બત્રીસ કોઠાની વાવ

0
3096

ખેડા જિલ્લાનું એક અગત્યનું નગર કપડવંજ. મૂળ કપડવણજનો ઇતિહાસ મધ્ય પાષાણયુગથી શરૂ થાય છે. તેનાં કપટપુર, કબરપંચ, પંચકર્પટ, કપડવણાક, કપડવણજ ને કર્પટવાણિજ્ય એવાં નામો મળે છે. છેલ્લાં ત્રણ નામો આ શહેરનો કાપડના વેપાર સાથે સંબંધ જોડે છે. આઝાદીની લડાઈમાં કપડવણજ અને કઠલાલના લોકોએ ભાગ લીધેલો હતો.

પ્રાચીન કાળમાં ભરૂચથી રાજસ્થાન, મધ્ય પ્રદેશ, માળવા અને ઉત્તર ભારત જતો માર્ગ કપડવણજ પાસેથી પસાર થતો હતો. ઈ. સ. 1913માં રેલવે નખાઈ તે પહેલાં સાબુ, કાચની બંગડીઓ, બરણીઓ, ઘી અને હાથવણાટનું કાપડ અહીંથી ભારતના અન્ય ભાગોમાં તથા ઈરાન અને અરબસ્તાન જતું હતું. અકીકના પથ્થરો ખંભાત મોકલાતા હતા, અને તેના મણકા અને બીજી વસ્તુઓની નિકાસ આફ્રિકાના તથા યુરોપના દેશોમાં થતી હતી. આમ આ નગર રસ્તા માર્ગે તથા ખંભાત બંદરથી નિકાસ માટે અગત્યનું વેપારકેન્દ્ર બન્યું હતું. સિદ્ધરાજ જયસિંહના સમયમાં આ વેપાર ફૂલ્યોફાલ્યો હતો અને અહીં જાહોજલાલી હતી. નગરમાં વિવિધ સ્મારકો અને ઇમારતો બંધાયાં છે તે આજે પણ તે સમયની કલા-સંસ્કૃતિ અને અદ્ભુત ઐતિહાસિક વારસાની સાહ્યબી સૂચવે છે.

બત્રીસ કોઠાની વાવનું સ્થાનઃ ખેડા જિલ્લાના કપડવણજ નગરના મધ્યમાં રહેલી છે. અમદાવાદથી 73 કિ.મી દૂર આ વાવ આવેલી છે.
ઐતિહાસિક પાર્શ્વભૂમિકાઃ વાવનું નામ સૂચવે છે કે આ વાવ 32 કોઠા-માળની છે. મોહર નદીને કાંઠે આવેલી આ વાવ તે સમયે પાણીપુરવઠા માટે અગત્યનો સ્રોત હતો. આ વાવ સિદ્ધરાજ જયસિંહના ઈ. સ. 1094થી 1143ના શાસનકાળમાં બંધાયેલી છે. આ સિવાય પણ કપડવંજમાં અન્ય ઐતિહાસિક બાંધકામો કરવામાં આવેલાં છે, જેમાં અન્ય વાવ ઉપરાંત શહેરની મધ્યમાં કુંડવાવ કે જેના પ્રવેશ માટે વડનગર જેવું જ તોરણ બાંધવામાં આવ્યું છે તે અદ્ભુત છે. ગુજરાતના 13 કીર્તિસ્તંભોમાંનું આ તોરણ વડનગરની માફક સારી હાલતમાં સચવાયેલું છે.

