તમને ફોટોગ્રાફ જોવાનું ગમે કે એક્સ-રે?

0
1121

જગતની સુંદર ચીજને તો સૌ કોઈ ચાહે છે, પરંતુ જે અસુંદર ચીજ છે એને ચાહી-ચાહીને સુંદર કરી દેવાનો સુંદર ભાવનાત્મક ખ્યાલ કવિ સુંદરમે પોતાના એક કાવ્યમાં વ્યક્ત કર્યો છે.
આ ભાવનાત્મક ખ્યાલની આંગળી પકડીને આપણે સંસારમાંથી અસુંદર ચીજોને શોધી શોધીને સુંદર બનાવવાનો પુરુષાર્થ કરીએ તો શું એ પોસિબલ નથી?
દાખલા તરીકે હંમેશાં એમ કહેવાય છે કે આપણું પોલીસતંત્ર હપતાખાઉ છે – ભ્રષ્ટાચારી છે. આપણે આપણી પોલીસને એટલું બધું રિસ્પેક્ટ આપવા લાગીએ કે એને ભ્રષ્ટાચાર કરતાં સંકોચ થવા લાગે! આપણે પોલીસને ને એટલો બધો પ્રેમ અને વિશ્વાસ આપીએ કે કોઈ પણ ખોટું કામ કરતી વખતે એનો આત્મા સ્વયં એને રોકે…!
આવું જ અન્ય તમામ ક્ષેત્રોમાં પણ કરીએ તો પોસિબલ છે કે પોઝિટિવ રિઝલ્ટ મળે! કારણ કે નેગેટિવિટી માણસને નફ્્ફટ બનાવે છે, પરંતુ રિસ્પેક્ટ અને પોઝિટિવિટી માણસને સારો બનવા મજબૂર કરે છે.
કવિ કલાપીએ પણ કહ્યું છે કે ‘સૌંદર્ય પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.’ સૌંદર્ય પામવાનો અધિકાર મેળવ્યા વગર સૌંદર્ય મળે નહિ અને કદાચ મળે તો ફળે નહિ!
બાથરૂમમાં મિરર શા માટે?
મારે એક બાબત તરફ તમારા સૌનું ધ્યાન દોરવું છે. મોટા ભાગે મેં જોયું છે કે કોઈ પણ જગ્યાએ બાથરૂમ હોય ત્યારે એ બાથરૂમની અંદર એક મિરર હોય છે. એનું રહસ્ય શું? બાથરૂમમાં મિરર શા માટે રાખવામાં આવતો હશે? આ વિશે આપણે ઝાઝું ચિંતન કે વિચાર કરતા નથી, કારણ કે આપણે સ્વીકારી લીધું છે કે બાથરૂમમાં અન્ય કેટલીક પ્રાઇમરી સુવિધાઓની જેમ જ મિરરની સુવિધા પણ હોવી જોઈએ, પરંતુ મને એ બાબતે ઊંડો વિચાર કરતાં કંઈક જુદો અર્થ સમજાય છે અને એ જુદો અર્થ મારે તમારી સાથે શેર કરવો છે.
બાથરૂમમાં દરેક માણસ નગ્ન થતો હોય છે. ગમે તેટલો વીઆઇપી માણસ હોય તો પણ એણે બાથરૂમમાં પોતાનાં વસ્ત્રો ઉતારીને પોતાનું નગ્ન સ્વરૂપ જોવાનું હોય છે! વળી આ એક જ જગા એવી છે કે જ્યાં તેને કોઈ ડિસ્ટર્બ કરતું નથી! બાથરૂમની અંદર એ પોતાની જાત સાથે તટસ્થ રહીને અવલોકન કરી શકે છે. બાથરૂમમાં મિરર રાખવાનું રહસ્ય કદાચ આ જ હોઈ શકે! કીમતી વસ્ત્રો પહેરીને તો માણસ કદાચ શ્રીમંત પણ લાગે અથવા સજ્જન પણ લાગે! બહારનાં એ વસ્ત્રો ઉતારીને, અલંકારો અને મેકઅપ ઉતાર્યા પછી માણસ હકીકતમાં પોતાનું કેવું સ્વરૂપ છે તેનું દર્શન કરી શકે એ માટે બાથરૂમમાં મિરર લગાડવાની પરંપરા શરૂ થઈ હોવી જોઈએ!
