જોગ-વિજોગ

(પ્રકરણ – 3)
તમે તમારી લાડોની યાદમાં ઝૂરો છો, એને જાકારો દેવાનો પસ્તાવો છે જાણી ગમ્યું, ડેડી…
રૂમમાં અંશ પોઢી ગયો છે, બહાર બ્રિજેશનું અટ્ટહાસ્ય પણ શમી ગયું છે. પથારીમાં પડખાં ઘસતાં વૈદેહીએ વાગોળ્યુંઃ
બ્રિજેશ સાથે ડિનર માટે તાજ ગયેલી વૈદેહી પોતાનું કંઈક ગુમાવીને આવી હતી – દિલ!
પછી તો પ્રણયનો એકરાર થયો, મારે ઘરજમાઈ નથી બનવું, તારા ડેડીની લક્ષ્મીનો મને મોહ નથી એવું ખુદ બ્રિજે કહ્યા પછી બીજું શું જોઈએ? આવો સ્વમાની પુરુષ જ તો હું ઝંખતી હતી!
જિંદગીના સૌથી ખૂબસૂરત વળાંકની જાણ પિતાને કરવા યોગ્ય અવસરની રાહ જોતી વૈદેહી ફાઇનલ યરની અંતિમ પરીક્ષા ઢૂંકડી હોવાથી હમણાંની ઓફિસે નહોતી જતી. આવામાં એક સાંજે ઘરે આવેલા પિતાજી ઘવાયેલા સિંહ જેવા લાગ્યા. એકાએક શું બન્યું?

‘જે વ્યક્તિમાં મેં સૌથી વધુ વિશ્વાસ મૂક્યો એણે જ પીઠમાં છૂરી ભોંકી. ’
માના ગયા પછી પિતાને પહેલી વાર આટલા અપસેટ જોયા. કોણે મારા ડેડીનું દિલ દુખવ્યું?
‘બ્રિજેશે.’
હેં!
દીકરી પૂતળા જેવી થઈ એ શોકમગ્ન પિતાના ધ્યાનબહાર ગયું. પોતાની ધૂનમાં એ કહેતા રહ્યાઃ આજે સરપ્રાઇઝ ચેકિંગમાં પકડાયું કે પ્રોડક્ટનો માલ લઈ જતા ટેમ્પાવાળાને સાધી બ્રિજેશભાઈસાહેબ એમાં રો-મટીરિયલની બેગ્સ પણ ભેગી મોકલી આપતા, ને મફતનો માલ ઊંચા ભાવે વેચવાનું રેકેટ ચલાવતો હતો બદમાશ.’
ન હોય! વૈદેહી ખળભળી ઊઠી.

‘ઇનફ ડેડી. તમને ધોકો થયો. બ્રિજ કદાપિ ગલત કામ ન કરે.’
દીકરીની દલીલે એનું અંતર, એની પ્રીત ઉઘાડી પડી ગઈ. અરવિંદભાઈને બેવડો આઘાત લાગ્યોઃ નાનામાં નાની બીના મારી સાથે શેર કરતી મારી લાડલીએ પોતાનો પ્રણયસંબંધ જ મારાથી છુપાવ્યો? પાછી બ્રિજશની બદમાશી સ્વીકારવા તૈયાર નથી, બાપના સત્ય કરતાં પ્રીતમના જૂઠમાં એને વધુ યકીન છે? એણે ખુદ ગુનો કબૂલ્યો છતાં?
કાળજે તિરાડ જેવી પડી પછી એમાં વિસ્તરણ થતું ગયું.
‘મને ફસાવામાં આવ્યો છે, વૈદેહી-’ પિતાની ઉપરવટ જઈ વૈદેહી બ્રિજેશને એના ભાડાના ઘરે મળવા ગઈ. પોલીસકેસના લફરામાં ન પડતાં બ્રિજેશને તત્કાળ ધોરણે છૂટો કરવાની સજા દઈ અરવિંદભાઈએ સંતોષ માન્યો હતો, દીકરીનું દિલ પહેલાં પરખાયું હોત તો બદમાશને છૂટો ન મૂકત ને તો કદાચ દીકરીના વિજોગનો જોગ ન સર્જાયો હોત!
અશ્રુ સારી બ્રિજે વૈદેહી સમક્ષ એક જ કથાનું રટણ કર્યું હતું, ‘તારા પિતા આપણો પ્રેમ પામી ગયા, બહુ સિફતથી દાવ રમી ગયા તારા ડેડી. જાનની ધમકીના જોરે એમણે મારી પાસે ગુનો કબૂલાવી લીધો…’
સટાક્્. વૈદેહીના તમાચાએ બ્રિજનો ગાલ ચીર્યો,

