચિત્ત પરોવવા કરતાં પોતાની ચિત્તવૃત્તિ પર જય મેળવવો એ વધારે સારું છે. બુદ્ધે ખાસ કરીને વૈદિક ધર્મની વ્યવહારાતિત પરમ તત્ત્વની, પ્રાર્થનાના માહાત્મ્યની અને વેદોની અપૌરુષેયતા તથા પવિત્રતાની ભાવના સામે વિરોધ ઉઠાવ્યો હતો. પોતાના શિષ્યોને આ ઉપદેશ આપવા માટે તૈયાર કરી દેશના વિવિધ ભાગોમાં મોકલ્યા હતા. નિર્વાણ પ્રયાસશીલ વ્યક્તિએ અભિનિવેશનો ત્યાગ કરવો અને તૃષ્ણાને તિલાંજલિ આપવી જરૂરી છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞા જ વિશુદ્ધિ માર્ગનાં ખરાં ઘટકો છે. એકલા જ્ઞાનના વિકાસને નહિ, પણ નૈતિક વિકાસયુક્ત જ્ઞાનને તેમણે નિર્વાણનું નામ આપ્યું. એંશી વર્ષની ઉંમરે શરીર જીર્ણ થતાં વૈશાલી નજીક કુસિનારા પાસે વૈશાખી પૂર્ણિમાને દિવસે ઈ. સ. પૂર્વે 483માં બુદ્ધ નિર્વાણ પામ્યા.
માનવજાતિના આધ્યાત્મિક ઇતિહાસમાં અને જગતના વિરલ મહાપુરુષોમાં ગૌતમ બુદ્ધની ગણના થાય છે. તેમનામાં આધ્યાત્મિક ઊંડાણ, સર્વોત્તમ કોટિનું ચારરત્રબળ અને બૌદ્ધિક તર્કવૃત્તિનો ડહાપણભર્યો સંયમ એ ત્રણે બાબતોનું સુભગ સંમિશ્રણ થયેલું જોવા મળે છે. પોતાની પ્રખર બુદ્ધિ અને પ્રજ્ઞા વડે તે સર્વોત્તમ સત્યનું આકલન કરી શક્યા. તેમનું કરુણા હૃદય દુઃખમાં પીડાતી માનવજાતિનો ઉદ્ધાર કરવા નિરંતર તલસતું હતું. બુદ્ધને કરુણામૂર્તિ કહ્યા છે. એમણે જીવદયાનું સમર્થન અને પશુહિંસાનો વિરોધ કર્યો. એમની ખરી કરુણા એમના મહાભિનિષ્ક્રમણમાં સમાયેલી છે. પહેલા મહાભિનિષ્ક્રમણમાં તેમણે ગૃહત્યાગ કર્યો અને રાજમહેલ છોડ્યો, પણ બીજા મહાભિનિષ્ક્રમણમાં તો એમણે નિર્વાણસુખને પણ છોડ્યું, અને તે પણ નિર્વાણના ઉંબર પર ઊભા રહીને તેમણે કહ્યું કે, હું નિર્વાણના સુખમાં પ્રવેશ નહિ કરું, જ્યાં સુધી એક પણ વ્યક્તિ દુઃખથી પીડિત હશે. આના કરતાં વધારે ચડિયાતી કરુણા આપણને માનવઇતિહાસમાં જડે તેમ નથી. દરેક માણસના દુઃખનો ભાર હું મારે માથે લઈ લઉં, એથી જો જગતને સુખ થતું હોય તો હું તેમ કરવા રાજી છું. આ હતી તેમની લોકકલ્યાણ પ્રત્યેની લાગણી.
ભગવાન બુદ્ધનો નિર્વાણકાળ નજીક દેખી તેમના પ્રિય શિષ્ય આનંદની આંખમાં આંસુ જોઈને ઉપદેશે છે કે, આ પૃથ્વી પર આવનાર હું પહેલો બુદ્ધ નથી તેમ હું છેલ્લો પણ નથી. ગૌતમ સિદ્ઘાર્થ મરણ પામશે પણ બુદ્ધ તો જીવતો રહેશે. કારણ કે બુદ્ધ એ સત્ય છે અને સત્ય કદાપિ મરતું નથી. તો ભક નામના શિષ્યને તેમણે કહ્યું કે, તું આ રીતે શોક કરે એ યોગ્ય નથી. જ્ઞાનનો પ્રકાશ તો તારી અંદર વિદ્યમાન છે. એને માટે બહાર ફાંફાં મારવાની કોઈ જરૂર નથી. એટલા માટે જ તું મન, વચન અને કર્મથી એક બની આત્મદીવો ભવ. તું જ તારો પોતાનો દીપક બન. ભગવાન બુદ્ધે કોઈ ગ્રંથો લખ્યા નહોતા. તેમના નિર્વાણ પછી ઘણાં વર્ષો પછી તેમના ઉપદેશોને ગં્રથસ્થ કરવામાં આવેલા. વિનય પિટક, સુત્ત (સૂત્ર) પિટક અને અભિધમ્મ(ધર્મ) પિટક આ ત્રણ ગં્રથોમાં ત્રણેક લાખ શ્લોક સંખ્યામાં બૌદ્ધ ઉપદેશ સંગ્રહાયેલો છે.