નવી નિમણૂક
એક કંપનીના માલિકે પોતાના સ્ટાફમાં એક નવા માણસની નિમણૂક કરી. નવા માણસે પહેલા દિવસે માલિકને પૂછ્યું કે, ‘આપના જણાવ્યા મુજબ મારે આપણા પર્સનલ આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું છે, તો મારે કઈ કઈ કામગીરી કરવાની છે એ અંગે મને માર્ગદર્શન આપશો?’
માલિકે કહ્યું કે, ‘તારે મારી ભૂલો બતાવવા સિવાયનું કોઈ કામ કરવાનું નથી…’
પેલા માણસને નવાઈ લાગી. એણે ફરીથી પૂછ્યું, ‘માલિક! આ મારી કેવી ફરજ? હું આપની ભૂલો કેવી રીતે બતાવી શકું?’
માલિકે કહ્યું, ‘જો ભાઈ! આ ઓફિસમાં મારી વાહવાહી કરનારા, મારી ભૂલો ઢાંકીને પણ મારી સાથે સારો વ્યવહાર કરનારા ચમચાઓની તો બહુ મોટી ફોજ ખડેપગે છે; પરંતુ મારી ભૂલો બતાવનારો, મારું મિસબિહેવિયર બતાવનારો, મારા ખોટા નિર્ણયો વિશે મને તટસ્થ રીતે કહી શકે તેવો એક પણ માણસ નથી. એ કારણે મને સાચી પરિસ્થિતિનો ક્યારેય ખ્યાલ આવતો નથી. મારા ચમચાઓ મને હંમેશાં એવી ભ્રાંતિમાં રાખે છે કે હું જાણે સર્વોપરી છું અને મારા તમામ નિર્ણયો હંમેશાં સારા અને સાચા જ હોય છે! આ કારણે કંપનીને ભારે નુકસાન થઈ રહ્યું છે એવું મને લાગે છે. મારા હરીફો મારા કરતાં વધારે વિકાસ કરી રહ્યા છે અને વધારે લોકપ્રિય પણ થઈ રહ્યા છે. મારે એ પરિસ્થિતિ સુધારવી છે અને હરીફોને હંફાવવા છે. મારા વ્યક્તિત્વ વિશે તેમ જ કંપનીના હિતમાં મારા નિર્ણયો વિશે મને સાચી વાત સ્પષ્ટ કહી શકે એવા એક નિર્ભય અને તટસ્થ સૂઝ-સમજવાળા માણસની મારે જરૂર છે. તારે એ કામ કરવાનું છે. તું જેટલી વખત મારી કોઈ જેન્યુઅન મિસ્ટેક બતાવીશ, એટલી વખત તને એક ઇન્ક્રીમેન્ટનો લાભ મળશે!’
દરેક કંપનીના માલિક, બોસ કે ઉપરી અધિકારીએ આવા એક અંગત માણસની નિમણૂક કરી રાખવી જોઈએ. જોકે બને છે આના કરતાં સાવ ઊલટું. મોટા ભાગે આવા માલિકો ‘હા જી હા’ કરનારા લોકોની જમાત પોતાની અડખેપડખે લઈને ફરતા હોય છે. એ કારણે પોતાના દોષોની અને કંપનીને થતા નુકસાનની એમને શરૂઆતથી જે જાણ થવી જોઈએ તે થતી જ નથી અને આખરે તેઓ કંપની સહિત ડૂબી જાય છે!
મેં કોઈ જગ્યાએ વાંચ્યું હતું કે માણસને પોતાનો ફોટોગ્રાફ જોવાનું ગમે છે, પરંતુ પોતાનો એક્સ-રે જોવાનું તને નથી ગમતું. કારણ કે ફોટોગ્રાફ એ આર્ટિફિશિયલ છે, ફોટોગ્રાફમાં વ્યક્તિ જેવી ન હોય તેવી પણ બતાવી શકાય છે! અનોખી સજાવટ સાથે અને ફોટો ટ્રિક કરીને ફોટોગ્રાફ સાથે વ્યક્તિ ચેડાં કરીને પોતાની કુરૂપતા ઢાંકી શકે છે, પરંતુ એક્સ-રેમાં એ પોસિબલ નથી હોતુ. એક્સ-રે એની વાસ્તવિકતા બતાવે છે. ફોટોગ્રાફમાં માણસ પોતાનું જેવું રૂપ જોવા ઇચ્છે છે તેવું રૂપ એને જોવા મળે છે, પરંતુ એક્સ-રે હંમેશાં માણસને એ જે જોવા નથી માગતો અથવા તો જે જોવા તૈયાર નથી હોતો તે સત્ય એની સામે ધરી દેતો હોય છે.