‘હાઉ ડેર યુ. મારા ડેડી વિશે એલફેલ બોલવાની તારી હિંમત કેમ થઈ.’
‘તું સમજી નહિ, વૈદેહી, તારા ડેડીએ જે કર્યું એ તારા પ્રત્યેનો સ્નેહ ખાતર જ કર્યું. અમીરીનું સુખ છોડી દીકરી ગરીબીનો સંઘર્ષ વેઠે એ એમને મંજૂર નહિ હોય, વૈદેહી, એટલે…’
આ તર્ક ગળે ઊતર્યો. મારા સુખ, સલામતી ખાતર ડેડી કંઈ પણ કરી શકે… ઘરે આવી એણે આ જ મતલબની દલીલો માંડતાં અરવિંદભાઈ ગિન્નાયાઃ નોનસેન્સ. તારું હૈયું જાણતો હોત તો નાતજાતના બંધન વળોટીનેય બ્રિજને પોંખ્યો હોત… ત્યારે તો જે થયું સારું થયું. એ મોકાસર ઝડપાયો, એની બદનીયત ઉઘાડી પડી!
આંખો બંધ કરતી તો વૈદેહીને પિતા સાચા લાગતા, ને આંખો ખોલતી તો બ્રિજેશ સિવાય કંઈ દેખાતું નહિ.
‘તું દહીં-દૂધ બેઉમાં પગ નહિ રાખી શકે, વૈદેહી… યા તો પિતાનો કિનારો છોડી મારા કાંઠે આવતી રહે નહિતર હું માનીશ કે મારી પ્રીતમાં જ કશી કચાશ રહી ગઈ.’
આવું સાંભળી કઈ પ્રિયતમા ન દોડે? પિતા માનવાના નહોતા, એમને સૂતા મૂકી એ જ રાત્રે વૈદેહીએ ઘર છોડ્યું. બીજી સવારે કોર્ટેમાં લગ્ન નોંધાવી પિતાના આશીર્વાદ લેવા જોડું ઘરના આંગણે આવ્યું, એમના મોં પર અરવિંદભાઈએ દરવાજો ભીડી દીધોઃ નઠારા માણસને પરણીને તું પસ્તાવાની વૈદેહી, આ ઘરના દરવાજા તમારા માટે કદી નહિ ખૂલે!

બ્રિજેશ ડેડી જોડે સમાધાન કરવા સમજાવતો એટલી જ વૈદેહી મક્કમ બનતીઃ મારો વાંક ન હોય તો પણ ડેડી સમક્ષ નમવામાં મને વાંધો નથી, પણ એમણે તમારા મોં પર દરવાજો ભીડ્યો એ હું કેમ ભૂલું? હવે તો મારે પણ જોવું છે બ્રિજ કે ડેડી મારા વિના કેટલું રહી શકે છે!
આ એક જીદમાં વિજોગનાં કેટલાં વરસો વહી ગયાં!
વૈદેહીએ નિઃશ્વાસ નાખ્યો.
તોય બ્રિજેશના અતિઆગ્રહને માન આપી એક પહેલ તો પોતે કરેલી. અંશના જન્મની વધાઈ દેવા પિતાને ફોન જોડ્યો ત્યારે હતું કે નાતીના આગમને ડેડી હરખઘેલા થઈ જવાના… પણ એમનો રોષ તોય ઠંડો ન પડ્યો. બોલ્યાય કેવું – મારે દીકરી જ નથી તો દોહિત્ર કેવો!
ડેડી મારા માટે આવું બોલી શકે? વૈદેહીને એટલું માઠું લાગ્યું કે મા બનવાની જીવનની સૌથી અદકેરી ખુશીને પણ એ પૂરેપૂરી માણી નહોતી શકી.
અંશ ત્રણેક મહિનાનો થયો, ખારના ફ્્લેટનું પઝેશન મળવાની ઘડીઓ ગણાઈ રહી હતી અને –
બ્રિજને નવી નોકરીમાંથી રાતોરાત બરતરફ કરાયો. કારણ? વળી એ કેમિકલની ચોરીમાં રંગેહાથ પકડાયો હતો!
સત્યના સાક્ષાત્કારની એ ક્ષણે વૈદેહીની ભીતર કંઈક હંમેશ માટે તૂટ્યું – પતિ પરનો વિશ્વાસ.
‘મારે તારા ખાતર અમીર થવું હતું વૈદેહી…’
પણ વૈદેહીની સમજ પર ફરી ઓછો પડદો પડે!
‘ઇનફ બ્રિજ. તમારી ગલતીમાં મને નિમિત્ત ઠેરવવાનું બંધ કરો. સાચું તો એ છે કે આડા રસ્તાની તમને છોછ નથી, એક વાર ચોર ઠર્યા છતાં તમારી લત છૂટી નથી.’