ભગવાન બુદ્ધે ચાર આર્ય સત્યો ઉપદેશેલાં છે. જેના બધાં અકુશલ પાપધર્મો દૂર થઈ ગયા હોય તે, જે પાપકર્મોથી ખૂબ જ દૂર ચાલ્યો ગયેલો છે તે ઉત્તમ શ્રેષ્ઠ અર્હતને આર્ય કહે છે. ઉત્તમ ગુણોથી યુક્ત શ્રેષ્ઠ સત્ત્વ વિશેષને જ આર્ય કહેવાય છે. જે પોતાનાં કર્તવ્યોનું પાલન કરે છે અને કામવાસનાઓના સેવનની પ્રવૃત્તિ કરતો નથી તે આર્ય. જેમાં અનુભવનો બાધ ન આવે તે સત્ય. જે આધ્યાત્મિક સાધક સૂક્ષ્મ વિવેકપૂર્વક નિજ જીવનનો વિચાર કરે અને જે એ વિવેકને સંપૂર્ણ વફાદારીપૂર્વક અનુસરે તે સાધક કોઈ પણ દેશ, કાળ કે જાતિનો કેમ ન હોય, છતાં એ સત્યોની બાબતમાં તેનો અનુભવ એકસરખો જ થવાનો. આ દષ્ટિથી બુદ્ધે એને સત્યો કહ્યાં અને તે પણ આર્યનાં સત્યો. દુઃખ એ પ્રથમ આર્ય સત્ય છે. દુઃખનું મૂળ (દુઃખ સમુદાય) એ બીજુ આર્ય સત્ય છે. દુઃખ નિરોધ એ ત્રીજુ આર્ય સત્ય અને ચોથું આર્ય સત્ય દુઃખ નિરોધ માર્ગ છે. જગતમાં જે દુઃખ છે તેનું કારણ છે અને તે કારણને અટકાવી શકાય છે. તે અટકાવવા માટે ખાસ માર્ગ છે.
કારણોને મંદ કરવાથી દુઃખ મંદ થાય છે અને એ નહિ કરવાથી દુઃખનો નાશ થાય છે. આ કારણોને શિથિલ અથવા સમાપ્ત કરવા માટેની સાધનાને માર્ગ કહેવામાં આવે છે. માર્ગ અથવા સાધના જ્યારે સિદ્ધિની કક્ષાએ પહોંચે ત્યારે રાગદ્વેષાદિ દ્વંદ્વોથી મુક્તિ મળે છે અને વ્યક્તિ જીવનમુક્તિનો લહાવો માણી શકે છે. એટલે કે નિર્વાણ પામે છે. આને બુદ્ધે મધ્યમ માર્ગ કહ્યો. સંસાર અને સ્વર્ગના સુખની તૃષ્ણા થતા દેહદમનથી પોતાનો નાશ કરવાની તૃષ્ણા એ બન્ને છેડા પરની ઇચ્છાઓનો ત્યાગ કરી મધ્યમ માર્ગનો બુદ્ધે ઉપદેશ આપ્યો.
ગૌતમ બુદ્ધના મતે આત્મનિયમનનો જે માર્ગ માણસને ઇચ્છિત ધ્યેય સુધી પહોંચાડે છે તે અષ્ટવિધ છે. બૌદ્ધ ધર્મગ્રંથોમાં તેને આર્ય અષ્ટાંગિક માર્ગ એવું નામ આપવામાં આવ્યંે છે. એનાં આઠ અંગોમાં સમ્યક દષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવ, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિનો સમાવેશ થાય છે. બૌદ્ધ ધર્મના સારરૂપ આ આઠ પગથિયાં ગૃહસ્થ તેમ જ સંન્યાસી એમ બધાંને માટે બતાવેલાં છે. આ મધ્યમ માર્ગ વડે જ નિર્વાણ કે મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે.
આ અષ્ટાંગિક માર્ગે ચાલનાર મનુષ્યને કેટલાંક બંધનો નડે છે, જેને બૌદ્ધ ધર્મમાં દસ સંયોજન કહે છે, જેમાં સત્કાય દષ્ટિ, વિચિકિત્સા, શીલવ્રત પરામર્શ, કામ, પ્રતિઘ, રૂપ રાગ, અરૂપ રાગ, માન અભિમાન, ઉદ્ઘતપણું, અવિદ્યા-અજ્ઞાનનો સમાવેશ થાય છે. આ દસ શિસ્ત કે સંયોજન વડે જયારે દુઃખનો નિરોધ કરવામાં આવે ત્યારે આખરે નિર્વાણ પ્રાપ્તિ થાય છે. આમ આર્ય અષ્ટાંગિક માર્ગ વડે નિર્વાણપદ કે મોક્ષપદે પહોંચી શકાય છે. નિર્વાણાવસ્થા પ્રાપ્ત કરી શકાય છે.
બુદ્ધં શરણં ગચ્છામિ… ધમ્મં શરણં ગચ્છામિ…
સંઘમ શરણં ગચ્છામિ…

લેખક કર્મશીલ પત્રકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here