આપણને કોઈ સામાન્ય બીમારી કે રોગ લાગુ પડે તો આપણે તરત જ ડોક્ટર પાસે જઈને એની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ, પરંતુ કેટલાક રોગની આપણને લાઇફટાઇમ ખબર જ નથી પડતી! આ રોગનું નિદાન ન્યુટ્રલ રહીને જ કરી શકાય. આ રોગ એવો છે કે જેમાં માણસને પોતાના દોષો દેખાતા નથી અને બીજાના ગુણ દેખાતા નથી અથવા એમ પણ કહી શકાય કે પોતાના પહાડ જેવડા દોષ પણ એને દેખાતા નથી અને બીજાને રાઈ જેવડી ભૂલ પણ એને પહાડ જેવી દેખાતી હોય છે! અને પછી એ પોતે જજ બનીને જજમેન્ટ આપી દેવાની ઉતાવળ કરતો હોય છે.
આપણે આપણા ગુણો અને બીજાના દોષો નહિ જોઈએ તો કોઈ ખોટ ખાવાનો વારો નહિ આવે, પરંતુ જો આપણે બીજાના ગુણો અને આપણા દોષો નહિ જોઈએ તો સ્વયં ઈશ્વર આવીને પણ આપણો ઉદ્ધાર નહિ જ કરી શકે!
દરેક નેગેટિવ શક્તિ પાસે એક પોઝિટિવ તત્ત્વ રહેલું હોય છે. કાદવ ભલે ગંદકીનું પ્રતીક હોય, પણ એ કમળ ખીલવી શકે છે!
રાવણને આપણે ભલે અહંકારી અથવા દુષ્ટ તરીકે ઓળખ્યો હોય, પરંતુ એ મહાજ્ઞાની હતો એ વાત શ્રીરામે તો સ્વીકારી હતી! જૈન ધર્મમાં તો હવે પછીના જે ચોવીસ તીર્થંકરો બનવાના છે, તેમાં રાવણ પણ એક તીર્થંકર તરીકે પૂજાવાનો છે!
શાળા કોલેજમાં દેખાવમાં કદરૂપું લાગતું બ્લેકબોર્ડ હકીકતમાં જ્ઞાનની ગંગોત્રી પ્રગટાવવાનું નિમિત્ત બનતું હોય છે!
એ જ રીતે સંસારમાં જેટલાં દુષ્ટ કે અનિષ્ટ તત્ત્વો દેખાય છે એની ખૂબી પારખીને – એની ખાનદાની જગાડીને જો એનો સાચો ઉપયોગ કરવામાં આવે તો એ જ અનિષ્ટ તત્ત્વો ઇષ્ટ આરાધ્ય શક્તિ બની શકે છે.
પાણી આપણને ડુબાડે છે અને એ જ પાણી આપણને તારવાનો ગુણ પણ ધરાવે છે! અગ્નિ આપણને દઝાડે છે, પણ એ જ અગ્નિ પાસે રસોઈ પકવવાની શક્તિ છે અને તેનો ઉપયોગ કરીને માણસે સ્વાદનો કેવો વૈભવ ખડો કરી દીધો છે! એ જ રીતે ગમે તેવી કુસંસ્કારી વ્યક્તિમાંથી પણ ખૂબીઓ શોધવાનો પ્રયત્ન કરીને એના થકી જ સંસ્કારોની શીતળ છાયા પૂરી પાડવાનું પોસિબલ છે. જગતમાંથી નેગેટિવિટી દૂર કરવી હોય તો નેગેટિવિટીને પ્રોત્સાહન આપવાનું બંધ કરવું જરૂરી છે.

લેખક ચિંતક અને સાહિત્યકાર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here