‘હા, હા હું સાડી સત્તરવાર ચોર-’ વૈદેહી ન જ પીગળી તો બ્રિજેશે પણ બેપરવાહ થઈ આખરી મહોરું ફગાવી દીધું, ‘હું તારા જેવો મૂલ્યોમાં માનનારો નથી. મને એક જ ચીજ સાથે નિસબત છે – પૈસા! એટલે તો અમીર બાપની દીકરીને પ્રેમમાં પલાળી…’
વૈદેહીએ કાને હાથ દાબી દીધા. પ્રીતની ધરતી ઉજ્જડ થઈ. મને જે સ્વયંપ્રેરિત લાગી હતી એ પ્રણયની લાગણી બ્રિજેશે ગણતરીપૂર્વક મારામાં રોપી હતી. એ બાઇક રાઇડિંગ, તાજની એ ટ્રીટ – મારા હૃદય પર કબજો જમાવવાનાં એ યોજનાબદ્ધ પગલાં હતાં એવું બ્રિજેશે ખુદ કબૂલ્યા પછી અમારા સંસારમાં પ્રણય નામશેષ થાય છે. મારો દરેક ભ્રમ તરડાઈ ગયો, નપાવટ ઠરેલા પુરુષને હું પળ માટેય બરદાસ્ત કરી શકું એમ નથી… મારા ડેડીનું ઘર હજી સલામત છે, એમના આશરે જવા મારે મૂરત જોવાની જરૂર નથી!

વૈદેહીએ બેગ પેક કરી, અંશને તેડ્યો.
‘શાબાશ…’ બ્રિજ ખંધું હસેલો, ‘તું મને સાથે નહિ લઈ જાય, વાંધો નહિ, પણ આપણા છૂટાછેડાના બદલામાં ચાર-છ કરોડ તો તારા બાપ પાસે અવશ્ય પડાવી શકીશ…’
આખરે બદમાશની બદનીયત હોઠે આવી જ ગઈ. બ્રિજની નજર મારા ડેડીની દોલત પર જ હતી, હવે ડિવોર્સના બહાને એ પોતાનો રોટલો શેકવા માગતો હોય તો એણે મને હજી જાણી નથી!
વૈદેહીએ ટાઢકથી બેગ પાછી ખાલી કરી.

‘સોરી, બ્રિજ, મને હાથો બનાવી મારા ડેડીને તો હું તમારા હાથે નહિ જ લૂંટાવા દઉં…’
બસ, એ ઘડી ને આજનો દી! વીત્યાં વરસોમાં બ્રિજે પોતાને ત્રાહિમામ પોકારવામાં કસર નથી છોડી. દારૂ પી ધમાલ મચાવતો, ફ્્લેટ વેચી નાખ્યો, ભાડાનું જૂનું ઘર કાઢી બદનામ વિસ્તારમાં રહેવા લઈ આવ્યો, પણ ધરાર જો વૈદેહી એથી નબળી પડી હોય! પડખે સૂતા બ્રિજ સાથે સંબંધ બંધાવાનો નહોતો. એ તરાપ મારવાનો થાય તો વૈદેહી વાઘણ જેવી થતી. એણે બેકારી ન છોડી તો વૈદેહીએ આર્ટ ગેલેરીમાં નોકરી મેળવી. દીકરો સ્કૂલ જતો થયા પછી એના રખાવની ચિંતા ન રહી.
‘તારી મા બહુ ચાલુ ઔરત છે…’