સ્થાપત્યઃ વાવમાં ઊતરવા માટે સીધાં તથા આડાં પગથિયાંનું બાંધકામ કરવામાં આવેલું છે. વાવ ઘણી ખંડિત હાલતમાં હોવાથી તેની ઉપર કેટલા કૂટ-પેવેલિયન બાંધવામાં આવ્યાં હતાં તે સ્પષ્ટ થતું નથી. ફક્ત નીચેના કૂવા પાસે રહેલા કૂટ સલામત હાલતમાં છે. અંદરની સ્તંભ અને દીવાલો પરની કોતરણી અણખોલ માતાની વાવ-દાવડ તથા અમદાવાદની દાદા હરિરની વાવને મળતી આવે છે. વાવના સ્તંભ, બ્રેકેટ્સ અને પેરાપેટ દીવાલો ઉપરની કોતરણીમાં દર્શાવેલાં ઘરેણાં, વાવ 13મી સદીમાં બંધાયેલી હોય તેમ દર્શાવે છે. પગથિયાંઓની વચ્ચેની પરસાળ કે ઓટલો વિશિષ્ટ છે, જે મુખ્યત્વે પેવેલિયન કે છત્ર ધરાવતા કૂટમાં જોવા મળે છે. કૂવા પાસેના છેલ્લા કૂટમાં બેસવાની જગ્યાઓ ટેકા દેવાની બેઠક ધરાવે છે.
ભૌમિતિક આકારો અને કુદરતી વિષયવસ્તુવાળી કોતરણી વચ્ચેની પરસાળો અને થાંભલાઓ ઉપર જોવા મળે છે.
આ વાવની હાલની પરિસ્થિતિ જોવા 12મી ડિસેમ્બર, 2017ના રોજ કપડવંજ જઈ સ્થળની મુલાકાત લીધી. ગામની વચ્ચે મુખ્ય રસ્તા ઉપર જ આ વાવ રહેલી છે. નાનકડો જાળીવાળો દરવાજો રસ્તા ઉપરથી દેખાય છે, જેની ઉપર આ વાવનું નામ લખવામાં આવેલું છે. આ નાનકડો જાળી દરવાજો ખોલતાં જ વાવમાં ઊતરવાનાં પગથિયાં ચાલુ થાય છે, જેની પહોળાઈ 10થી 12 ફૂટ હશે. બન્ને બાજુ ખાનગી મકાનોની દીવાલો રહેલી છે. વાવમાં પગથિયા ઉપર પુષ્કળ ગંદકી અને ઘાસ-વનસ્પતિ ઊગી નીકળેલાં છે અને જીવજંતુ રહેતા હશે તેવું લાગ્યું. પગથિયાંની ઉપર કોઈ પેવેલિયન-કૂટ બચ્યાં નથી. બધા જ પથ્થરો તૂટીને પગથિયા ઉપર વેરવિખેર પડેલાં છે. લગભગ 100-150 ફૂટ નીચે પગથિયા પાસે પાણી ભરેલું હતું, જેની ઉપર એક કૂટ ખંડેર હાલતમાં હજી ઊભો છે. આ કૂવાની ઉપરનો કૂટ લાગ્યો. બાકી આ વાવ બિલકુલ ખંડેર હાલતમાં છે.

વાવથી 100 મીટર નજીકમાં જ મુખ્ય બજારના રસ્તાની બાજુમાં ચંચળબાઈ ટાવરની પાછળ અને મહાલક્ષ્મી માતાના મંદિર પાસે કુંડવાવ નામનું સ્થળ રહેલું છે, જે એક લંબચોરસ વિશાળ કુંડ કે હોજ જેવી ખુલ્લી વાવ કે કુંડ છે. કુંડ એક કૂવા જોડે સંકળાયેલો છે, જે મુખ્ય પ્રવેશદ્વાર ઉપર રહેલા જર્જરિત ફુવારાની બરાબર નીચે રહેલો છે. કુંડમાં ઊતરવા ચારેબાજુ સીધાં અને આડાં પગથિયાંઓ છે. પગથિયાંઓમાં વચ્ચે ગોખલા આવેલા છે, જેમાં કદાચ અગાઉ મૂર્તિઓ હોઈ પણ શકે, જોકે અત્યારે તમામ ખાલી છે. કુંડની ત્રણ બાજુ જમીનની સપાટી ઉપર દેરીઓ રહેલી છે, જેના ઉપર કોતરકામ જોવા મળે છે. ખાસ કરીને દેરીના ઉપરના છત્રીના ભાગ ઉપર વિશેષ જોવા મળે છે. કુંડના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ કુંડને અડીને જમીનની સપાટી ઉપર વિશાળ પથ્થરનું તોરણ બનાવેલું છે, જે આબેહૂબ વડનગરના તોરણ જેવું છે. આ તોરણ કોતરણીથી ભરપૂર છે. મોટા વિસ્તારમાં ફેલાયેલી આ વાવ બે બાજુ ઊંચા રહેઠાણનાં મકાનોથી જ્યારે રસ્તાની બાજુ પાકી જાળીથી રક્ષિત છે. આ વાવ પણ સિદ્ધરાજ જયસિંહ (ઈ. સ. 1094થી 1143) દ્વારા તેના શાસન દરમિયાન બાંધવામાં આવેલી છે. વાવના પ્રવેશદ્વારને અડીને વિશાળ પથ્થરનું ટાવર બંધાયેલું છે, જે જોવા લાયક છે.

સમગ્ર પરિસર ગંદકીથી ખદબદે છે. પગથિયાંઓ ઉપર ઠેરઠેર વનસ્પતિ ઊગી નીકળી છે. આ ઐતિહાસિક સ્થળ બાંધકામની દષ્ટિએ હજી ઘણું બધું સુરક્ષિત હોઈ તાકીદે તેની જાળવણીની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી આ ભવ્ય વારસો આપણી હાલની અને હવે પછીની પેઢીઓ માટે સુરક્ષિત રહી શકે.
લેખકઃ ગુજરાત સરકારના પૂર્વ અધિકારી અને ભૂસ્તરશાસ્ત્રી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here