દસેક વરસના થયેલા અંશની કાનભંભેરણી કરતા બ્રિજને વૈદેહીએ પહેલી વાર લાકડીએ પીટ્યો હતો – ખબરદાર, જો ફરી મારા દીકરાને એલફેલ બોલ્યો છે તો!
રણચંડી જેવા એના અવતારે બ્રિજ એવો ડઘાયો કે એના ઉત્પાત્ત થોડાં વરસો સાવ જ મંદ થઈ ગયા.
વૈદેહીએ અંશને હકીકતોથી અજાણ રાખ્યો નહોતો. માની જેમ એ પણ પિતાને અવગણતો. વૈદેહી જેવી જ ખુમારી અંશમાં પણ હતી.
‘જો, તારા બાપે ભાડૂત માટેની જાહેરાત આપી છે.’
બ્રિજેશે જ ખબર આપ્યા હતા. વૈદેહીને એટલું સુખ હતું. અમીર શ્વશરના ખૈરખબર રાખવાની બ્રિજને ટેવ હતી. વૈદેહીને બ્રીફ કરતો, ખરેખર તો સંભળાવવાઃ જોયું, તારો બાપ ભાડૂત રાખે છે, પણ એવું નહિ કે ભાડાના ઘરમાં રહેતી દીકરીને ઘરે તેડાવીએ…
બ્રિજનાં મહેણાં વણસાંભળ્યા કરતી વૈદેહીને ખુદને ક્યાંક ચુભન હતી ખરીઃ હું તો મારા કારણે ડેડીને ત્યાં નથી ગઈ, પણ મારી ભાળ કાઢવા ડેડીને કયું પરિબળ રોકતું હશે? ડેડી મને જોયા વિના, મળ્યા વિના રહી પણ શકે! જોકે વાંક ડેડીનો નથી. મેં આઘાત જ એવો આપ્યો કે એમને આજેય કળ નહિ વળી હોય!
આજે પિતાના ભાડૂતને મળી આનંદ થયો તો બ્રિજની હરકત ચિંતાપ્રેરક લાગીઃ અંશને હાથો બનાવી એ મને કાબૂમાં લેવા માગતો હોય તો મારે કંઈક કરવું રહ્યું!
થોડું વિચારતા વૈદેહીને આનો ઉકેલ પણ જડી ગયો.

બીજી સાંજે બ્રિજેશે કકળાટ મચાવ્યોઃ અંશ ક્યાં છે? શાળાએથી હજી આવ્યો કેમ નહિ….
‘અંશ અહીં નહિ રહે.’ વૈદેહીએ ટાઢક રાખી, ‘એનું એડમિશન મેં સ્કૂલ હોસ્ટેલમાં કરાવી લીધું છે.’
બ્રિજના મોંમાંથી ગાળ સરી ગઈ. અંશની આડમાં વૈદેહીને મજબૂૂર કરવાની બુદ્ધિ મોડી મોડી સૂઝી હતી, એ બહાને એના બાપની મિલકતનો કબજો પણ થઈ શકત… પણ એણે તો એ હથિયાર જ છીનવી લીધું!
બહુ થયું. અડધી જિંદગી આમ જ વહી, બાકીની વેડફવી નથી… વૈદેહી પર મદાર રાખવાને બદલે સસરાજી સાથે મારે જ ડીલ કરી દેવી જોઈએ, યસ! હું જઈને વૈદેહીના દુઃખનો ચિતાર આપું તો શું બાપ નહિ પીગળે?

અરવિંદભાઈને મળવાનું નક્કી કર્યે પંદર દહાડા થવાના, પણ એમના બિલ્ડિંગના ગેટ સુધી પહોંચતાંમાં હિંમત જવાબ દઈ જાય છે.
‘તેં જ મારી દીકરીને દુઃખી કરી’નો આરોપ મૂકી શેઠ સામું બાઝ્યો તો? 70ના થયેલા શેઠજીમાં પહેલાં જેવી તાકાત નથી જ રહી, પણ એમ તો દારૂના સેવન પછી નબળો તો હુંય ક્યાં નથી પડ્યો!
કમને બ્રિજ પાછો વળે છે. વળી દારૂ પી જાતને પાનો ચડાવે છે. ક્યાં સુધી શેઠથી ડરતો રહીશ? કાલે તો પહોંચી જ જવું છે…
એ કાલ ક્યારે આવશે, કોણે જાણ્યું? (ક્રમશઃ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here